જમ્મુ-કાશમીરના નગરોટામાં સેનાએ ચાર આતંકીઓને કર્યા ઠાર, ટ્રકમાં છૂપાઇને જઇ રહ્યા હતા ખીણ તરફ…

0
12

નગરોટામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. નગરોટા બન ટોલ પ્લાઝા પાસે ચાર આતંકીઓને ઠાર કરાયા છે. આ એન્કાઉન્ટર સવારે 5 વાગે શરૂ થયું હતું. કાશ્મીરને હચમચાવી નાખવાના મનસૂબા લઈને આવેલા આતંકીઓ એક ટ્રકમાં છૂપાયેલા હતા. આ ટ્રક કાશ્મીર ખીણ તરફ જઈ રહ્યો હતો. આ આતંકીઓ ત્યાં પહોંચીને આતંકી ગતિવિધિઓ શરૂ કરવાની ફિરાકમાં હતા. પરંતુ સુરક્ષાદળોએ જ્યારે નગરોટા બન ટોલ પ્લાઝા પાસે ટ્રકને રોકીને તલાશી લેવાની કોશિશ કરી તો આતંકીઓના ષડયંત્રનો ખુલાસો થઈ ગયો.

નગરોટા ટોલ પ્લાઝા બન પાસે જ્યારે સુરક્ષાદળોએ આતંકીઓના ટ્રકને રોક્યો ત્યારે માણસાઈના દુશ્મન આતંકીઓને સમજાઈ ગયું કે તેમનો ખેલ ખતમ થઈ ગયો છે. આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધુ. ત્યારબાદ ત્યાં હાજર જવાનોએ મોરચો સંભાળ્યો અને તરત જ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી. આતંકીઓને જડબાતોડ જવાબ અપાયો. બંને તરફથી ફાયરિંગ સતત ચાલુ રહ્યું.

અથડામણની જાણ થતા જ નગરોટા બન ટોલ પ્લાઝા પર સીઆરપીએફ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સેનાની જોઈન્ટ ટીમ ત્યાં પહોંચી ગઈ. ત્યારબાદ આતંકીઓનો ખાતમો નક્કી જ હતો. સુરક્ષાદળોના ફાયરિંગમાં પહેલા ત્રણ આતંકીઓ માર્યા ગયા અને ત્યારબાદ ચોથો બચેલો આતંકી પણ ઠાર થયો.

પુલવામા આતંકી હુમલામાં 12 સ્થાનીક લોકો ઘાયલ

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં બુધવારે આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટીમ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં 12 સ્થાનિક લોકો ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આતંકીઓએ પુલવામાના કાકાપોરા વિસ્તારમાં સુરક્ષાદળો પર ગ્રેનેડ ફેંક્યો હતો, પરંતુ તેઓ લક્ષ્ય ચૂકી ગયા હતા અને ગ્રેનેડ રસ્તા પર જ ફૂટ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here