સફરજનની ખેતી : ખેડૂતે કાશ્મીર-હિમાચલ જેવા ઠંડા પ્રદેશમાં થતી સફરજનની ખેતીનો કર્યો પ્રયોગ

0
6

ખેડૂતોની સાહસિકતા, પ્રયોગશીલતા અને કૃષિ કુશળતા હંમેશા નવા પરિમાણો, પરિણામો અને પાકો આપે છે. તેના લીધે કચ્છ જેવા સૂકા અને મોટેભાગે રેતાળ પ્રદેશમાં કેસર કેરી થાય છે અને જામનગર જિલ્લામાં વિદેશી થોરના ફળ અને ડ્રેગન ફ્રૂટની ખેતી થાય છે. ઉત્તર ગુજરાતના ખેડૂત કેસર ઉગાડવાના પ્રયાસ કરી ચૂક્યા છે અને વિશેષતા એ છે એકાદ બે વાર નિષ્ફળતા મળે તો પણ હતાશ થયા વગર આ ખેડૂતો પ્રયાસમાં પાછી પાની કરતાં નથી.

2019ના જાન્યુઆરીમાં હિમાચલના સફરજનનું વાવેતર ગુજરાતમાં કર્યું

સફરજન આમ તો હિમાચલપ્રદેશ જેવા શિત પ્રદેશનો પાક છે. એનો ઉછેર ગુજરાતના ગરમ વાતાવરણમાં કરવાનો વિચાર પહેલી દ્રષ્ટિએ રમુજી લાગે, પરંતુ,કરજણ તાલુકાના વેમાર ગામના વતની અને હાલ કરજણમાં વસવાટ કરતા ખેડૂત સહ વ્યાપારી ગીરીશભાઈ પટેલના ખેતરમાં આજે સફરજન ના એક બે નહીં, પૂરા 220 જેટલા છોડ ઉછરીને 5થી 7 ફૂટની ઊંચાઇએ પહોંચી ગયા છે. તેમણે 2019ના જાન્યુઆરી મહિનામાં હિમાચલના સફરજનનું વાવેતર ગુજરાતમાં કર્યું હતું.

કચ્છના ખેડૂતમાંથી પ્રેરણા લઇને સફરજનની ખેતીનો પ્રયોગ કર્યો
જોકે, રેફ્રિજરેટર જેવા ઠંડા વાતાવરણવાળા પ્રદેશનો પાક વડોદરા અને ગુજરાતના ઓવન જેવા ગરમ પ્રદેશમાં કેવી રીતે થાય એની મૂંઝવણ નિવારતા એમણે જણાવ્યું કે, હિમાચલ પ્રદેશની બાગાયત સંશોધન સંસ્થાએ સુધારેલી વરાયટી તૈયાર કરી છે, જેનું ગરમ વાતાવરણ ધરાવતા દક્ષિણના બે અને રાજસ્થાન સહિત 18 રાજ્યોમાં પ્રાયોગિક વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કચ્છના બાગાયત સાહસિકે પ્રથમ પ્રયત્નોની નિષ્ફળતાથી હતાશ થયા વગર આ સફરજન ઉગાડ્યા છે અને તેમનાથી પ્રેરાઇને ગીરીશભાઇએ વડોદરા જિલ્લામાં આ પ્રયોગ કર્યો છે.

હવે 2022માં આ છોડવા પરિપક્વ થઈ જતાં ફળોનો પાક લઈ શકાશે

એક વાર ફૂલો અને ફળો તોડી નાખ્યા
ગીરીશભાઇએ તેના રોપા મેળવવા હિમાચલ પ્રદેશની સંસ્થાનો સંપર્ક કર્યો, તો એ સંસ્થાએ રાજસ્થાનના જયપુરની સંસ્થા પાસેથી સફરજનના છોડ ખરીદવાની ભલામણ કરી હતી. આમ, એમને જાણે કે અર્ધા રસ્તે ઓછા પરિવહન ખર્ચે પ્રમાણિત છોડ મળી ગયા. વાવેતરના બીજા વર્ષે એટલે કે 2020માં તો આ છોડવાઓમાં ફૂલ અને પછી ફળ બેઠાં ત્યારે તેમને આનંદ સાથે આશ્ચર્ય થયું અને પ્રયોગ સફળ થવાનો વિશ્વાસ બંધાયો. જોકે સલાહકાર સંસ્થાએ છોડવા ત્રણ વર્ષ પછી જ પરિપક્વ થતાં હોવાથી ગીરીશભાઇને તાત્કાલિક એ ફૂલો અને ફળો તોડી લેવાની સલાહ આપી.

