એન્ટીલિયા કેસ : વિસ્ફોટક રાખવા પાછળનો ઉદ્દેશ્ય એક મોટું એન્કાઉન્ટર પાર પાડવાનો હતો

0
2

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર પાસેથી વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો કાર મળી આવી તે કેસમાં એક નવો ખુલાસો થયો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કરેલા દાવા પ્રમાણે મુંબઈ પોલીસના પૂર્વ અધિકારી સચિન વાજેનો વિસ્ફોટક રાખવા પાછળનો ઉદ્દેશ્ય તેના દ્વારા એક મોટું એન્કાઉન્ટર પાર પાડવાનો હતો.

આ એન્કાઉન્ટરમાં ઠાર મારવા માટે દિલ્હીથી એક મોટા બદમાશને ઉઠાવી લાવવાની યોજના હતી. હાલ કોર્ટે ક્રાઈમ બ્રાંચના પૂર્વ એપીઆઈ વાજેને કોર્ટ કસ્ટડીમાં મુંબઈની તલોજા જેલમાં મોકલ્યો છે. તપાસ એજન્સીએ 13 માર્ચના રોજ સ્કોર્પિયો કાંડમાં વાજેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ 27 દિવસ સુધી ચાલેલી લાંબી પુછપરછમાં તપાસ એજન્સીને આખી વાર્તા ખબર પડી હતી.

તપાસ એજન્સીની ટીમે હાલ સમગ્ર વાત સાર્વજનિક નથી કરી પરંતુ જાણવા મળ્યા મુજબ વાજેની યોજના કેટલાક બદમાશોને ઉઠાવીને તેમનું એન્કાઉન્ટર કરવાની હતી. ત્યાર બાદ તે સ્કોર્પિયો રાખવા પાછળ બદમાશોને જવાબદાર ઠેરવીને વાહવાહી મેળવવા માંગતો હતો. ઓરંગાબાદથી ચોરવામાં આવેલી મારૂતિ ઈકો કારમાં એન્કાઉન્ટર કરવાની યોજના હતી. આ એન્કાઉન્ટરમાં મનસુખ હિરેન ઉપરાંત દિલ્હીના એક બદમાશને પણ મારવાની યોજના હતી.

હકીકતે મુંબઈ પોલીસના સ્ટાર અધિકારીઓમાં રહી ચુકેલો વાજે લાંબા સમય સુધી સસ્પેન્ડ રહેવાના કારણે લાઈમલાઈટથી દૂર હતો. આ એન્કાઉન્ટર દ્વારા તે ફરી વાહવાહી મેળવવા માંગતો હતો. પરંતુ તેની યોજના સફળ થાય તે પહેલા તપાસ એજન્સીએ કેસ પોતાના હાથમાં લઈને આખો ખેલ બગાડી નાખ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here