આર્મીમાં 89 એપ પ્રતિબંધિત : આર્મી ઓફિસરે ફેસબુક ઉપયોગ કરવા મંજૂરી માંગી, હાઈકોર્ટે કહ્યું : FB વગર ન ચાલતું હોય તો નોકરી મૂકી દો

0
6

નેશનલ ડેસ્ક. આર્મીના જવાનો, અફસરો માટે 89 એપ પ્રતિબંધિત કરવાનો આદેશ લાગુ થયા બાદ ફેસબુકના ઉપયોગ માટે મંજૂરી માંગનાર એક સૈન્ય અધિકારીની હાઈકોર્ટે કડક શબ્દોમાં ઝાટકણી કાઢી છે. અદાલતે કહ્યું હતું કે તમને જો ફેસબુકના ઉપયોગ વગર ચાલતું ન હોય તો તમારે રાજીનામું મૂકી દેવું જોઈએ. અધિકારીએ કોર્ટમાં દલીલ કરી હતી કે એક વાર ડેટા ડિલિટ કરી દેવાથી તેઓ પોતાના મિત્રો, પરિચિતો સાથેનો સંપર્ક હંમેશ માટે ગુમાવી દે એવો તેમને ભય છે.

સૈન્ય અધિકારીએ આર્મીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સહિત 89 એપના ઉપયોગ પર પ્રતિબંધ લદાયો તેની વિરુદ્ધ અરજી કરી હતી. આ કેસમાં હવે પછીની સૂનાવણી 21 જુલાઈએ થશે અને બેન્ચે એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માને પોલિસી સંબંધિત દસ્તાવેજો સીલબંધ કવરમાં કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો છે.

લેફ. કર્નલ પી.કે.ચૌધરીએ અપીલ કરી છે

જસ્ટિસ રાજીવ સહાય અને જસ્ટિસ આશા મેનનની બેન્ચે બુધવારે લેફ્ટનન્ટ કર્નલ પી.કે.ચૌધરીની અપીલ પર સુનાવણી કરી હતી. ચૌધરીએ પોતાની અપીલમાં કહ્યું હતું કે સૈન્યના જવાનો, અફસરોના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના એકાઉન્ટ ડિલિટ કરવાનો આદેશ પરત ખેંચાય એ અંગે અદાલત મિલિટરી ઈન્ટેલિજન્સના ડાયરેક્ટર જનરલને આદેશ કરે.

અદાલતે કહ્યુંઃ મહેરબાની કરીને તમારું એકાઉન્ટ ડિલિટ કરો

હાઈકોર્ટની બેન્ચે સૈન્ય અધિકારી ચૌધરીને કહ્યું કે તમે નક્કી કરી લો. આ નીતિગત નિર્ણય છે કે આર્મીમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે. આ નિર્ણય દેશની સુરક્ષા માટે લેવાયેલો છે. એટલે તમારે તેનું પાલન કરવું જ રહ્યું. દેશની સુરક્ષાથી વધીને કશું જ નથી. તેમાં કોઈ છૂટછાટ આપી શકાય નહિ. મહેરબાની કરીને તમારું એકાઉન્ટ ડિલિટ કરી દો. તમે રોજ નવું કંઈક લાવતા રહો છો. આ રીતે કામ ન થઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here