દિલ્હી : અરૂણ જેટલી ની તબિયત નાજુક, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાતે 8 વાગ્યે હોસ્પિટલ પહોંચશે, રાજનાથસિંહ એઇમ્સ પહોંચ્યા

0
33

નવી દિલ્હી : ભાજપ નેતા અને પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીની સ્થિતિ અત્યંત નાજુક છે. તેમને કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત રવિવારે જેટલીના હાલચાલ જાણવા એઈમ્સ પહોંચ્યા હતા. શ્વાસ લેવાની તકલીફ થયા બાદ જેટલી 9 ઓગસ્ટથી એઈમ્સમાં એડમિટ છે. છેલ્લા બે દિવસમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, બસપા સુપ્રીમો માયાવતી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જેટલીની એઈમ્સમાં જઈને તબિયત પુછી હતી. છેલ્લા સમાચાર પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાત્રે 8 વાગ્યે હોસ્પિટલ પહોંચશે. અત્યારે રક્ષામંત્રી રાજનાથસિંહ એઇમ્સ પહોંચ્યા છે.

શ્વાસ લેવામાં તકલીફ પછી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે

જેટલીને ગયા શુક્રવારે 9 ઓગસ્ટના રોજ સવારે 11 વાગે એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. એમ્સે તે દિવસે મોડી સાંજે બુલેટિન જાહેર કરીને કહ્યું હતું કે, ડોક્ટર્સની ટીમ જેટલીના સ્વાસ્થય પર નજર રાખી રહ્યા છે અને હાલ તેમની હાલત સ્થિર છે. ગૃહમંત્રી અમિત શાહ, વડાપ્રધાન મોદી અને સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધને પણ જેટલીની એમ્સ હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી.

જેટલી કેન્સરની સારવાર માટે ન્યૂયોર્ક ગયા હતા

અરુણ જેટલીનું સોફ્ટ ટિશ્યૂ કેન્સરની સારવાર ચાલતી હતી. આ બીમારીની સારવાર માટે તેઓ 13 જાન્યુઆરીએ ન્યૂયોર્ક જતા રહ્યા હતા અને ફેબ્રુઆરીમાં પરત આવ્યા હતા. જેટલીએ અમેરિકાથી ઈલાજ કરાવીને પરત ફર્યા પછી ટ્વિટ કર્યું હતું કે, ઘરે આવીને ખુશ છું. આ પહેલાં જેટલીએ એપ્રિલ 2018થી જ ઓફિસ જવાનું બંધ કરી દીધું હતું. ત્યારપછી તેમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. ત્યારપછી તેમણે ઓગસ્ટથી ફરી ઓફિસ જવાનું શરૂ કર્યું હતું. જોકે મે 2019માં તેમણે વડાપ્રધાન મોદીને કહી દીધું હતું કે તેઓ નવી સરકારમાં સામેલ નહીં થાય.

અરુણ જેટલીને બે વાર રક્ષાંમત્રાલયનો કાર્યભાર સોંપાયો

મે 2014માં મોદી સરકાર બન્યા પછી જેટલીને નાણા અને રક્ષા મંત્રાલયનો પ્રભાર સોંપવામાં આવ્યો હતો. તેઓ 2014માં છ મહિના રક્ષા મંત્રી રહ્યા હતા. ત્યારપછી મનોહર પાર્રિકરને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ ગોવાના મુખ્યમંત્રી બન્યા પછી ફરી 2017માં જેટલીને છ મહિના રક્ષામંત્રીનો પ્રભાર સોંપવામાં આવ્યો હતો. તે ઉપરાંત જેટલી બીમાર હતા ત્યારે બે વખત નાણામંત્રીનો કાર્યભાર પીયુષ ગોયલે સંભાળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here