મોડાસા : લાંચના બે લાખ લઇ અરવલ્લી LIBનો કોન્સ્ટેબલ કારમાં ફરાર

0
43

મોડાસા: અરવલ્લી જિલ્લા લોકલ ઈન્ટેલિજન્સ બ્યુરો(LIB)માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો ભરતસિંહ ઝાલા મોડાસાના જીવણપુર પાસેથી રૂપિયા બે લાખની લાંચ લઇ એસીબીના છટકામાંથી ભાગી છૂટતાં લાંચ લઇ પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. કોન્સટેબલ પોતાની સ્કોડા કારમાંથી જીવણપુર બોલુંદરા વચ્ચે ફરિયાદીને કારમાંથી ઉતારી દઇ રફૂચક્કર થઇ જતા જિલ્લા પોલીસે ભાગી છૂટેલા કોન્સટેબલને ઝડપી પાડવા નાકાબંધી કરી છે.

એલઆઇબીમાં ફરજ બજાવતો પોલીસ કોન્સટેબલ ભરતસિંહ ઝાલા ફરિયાદી પાસેથી વારંવાર રૂપિયાની માંગણી કરતો હતો અને તેને કહેતો હતો કે પોલીસ ખાતામાં તારુ નામ વારંવાર આવે છે. તેમ કહી ફરિયાદીને ધમકાવતો હતો. પોલીસ કેસની ધમકી આપતાં ફફડી ઉઠેલા ફરિયાદીએ ગાંધીનગર એસીબીનો સંપર્ક કરતાં એસીબીએ મોડાસાના જીવણપુર પાસે છટકું ગોઠવ્યુ હતું અને ફરિયાદી કોન્સ્ટેબલના કહ્યા મુજબ રૂપિયા બે લાખ લઇ સ્થળ ઉપર પહોંચી ગયો હતો. જ્યાં કોન્સટેબલ પોતાની સ્કોડા કાર લઇને પહોંચી ગયો હતો.

ફરિયાદીને કારમાં બેસાડી રૂપિયા બે લાખ સ્વીકારતાની સમયે તેને એસીબી ટ્રેપ થઇ હોવાની શંકા જતાં કોન્સટેબલે કાર જીવણપુર-બોલુંદરા માર્ગ ઉપર હંકારી મૂકી હતી. જ્યાં મેશ્વો નદી પાસે ફરિયાદીને કારમાંથી ઉતારી ભાગી છૂટતાં એસીબીના પોલીસ ઇન્સપેક્ટર આર.એન પટેલે જિલ્લા કન્ટ્રોલને જાણ કરતાં જિલ્લા પોલીસે એલર્ટ બની જાહેર રસ્તાઓ ઉપર નાકાબંધી કરી દીધી હતી.

ફરિયાદીને મેશ્વો નદી પાસે ઉતારી મૂક્યો
એસીબીના છટકામાં આવી ગયેલો કોન્સ્ટેબલ પોતાની કાર સાથે ભાગી છુટતાં એસીબીની ટીમ પણ ફાંફે ચઢી છે. રૂપિયા બે લાખની માતબર રકમ અને ફરિયાદીને પોતાની કારમાં બેસાડી કાર જીવણપુર-બોલુંદરા માર્ગ ઉપર આવતી મેશ્વો નદી પાસે ઉભી કરી ફરિયાદીને ત્યાંજ રસ્તામાં અધવચ્ચે ઉતારી કોન્સટેબલ અદ્રશ્ય થઇ જતાં પોલીસ બેડામાં અનેક શંકા કુશંકા ઉભી થઇ છે.

કોન્સ. પાસે લકઝયુરીયસ સ્કોડ કાર છે
માત્ર કોન્સટેબલનો હોદ્દો ધરાવતો એલઆઇબી શાખાનો પોલીસકર્મી લકઝયુરીયસ સ્કોડા કાર સાથે જીવણપુર પાસેથી અદ્રશ્ય થઇ જતાં પોલીસ બેડામાં હાહાકાર મચી ગયો છે. ગાંધીનગર એસીબીની ટીમે જિલ્લા પોલીસ કન્ટ્રોલમાં રૂપિયા બે લાખ લઇને ભરતસિંહ ઝાલા ભાગ્યો હોવાનો મેસેજ કરતાં જિલ્લા પોલીસે તમામ માર્ગ ઉપર નાકાબંધી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here