ચિંતા : મોબ લિન્ચિંગ મુદ્દે 49 સેલિબ્રિટીઝે પીએમ મોદીને પત્ર લખીને કડક પગલાંની માગ કરી

0
30

મુંબઈઃ બોલિવૂડના જાણીતા ડિરેક્ટર્સ તથા એક્ટર્સ અદૂર ગોપાલક્રિષ્નન, મણિરત્નમ, અનુરાગ કશ્યપ, અપર્ણા સેન, કોંકણા સેન શર્મા, સૌમિતા ચેટર્જી સહિતના 49 સેલેબ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોબ લિન્ચિંગના વધતા જતા બનાવો પર ચિંતા પ્રગટ કરી છે.

શું કહેવામાં આવ્યું પત્રમાં?

1. 49 સેલિબ્રિટીએ પત્રમાં કરી સહી

49 સેલિબ્રિટીએ પત્રમાં સાઈન કરીને કહ્યું હતું કે આજે ‘જય શ્રી રામ’ નારાને યુદ્ધનો લલકાર બનાવીને હથિયારની જેમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રામના નામથી લોકોને ડરાવવામાં આવી રહ્યાં છે. આ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ. ઉલ્લેખનીય છે કે આ પત્ર 23 જુલાઈના રોજ લખવામાં આવ્યો છે, જેમાં ઈતિહાસકાર રામચંદ્ર ગુહા, સોશિયોલોજીસ્ટ આશિષ નંદી, બિનાયક સેન, રેવતી, શ્યામ બેનેગલ, શુભા મુદગલ, રૂપમ ઈસ્લામ, અનુપમા રોય, રિદ્ધિ સેન, પરમબ્રાતા સહિતના સેલેબ્સે સહી કરી છે.

2. મોબ લિન્ચિંગ તાત્કાલિક બંધ થાય

પત્રમાં ડિમાન્ડ કરવામાં આવી છે કે મુસ્લિમ, દલિતો તથા અન્ય અલ્પસંખ્યકોનું લિન્ચિંગ તાત્કાલિક બંધ થવું જોઈએ. પત્રમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓના આધાર પર કહેવામાં આવ્યું છે કે પહેલી જાન્યુઆરી, 2009થી 29 ઓક્ટોબર, 2018 દરમિયાન ધર્મની ઓળખ પર આધારિત 254 કેસ દાખલ થયા છે. આ સમય દરમિયાન 91 લોકોની હત્યા થઈ અને 579 લોકો ઘાયલ થયા. પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ભારતની 14 ટકા વસ્તી મુસ્લિમ છે, તેઓ 62 ટકા અપરાધોના શિકાર બન્યા છે. ક્રિશ્ચિયનની વસ્તી 2 ટકા છે, તેઓ 14 ટકા અપરાધનો શિકાર બન્યા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આમાંથી 90 ટકા ગુનાઓ મે, 2014 પછી બન્યા છે. જ્યારથી નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા છે.

3. તમામને બરોબરનો અધિકાર

આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે આપણું બંધારણ દેશને સેક્યુલર ગણતંત્ર બનાવે છે, જ્યાં દરેક ધર્મ, લિંગ, સમૂહ તથા જાતિના તમામ લોકોને બરોબરનો અધિકાર મળે છે. વડાપ્રધાને સંસદમાં લિન્ચિંગની ઘટનાઓની ટીકા કરી છે પરંતુ આટલું પૂરતું નથી. આવો ગુનો કરનાર વિરૂદ્ધ શું પગલાં લેવામાં આવે છે, તે આપણને ખ્યાલ છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આવા ગુનાઓને બિનજામીનપાત્ર ઠેરવવામાં આવે અને દોષિતોને એવી સજા આપવામાં આવે, જેનાથી બીજા આવો ગુનો કરતાં ડરે. જ્યારે હત્યાના દોષિતોને પેરોલ વગર આજીવન કારાવાસની સજા આપી શકાય છે તો લિન્ચિંગના કેસમાં કેમ આમ ના થઈ શકે? શું આ ધૃણાસ્પદ અપરાધ નથી? આપણા દેશના એક પણ નગારિકે ડરના માહોલમાં જીવવાની જરૂર નથી.

4. સરકારની ટીકા કરે તે એન્ટી નેશનલ નથી

સેલેબ્સે એવી માગણી કરી છે કે પીએમ મોદી એવો માહોલ બનાવે, જ્યાં અસહમતિને અયોગ્ય ગણવામાં આવે નહીં. આ સેલેબ્સે કહ્યું હતું કે અસહમતિ દેશને વધુ મજબૂત બનાવે છે. અસહમિત વગર ગણતંત્ર વિકસી શકે નહીં. જો કોઈ સરકાર વિરુદ્ધ બોલે છે, તો તેને એન્ટી નેશનલ કે અરબન નક્સલ કહેવો જોઈએ નહીં. સત્તાધારી પક્ષની ટીકા કરવી એનો અર્થ એવો નથી કે દેશની ટીકા કરવામાં આવે છે. કોઈ પણ પાર્ટી જ્યારે સત્તામાં હોય છે, ત્યારે તે પક્ષ દેશનું પ્રતિક બનતો નથી. આ દેશની અનેક પાર્ટીઓમાંથી તે બસ એક માત્ર પાર્ટી છે. આથી જ સરકારની વિરૂદ્ધ બોલવું કે સ્ટેન્ડ લેવું તેને દેશ વિરોધી ભાવના વ્યક્ત કરવી એવું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here