રાજકોટ : 170 જેટલા ઈન્ટર્ન તબીબો હડતાળ પર, સ્ટાઈપન્ડ વધારવા અને કોવિડ ડ્યુટી બદલ ઈનસેન્ટિવ આપવા માંગ

0
8

રાજકોટની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ પૂરો કરીને સિવિલમાં ઈન્ટર્ન તરીકે જોડાયેલા તબીબો આજથી હડતાળ પર ઉતર્યા છે. ઈન્ટર્ન તબીબોની માંગ છે કે સ્ટાઈપન્ડ વધારવામાં આવે અને કોવિડ ડ્યુટી બદલ ઈનસેન્ટિવ આપવામાં આવે. રાજ્યભરના MBBS ઈન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા છે. રાજ્યની તમામ સરકારી , GMERS અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ઈન્ટર્ન તબીબો હડતાળ પર ઉતરતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમારી માંગણીઓ સાથે 2 વખત નાયબ મુખ્યમંત્રીને મળ્યા, છતાં કોઈ કાર્યવાહી નહીં- ડોક્ટર

હડતાળ પર ઉતરનાર ડોક્ટરે જણાવ્યું હતું કે આજે અમે PDU કોલેજના 150થી 170 જેટલા તબીબો અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છીએ. અમારી પ્રમુખ માંગ એ છે કે અમારૂ સ્ટાઈપન્ડ અત્યારે 13 હજાર રૂપિયા છે. જેને વધારીને 20 હજાર રૂપિયા કરવામાં આવે. અમે સતત એપ્રિલ-2020થી કોરોના વોર્ડ સહિત અન્ય વોર્ડમાં કામ કરી રહ્યાં છીએ. જેના પ્રમાણે અમને સ્ટાઈપેન્ડ આપવુ જોઈએ. અન્ય રાજ્યોમાં ડોક્ટર્સનું સ્ટાઈપન્ડ વધારે છે. જે આપણા રાજ્યમાં ઘણુ ઓછું છે. જેથી સરકાર અમને પણ થોડુંક પ્રોત્સાહન આપે. અમે આ માટે અમારી ડિનને પહેલા રજુઆત કરી છે. જે બાદ અમે ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી છે. અમે બે વખત નાયબ મુખ્યમંત્રીને પણ મળ્યાં છીએ. પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી અમારે વિરોધ કરવો પડી રહ્યો છે.

તબીબોએ સ્ટાઈપન્ડ 20 હજાર આપવાની માંગ કરી

રાજ્યમાં ઈન્ટર્નને મહિને 13000 રૂપિયા સ્ટાઇપન્ડ આપવામાં આવે છે. જે અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ ઓછું છે. બીજી તરફ અમદાવાદની કોર્પોરેશનની મેડિકલ કોલેજમાં આ સ્ટાઈપન્ડ ઉપરાંત કોરોનાની ડ્યૂટી માટે માનદ વેતન પણ અપાય છે. જે અન્ય સરકારી કોલેજમાં અપાતું નથી. બીજી તરફ એવો પણ નિર્ણય લેવાયો છે કે એમબીબીએસના બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને કોવિડની સેવા બદલ 15000 માનદ વેતન અપાશે. જ્યારે ઈન્ટર્ન તબીબો કે જેઓએ MBBS પૂર્ણ કરી નાખ્યું છે તેમને 13000 મળે છે. જેથી આ સ્ટાઈપન્ડ 20,000 કરવા માંગ કરાઈ છે. હાલ ઈન્ટર્ન તબીબો કોવિડ ઉપરાંત બીજી સંલગ્ન સારવારમાં ફરજ નિભાવી રહ્યા છે.

અનેક વખત રજુઆત છતાં કોઈ કાર્યવાહી નહીં

ઈન્ટર્ન તબીબો દ્વારા સ્ટાઈપન્ડ વધારવા અને કોવિડ ડ્યુટી બદલ ઈનસેન્ટિવ આપવા માટે રાજ્ય સરકારને અનેક વખત રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા આજે રાજ્યભરના ઈન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here