ધરપકડ : વડોદરાના માહી વોટર રિસોર્ટમાં ટોળા ભેગા કરનાર સંચાલક શૈલેષ શાહની ધરપકડ

0
2

વડોદરા જિલ્લાના પાદરા પાસે આવેલા માહી વોટર રિસોર્ટમાં ભીડ ભેગી કરીને કોરોના ગાઇડલાઇનના ભંગ બદલ સંચાલક શૈલેષ શાહની પાદરા પોલીસે ધરપકડ કરી છે. કોની પરમિશનથી રિસોર્ટમાં લોકોને એકત્રિત કર્યાં તે અંગે પોલીસે શૈલેષ શાહની પૂછપરછ શરૂ કરી છે.

પોલીસે રેડ પાડતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી
પાદરાના મુજપુર બ્રિજની બાજુમાં અને પાદરા મુજપર ચેકપોસ્ટ પોલીસ ચોકી સામે આવેલા માહી રિસોર્ટમાં પાદરા પોલીસે સરકારની ગાઇડલાઇનનો ઉલ્લંઘન કરતા હોવાની માહિતીના આધારે રવિવારે સાંજે રેડ પાડી હતી. જ્યાં રવિવારની રજાની મોજ માણવા આવેલા સહેલાણીઓની ભીડ જામી હતી. લોકો માહી રિસોર્ટના સ્વિમિંગ પુલ, વિવિધ વોટર રાઇડ તેમજ રાઈડમાં મોજ માણી રહ્યા હતા. તે સમયે જ પોલીસની એન્ટ્રી થતાં લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસે માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. માહી રિસોર્ટના મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર સહિત એક કૂકની અટકાયત કરી હતી. પોલીસે 30 લોકો 2 મેનેજર અને માહી રિસોર્ટના માલિક શૈલેષ શાહ સહિત 33 લોકોની સામે કાર્યવાહી શરૂ કરી હતી.

કોરોનાને ભૂલીને વડોદરાના માહી વોટર રિસોર્ટમાં મજા માણવા ટોળા ઉમટ્યા હતા

માહી રિસોર્ટમાં આવેલું પાર્કિંગ ફોર વ્હીલર તેમજ ટુ વ્હીલરથી ભરચક હતું
કોરોના મહામારીમાં તમામ જગ્યાએ રિસોર્ટ બંધ છે, ત્યારે પાદરાના માહી રિસોર્ટને પરમિશન કોણે આપી, કોની રહેમ નજર હેઠળ આ રિસોર્ટ ચાલતો હતો, રિસોર્ટ ચાલી રહ્યો છે તેવી લોકોને અગાઉથી જાણ હતી તેમજ લોકો પણ આ કોરોના મહામારીમાં આટલા બેદરકાર બન્યા જેવા કેટલાક સવાલો ઊભા થાય છે. રિસોર્ટમાં રવિવારની મજા માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતાં, જેમાં નાનાં બાળકો પણ હતાં. માહી રિસોર્ટમાં આવેલું પાર્કિંગ ફોર વ્હીલર તેમજ ટુ વ્હીલરથી ભરચક હતું.

રિસોર્ટમાં લોકોને એન્ટ્રી આપીને ભેગા કરતા હોવાનો ખુલાસો થયો હતો
પાદરા પોલીસના નાક નીચે માહી રિસોર્ટના સંચાલકો રિસોર્ટમાં લોકોને એન્ટ્રી આપીને ભેગા કરતા હોવાનો ખુલાસો થયો હતો. પોલીસના હાથે માહી રિસોર્ટમાંથી પકડાયેલા લોકોએ જણાવ્યું હતું કે, તેઓ એડવાન્સમાં ઓનલાઇન બુકિંગ કરીને રિસોર્ટમાં ગયા હતા. જો કોરોના મહામારીમાં માહી રિસોર્ટ દ્વારા બિન્દાસ્ત બનીને લોકોને એન્ટ્રી અપાતી હતી તો પછી પોલીસે અત્યાર સુધી કેમ કાર્યવાહી ન કરી તે સવાલ ઊભો થયો છે. સમગ્ર મામલામાં પાદરા પોલીસની ગંભીર બેદરકારી બહાર આવી છે.

પોલીસ ત્રાટકતા મજા લેવા આવેલા લોકો ચહેરો છૂપાવીને ભાગ્યા હતા

પોલીસના નાક નીચે રિસોર્ટના સંચાલકો લોકોને એન્ટ્રી આપતા હતા
બીજી તરફ માહી રિસોર્ટમાં પકડાયેલા લોકોએ પૈકી એક યુવકે જણાવ્યું હતું કે, તેમના પરિવારે રિસોર્ટમાં જવાનું નક્કી કર્યું હતું અને તે માટે તેમણે માહી રિસોર્ટમાં ઓનલાઇન બુકિંગ કરાવ્યું હતું. તે સમયે રિસોર્ટ તરફથી તેમને જણાવાયું હતું કે, તમે અહીં આવશો ત્યારે તમને ડિસ્કાઉન્ટ પણ આપીશું. જો કોરોનાના કારણે રિસોર્ટ બંધ રખાયો હોય તો ઓનલાઇન બુકિંગ કરીને અમે રિસોર્ટમાં આવ્યા કેવી રીતે હોત. આ ઉપરાંત વડોદરાના યુવકે પણ જણાવ્યું હતું કે, અમે પણ એડવાન્સ બુકિંગ કરીને રિસોર્ટમાં ગયા હતા અને જો રિસોર્ટ બંધ હોત તો અમે સામે ચાલીને કેવી રીતે રિસોર્ટમાં ગયા હોત. આ જ દર્શાવે છે કે માહી રિસોર્ટ દ્વારા કોરોનાની મહામારીમાં જાહેરનામાનો સરેઆમ ભંગ કરીને લોકોને એન્ટ્રી અપાતી હતી. પોલીસની આંખમાં ધૂળ નાખી પોલીસના નાક નીચે માહી રિસોર્ટના સંચાલકો લોકોને મોટી સંખ્યામાં એન્ટ્રી આપતા હતા, પણ પોલીસને ખબર જ ન પડી તે નવાઇની વાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here