અંતિમયાત્રા : કોવિડની ગાઈડલાઈન મુજબ રાજ્યસભાના MP અભય ભારદ્વાજની અંતિમયાત્રામાં 50 લોકો જોડાયા.

0
16

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવદેહ ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ અમદાવાદથી બાય રોડ તેમના દેહને રાજકોટ તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ બાદ પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવાામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાર્થિવદેહનાં દર્શન કરી પ્રદક્ષિણા કરી હતી. મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતાં ઘરની બહાર રસ્તા પર ખુરશીઓ મૂકી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. અંતિમ દર્શન માટે લોકોની લાંબી લાઈન લાગી હતી. કોવિડની ગાઈડલાઈન પ્રમાણે અંતિમયાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અભયભાઈના પરિવારજનો સહિત 50 લોકો જ જોડાયા હતા. વિજય રૂપાણી જણાવ્યું હતું કે, કોરોના સામે ખૂબ મોટી લડત આપી.

પરિવારજનોએ અભયભાઈના પાર્થિવદેહને કાંધ આપી
પરિવારજનોએ અભયભાઈના પાર્થિવદેહને કાંધ આપી

 

ભાજપના મંત્રીમંડળે અંતિમ દર્શન કર્યા

અભયભાઈના પાર્થિવદેહના ભાજપના મંત્રીમંડળે અંતિમ દર્શન કર્યા હતા. જેમાં આર.સી. ફળદુ, જયેશ રાદડિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધનસુખ ભંડેરી સહિતના નેતાઓએ અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાજકોટ ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

હું લડત આપીશ તેવું તેમણે લખ્યું હોવાનું પરિવારજનોએ મને જણાવ્યું હતું : CM

CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ બન્યા હતા. કોરોના સામે ખૂબ મોટી લડત આપી. 90 દિવસ કરતા વધુ સારવાર ચાલી, હું લડત આપીશ તેવું તેમણે લખ્યું હોવાનું પરિવારજનોએ મને જણાવ્યું હતું. સૌરાષ્ટ્રના એડવોકેટ જગતને મોટી ખોટ પડી છે. અમારા મિત્ર હતા એટલે અમને મિત્રોમાં પણ મોટી ખોટ પડી છે. અભયભાઈ નાની વયે સમાજ ઉપયોગી અને ગરીબ લોકોના માટે ગ્રાન્ટ વાપરવાના હતા. તેમને તેની ગ્રાન્ટ આદિવાસી સમાજ માટે વાપરવાનું કહ્યું હતું.

આર.સી. ફળદુ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અંતિમ દર્શન કર્યા
આર.સી. ફળદુ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અંતિમ દર્શન કર્યા

 

અંતિમ યાત્રામાં માત્ર પરિવારજનો ઉપસ્થિત રહ્યા

અભય ભારદ્રાજના પાર્થિવદેહને બે વાગ્યે અમીન માર્ગ પર આવેલા તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. અંતિમ દર્શન કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાલાવડ રોડ પર આવેલા મોટામોવા સ્મશાનગૃહ ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી.અંતિમયાત્રામાં માત્ર પરિવારજનોની ઉપસ્થિતિ રહ્યા હતા.

અભયભાઈના ઘરનો માહોલ.
અભયભાઈના ઘરનો માહોલ.

 

ભારદ્વાજના નિધનથી ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠક ખાલી પડી

માત્ર એક જ સપ્તાહના ગાળામાં ગુજરાતની બેઠક પરથી રાજ્યસભામાં ચૂંટાઇ આવનારા બીજા સાંસદ અભય ભારદ્વાજનું હૃદયરોગના હુમલાને કારણે મંગળવારે અવસાન થયું છે. તેઓ જૂન મહિનામાં જ ભાજપની ટિકિટ પરથી ચૂંટાઇ આવ્યા હતા. આ અગાઉ ગયા મંગળવારે કોંગ્રેસના રાજ્યસભામાં સાંસદ અહેમદ પટેલના અવસાનથી એક બેઠક ખાલી પડી હતી, ત્યાં ભારદ્વાજના નિધનથી હવે ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠક ખાલી પડી છે.

મુખ્યમંત્રી રૂપાણીએ અભયભાઈના પાર્થિવદેહ સમક્ષ શિશ ઝુકાવી પ્રદક્ષિણા કરી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ અભયભાઈના પાર્થિવદેહ સમક્ષ શિશ ઝુકાવી પ્રદક્ષિણા કરી હતી.

 

રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શ્રદ્ધાંજલિ પાઠવી

રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું કે સમાજ સેવામાં સદા અગ્રેસર, તેજસ્વી અને તીક્ષ્ણ બુદ્ધિમત્તા ધરાવતા પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી ગુમાવ્યાનું ખૂબ દુઃખ થયું છે. ભારતના 21મા લો કમિશનના સભ્ય તરીકે સ્વ. અભયભાઈ ભારદ્વાજે દેશ માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. ધારાશાસ્ત્રી તરીકેની કારકિર્દી શરૂ કરતાં પહેલાં તેમણે રાજકોટમાં પત્રકાર તરીકે પણ કામગીરી કરી હતી. વિદ્વાન અને ધારાશાસ્ત્રી તરીકેની ઝળહળતી કારકિર્દી દરમિયાન તેમના માર્ગદર્શન હેઠળ અનેક યુવા ધારાશાસ્ત્રીઓ કાયદાના ક્ષેત્રમાં નિપુણ બન્યા છે.

રાજકોટનાં સાંસદ અને મેયર અભયભાઈના ઘરે પહોંચ્યાં.
રાજકોટનાં સાંસદ અને મેયર અભયભાઈના ઘરે પહોંચ્યાં.

 

રાજ્યસભાની બેઠક ખાલી પડી

બે બેઠક ખાલી પડી હોવાથી રાજ્યસભાની ચૂંટણીમાં જીતવા જરૂરી મતોની ગણતરી પ્રમાણે હાલ ઉમેદવારને જીતવા માટે 61 મત જોઈએ. હાલ ભાજપ પાસે 111 ધારાસભ્ય છે અને તેમને જીતવા માટે હજુ બીજા 11 ધારાસભ્યો જોઇએ, જ્યારે કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે અને તે એક બેઠક જીતવા માટે પૂરતા છે.

અંતિમ દર્શન માટેની તૈયારી.
અંતિમ દર્શન માટેની તૈયારી.

 

અભય ભારદ્વાજ ભાઈના નામથી જાણીતા હતા

રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ ભાઈના હુલામણા નામથી જાણીતા હતા. મુખ્યમંત્રીના કોલેજકાળથી તેઓ મિત્ર હતા. અભય ભારદ્વાજ નરેન્દ્ર મોદી અને અમિત શાહના અનેક કેસોમાં કાનૂની સલાહકાર રહી ચૂક્યા છે. મુખ્યમંત્રીના ડર્ટી ડઝન ગ્રુપના સભ્ય હતા, જે 12 મિત્રોનું ગ્રુપ છે. ભાજપના ટ્રબલ શૂટરની ભૂમિકામાં રહેતા અભય ભારદ્વાજ ભાજપના પડદા પાછળના કિંગ મેકર રહ્યા છે. અભય ભારદ્વાજ વિદ્યાર્થીકાળથી તેઓ સંઘ સાથે સંકળાયેલા હતા.