હરમન-99 પ્રકારની વરાયટીના સફરજન રંગે પીળા-ગુલાબી અને ખટ મધુરા હોય છે
હવે 2022માં આ છોડવા પરિપક્વ થઈ જતાં ફળોનો પાક લઈ શકાશે. એટલે શિમલાના સફરજન ખાનારા ગુજરાતીઓ હવે વેમારના સફરજન ખાવા તૈયાર રહે. હરમન-99 પ્રકારની આ વરાયટીના સફરજન રંગે પીળા-ગુલાબી અને ખટ મધુરા હોય છે. તેમણે પરિવહન ખર્ચ સહિત લગભગ એક છોડના રૂ.300ના ભાવે 300 છોડ વાવેતર માટે ખરીદ્યા હતા. કાઢી નાખવામાં આવેલી નીલગીરીની જગ્યાએ તેનું વાવેતર કર્યું હતું.

પ્રગતિશિલ ખેડૂત આજે 220 જેટલા છોડ ઉછરી રહ્યાં છે
80 જેટલાં છોડ બગડી જતા સંસ્થાનો સંપર્ક કર્યો તો જણાવ્યું હતું કે, છોડના થડની આસપાસ પાણીનો ભરાવો થાય તો છોડ મરી જાય છે. આ પાક મોટેભાગે ઢોળાવવાળી જમીનને અનુકૂળ હોવાથી તેમણે પાળા જેવી રચના કરી, થડની આસપાસ પાણીનો ભરાવો ટાળ્યો. પરિણામે આજે 220 જેટલા છોડ ઉછરી રહ્યાં છે. રાજ્યના બાગાયત વિભાગની વડોદરા કચેરીએ પણ તેમના આ પ્રયોગ ની નોંધ લીધી છે.

હરમન-99 પ્રકારની આ વરાયટીના સફરજન રંગે પીળા-ગુલાબી અને ખટ મધુરા હોય છે.

કપાસ, દિવેલા, તુવેર જેવી પરંપરાગત ખેતી કરતા જ નથી
મૂળ ખેડૂત એવા ગીરીશભાઈ પટેલનો પરિવાર કરજણમાં સ્ટેશનરીનો જામેલો વ્યાપાર ધરાવે છે. તો પણ તેઓ જમીન સાથે જોડાયેલા છે. તેઓએ પોતાની 18 વીઘા જમીન વધારીને 22 વીઘા કરી છે. તેઓએ 300 આંબાનું કેસર કેરીનું આંબાવાડિયું કર્યું છે. છેક 2003થી નીલગીરીની સફળ ખેતી કરી છે. ગુલાબી જામફળ ઉછેર્યા છે, જેનો પહેલો પાક આ વર્ષે મળશે. તેઓ કહે છે કે હું કપાસ, દિવેલા, તુવેર જેવી પરંપરાગત ખેતી કરતો જ નથી. મારા ખેતરોમાં ઝાડવા જ છે. એટલે કે, તેઓ વૃક્ષ ખેતી જ કરે છે. તેમનું કહેવું છે કે, વાડીની ખેતી પરંપરાગત ખેતી જેટલી જ લાભદાયક છે અને જહેમત ઓછી છે.

આપણી જમીનમાં ઉગેલા ફળ ખાવાનો આનંદ અનેરો જ હોય છે
ગીરીશભાઇની કૃષિ સાહસિકતા ને લીધે વડોદરાને વેમારના સફરજન ખાવા મળશે. કદાચ એ શિમલાના સફરજન જેવા મોટા અને ડીલીસિયસ ભલે ના હોય પણ આપણા વિસ્તારમાં અને આપણી જમીનમાં ઉગેલા ફળ ખાવાનો આનંદ અનેરો જ હોય છે. સફરજન જેવા નવા પાકો લેનાર ખેડૂતોને ભારત સરકારની પ્રોત્સાહક યોજનાનો લાભ આપવા બાગાયત ખાતું પ્રયત્ન કરશે. વડોદરા ખાતેની નાયબ બાગાયત નિયામક ની કચેરીના બાગાયત અધિકારી શ્રી યોગેશભાઈ એ વેમારમાં સફરજન ની ખેતીની વાત જાણવા મળતા ગિરીશભાઇ ખેતરની મુલાકાત લીધી હતી અને નવા પ્રયોગ માટે અભિનંદન આપ્યાં હતાં.

નવા પાકના ખેડૂતોને લાભ મળે એ દિશામાં વિચારણા
તેમણે જણાવ્યું હતું કે, સફરજન એ ગુજરાતનો પ્રચલિત ફળ પાક નથી, એટલે આપણી બાગાયત પ્રોત્સાહક યોજનાઓમાં તેનો સમાવેશ નથી થતો, પરંતુ, ભારત સરકારની નેશનલ સસ્ટનેબલ એગ્રિકલચરની યોજનામાં વ્યાપક ફળ પાકોનો સમાવેશ થયેલો હોવાથી સફરજન જેવા નવા પાકના ખેડૂતોને તેનો લાભ મળી શકે એ દિશાની વિચારણા છે. આ યોજનાના ક્લસ્ટરમાં કરજણ તાલુકાના કુરાલી અને ધાવટ સહિત વેમાર નો સમાવેશ થતો હોવાથી અમે આ યોજના હેઠળ પ્રોત્સાહક લાભ આપવાની શક્યતા ચકાસી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here