લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા 400થી વધુ ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. 19 એપ્રિલથી જૂન સુધીમાં સાત તબક્કામાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિવિધ બેઠકો પરથી જાહેર થયેલા ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. ત્યારે મેરઠથી બીજેપી ઉમેદવાર અરુણ ગોવિદે ઉમેદવારી ફોર્મ ભરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને અરુણ ગોવિલે મીડિયા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ડેપ્યુટી સીએમએ કહ્યું- અરુણ ગોવિલે આજે ઉમેદવારી નોંધાવી છે. લોકો અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મને વિશ્વાસ છે કે અમે તમામ 80 સીટો જીતીશું. પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન બનશે. અમે અહંકારી નથી પરંતુ અમને લાગે છે કે કોઈ સ્પર્ધા નથી. સપા, બસપા અને કોંગ્રેસ વચ્ચે ઝઘડો છે પરંતુ અમે 2024 થી 2047 માટે તૈયાર છીએ.
વધુમાં યુપીના ડેપ્યુટી સીએમએ કહ્યું, અરુણ ગોવિલ મેરઠમાં જંગી બહુમતીથી જીતશે. અમે મેરઠ સહિત ઉત્તર પ્રદેશમાં 80 બેઠકો જીતવા જઈ રહ્યા છીએ અને સમગ્ર ભારતમાં 400ને પાર કરીશું.ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની મેરઠ-હાપુડ લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવતા પહેલા ભાજપના ઉમેદવાર અરુણ ગોવિલે રોડ શો કર્યો હતો. આ દરમિયાન ભાજપના સમર્થકોની મોટી ભીડ એકઠી થઈ હતી, જેમાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સહિત યુપી ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર હતા. બીજેપી ઉમેદવાર અરુણ ગોવિલે ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે, આજનો દિવસ મારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. ભગવાન રામે મને મેરઠની સેવા કરવાની તક આપી છે. મારા પરિવાર તરફથી શુભકામનાઓ સાથે હું આજે લોકસભાના નામાંકન માટે રવાના થઈ રહ્યો છું. તમારી શુભકામનાઓની રાહ જોઈ રહ્યા છીએ. જય શ્રી રામ.