143મી રથયાત્રા વિવાદ : મહંત દિલીપદાસજીના પોસ્ટર મામલે કોંગ્રેસના વોર્ડ પ્રમુખ સહિત 4 ની ધરપકડ,

0
5

અમદાવાદ. શહેરના જજીસ બંગલો રોડ, બોડકદેવ, ગુરુકુલ રોડ જેવા વિસ્તારમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ન નીકળવાને લઈ જમાલપુર મંદિરના મહંત દિલીપદાસજીના લાગેલા પોસ્ટર મામલે વસ્ત્રાપુર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે કોંગ્રેસના વોર્ડ પ્રમુખ સહિત ચાર કાર્યકર્તાની ધરપકડ કરી છે. આરોપીઓએ રાત્રે બે અલગ અલગ વાહનમાં આવી ગુરુકુલ રોડ, જજીસ બંગલોઝ પાસે જાહેરમાં પોસ્ટર લગાવ્યા હતા. રથયાત્રાના વિવાદને રાજકીય અને કોમવાદી રંગ આપવા માટે આ બેનર લગાવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે જો કે પોલીસે હાલ ચારેય આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

ત્રણેક દિવસ પહેલા શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જજીસ બંગલોઝ રોડ અને અન્ય વિસ્તારોમાં રથયાત્રા ન નીકળવા મામલે મહંત દિલીપદાસજીના ફોટો સાથે ‘કર્યો વિશ્વાસઘાત માફ નહીં કરે ભગવાન જગન્નાથ’,‘હિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે છે મોત’ અને ‘રામના નામે માંગ્યા વોટ, જગન્નાથ માટે મનમાં કેમ ખોટ’ સ્લોગન સાથે પોસ્ટર જોવા મળ્યા હતા. રથયાત્રા ન નીકળતા મહંત દિલીપદાસજી નારાજ થયા હતા અને વિવાદ હતો. જેને લઈ શહેર પોલીસ અને આઈબી એલર્ટ થઈ હતી. પોસ્ટર મામલે વસ્ત્રાપુર પોલીસે જ્યાં જ્યાં પોસ્ટર લાગયા હતા ત્યાંના સીસીટીવી ફુટેજ જોતાં બે અલગ અલગ વાહનમાં ત્રણ વ્યક્તિ દેખાતા તપાસ શરૂ કરી હતી. વાહનના આધારે પોલીસે જીતેન્દ્ર શર્મા, વિરમ રબારી, ભુપેન્દ્ર વાઘેલા અને શાહર રબારીની ધરપકડ કરી છે. ચારેય આરોપીમાંથી વિરમ રબારી ઘાટલોડિયાનો વોર્ડ પ્રમુખ છે. કોના કહેવાથી અને શા માટે આ રીતે પોસ્ટર લગાવી ફરી વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે તે દિશામાં વધુ તપાસ પોલીસે શરૂ કરી છે.

તમામ આરોપીની કોલ ડિટેઇલ્સ કાઢવામાં આવશે

ઝોન 1 ડીસીપી પ્રવીણ મલે જણાવ્યું હતું કે, ‘ઝડપાયેલા આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે રથયાત્રા ન નીકળતા પોતે દુઃખી થયા હતા અને જેથી તેમણે આ પ્રકારના પોસ્ટર લગાવ્યા હતાં. જોકે આરોપીઓના મોબાઈલ ડિટેઇલની તપાસ કરવામાં આવશે. કોના કોના સાથે સંપર્કમાં હતા અને તેઓની પૂછપરછ કરવામાં આવશે. આરોપીઓ બોડકદેવ વોર્ડમાં કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. આરોપી વિરમ રબારી વોર્ડ પ્રમુખ અને જીતેન્દ્ર શર્મા ઉપપ્રમુખ છે. બાકીના બે આરોપીઓ કાર્યકર્તા છે.’