પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની સૈન્ય હેલિકોપ્ટર અકસ્માતનું શિકાર બન્યું હતું. મળતી જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર 6 સૌનીકોના મોત થયા હતા. પાકિસ્તાની સેનાએ સોમવારે આ ઘટનાની પુષ્ટિ કરી છે. પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં બે મેજર સહિત 6 સૈનિકોના મોત થયા છે. પાકિસ્તાન સેનાની ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) બ્રાન્ચે સોમવારે આ દુર્ઘટના વિશે માહિતી આપતા કહ્યું હતું કે હેલિકોપ્ટર બલૂચિસ્તાન પ્રાંતના હરનાઈ પાસે એક ખાસ મિશન દરમિયાન ક્રેશ થયું હતું. આ અકસ્માત કેવી રીતે થયું એ વિશે હજુ કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. પાકિસ્તાની સેનાએ પણ આ અંગે કોઈ માહિતી આપી નથી. સેનાના કેટલાક અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
પાકિસ્તાનમાં આર્મી પ્લેન કે હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યા હોય એવો આ પહેલો કિસ્સો નથી. જણાવી દઈએ કે એક મહિના પહેલા પણ પાકિસ્તાનમાં આવી ઘટના બની હતી અને એ દુર્ઘટનામાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતાં સેનાના 6 સૈનિકોના મોત થયા હતા. એ દુર્ઘટના સમયે સેનાનું હેલિકોપ્ટરને લેફ્ટનન્ટ જનરલ સરફરાઝ અલી ઉડાવી રહ્યા હતા. એ સમયે બલૂચિસ્તાનના લાસબેલા જિલ્લામાં અચાનક ખરાબ હવામાનના થવાને કારણે હેલીકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું હતું એવી જાણકારી બહાર આવી હતી.
સૈન્ય હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બનવા અંગે પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ પહેલા પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. હાલ જ એમને આ ઘટના પર પણ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ રીતે વારંવાર સૈન્ય હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બને એ ચિંતાજનક છે.મળતી જાણકારી અનુસાર રવિવારે સાંજે દુર્ઘટનાનો શિકાર બનેલ આ હેલિકોપ્ટર પૂર પ્રભાવિત વિસ્તારોમાં જઈ રહ્યું હતું.