Article 35A શું છે, જેના પર કાશ્મીરમાં થઈ રહ્યો છે રાજકીય હંગામો

0
27

ભારત પ્રશાસિત કાશ્મીરમાં હાલ સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. શ્રીનગરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે, જ્યારે જમ્મુમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.

બીજી તરફ નેશનલ કૉન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા, પીડીપીનાં અધ્યક્ષ મહેબૂબા મુફ્તી અને જમ્મુ-કાશ્મીર પીપલ્સ કૉન્ફરન્સના અધ્યક્ષ સજ્જાદ લોનને તેમનાં ઘરોમાં નજરકેદ કરી દેવાયાં છે.

મહત્ત્વનાં સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે, એવી પણ આશંકા છે કે કાશ્મીરને ખાસ દરજ્જો આપતો આર્ટિકલ 35Aને ખતમ કરી દેવામાં આવશે.

પરંતુ તમે જાણો છો કે આર્ટિકલ 35A શું છે અને એ ક્યારે અસ્તિત્વમાં આવ્યો હતો?


આર્ટિકલ 35A કેવી રીતે ખાસ દરજ્જો આપે છે?

આર્ટિકલ 35A કલમ 370નો ભાગ છે જે કાશ્મીરને ખાસ દરજ્જો આપે છે.

જે રાજ્યને પોતાનું અલગ બંધારણ, અલગ ધ્વજ અને વિદેશી બાબતો, સુરક્ષા અને સંચાર સિવાયની બાબતોમાં સ્વતંત્રતા આપે છે.

જે કાશ્મીરમાં રહેતા લોકોને અલગ રીતે પરિભાષિત કરી શકે છે.

કાશ્મીર માટે અલગ જોગવાઈને કારણે રાજ્યમાં રહેતા સ્થાયી નિવાસીઓ જ સંપતિ ખરીદી શકે છે.

જમ્મુ-કાશ્મીરમાં બહારના લોકો સંપત્તિ ખરીદી શકતા નથી. બહારના લોકો કાશ્મીરમાં સરકારી નોકરી કરી શકતા નથી.

14 મે 1954થી જે લોકો કાશ્મીરમાં રહે છે અથવા જે 10 વર્ષ કે તેનાથી વધારે સમયથી રહી રહ્યા છે તેમને સ્થાયી નિવાસી ગણી શકાય છે.

રાજ્યની વિધાનસભાને હક છે કે તે સ્થાયી નિવાસીઓ માટેની જોગવાઈમાં પોતાની રીતે ફેરફાર કરી શકે છે.


કેવી રીતે આર્ટિકલ 35A અસ્તિત્વમાં આવ્યો?

કાશ્મીરના મહારાજા હરિસિંહે સૌપ્રથમ 1927માં આ પ્રકારનો કાયદો પસાર કર્યો હતો.

એ સમયે તેમની એવી દલીલ હતી કે પંજાબમાંથી કાશ્મીરમાં આવતા લોકોને રોકવા માટે આ કાયદો પસાર કરાયો હતો.

જે બાદ 1954માં 14 મેના રોજ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે એક આદેશ પસાર કર્યો હતો.

આ આદેશ અંતર્ગત બંધારણમાં એક નવો આર્ટિકલ ઉમેરવામાં આવ્યો હતો. કલમ 370 અંતર્ગત કાશ્મીરને આ ખાસ દરજ્જો આપવામાં આવ્યો.

વર્ષ 1956માં જમ્મુ-કાશ્મીરનું બંધારણ બનાવવામાં આવ્યું જેમાં સ્થાયી નાગરિકતાની વ્યખ્યા કરવામાં આવી.


આર્ટિકલ 35Aના વિરોધમાં દલીલો

કેટલાક લોકો આર્ટિકલ 35Aનો વિરોધ કરી રહ્યા છે અને તેમની દલીલ છે કે અહીં કેટલાક લોકોને કોઈ અધિકાર જ નથી.

1947માં જમ્મુમાં વસેલા હિંદુ પરિવારો હજી પણ શરણાર્થી જ છે. આ શરણાર્થીઓ સરકારી નોકરીઓ હાંસલ કરી શકતા નથી.

આ લોકોને સરકારી શૈક્ષણિક સંસ્થાનોમાં ઍડમિશન પણ મળતું નથી.

એવા કેટલાક લોકો છે જેમને પંચાયતની ચૂંટણીઓમાં મતદાનનો અધિકાર પણ નથી.

સંસદ દ્વારા નહીં પરંતુ રાષ્ટ્રપતિના આદેશ દ્વારા આર્ટિકલ 35A ઉમેરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here