પાલનપુર : ચિત્રાસણી નજીક કાર સળગી ઊઠતાં ઈકબાલગઢનો વેપારી ભડથું થઈ ગયો

0
0

પાલનપુર: પાલનપુરના ચિત્રાસણી જંગલ નજીકથી શનિવારે સવારે કાર લઈને પસાર થઈ રહેલા ઈકબાલગઢના વેપારી મનુભાઈ અમીચંદભાઈ ગામીની કાર એકાએક સળગી ઊઠતાં વેપારી ભડથું થઈ ગયા હતા.જોકે સેન્ટ્રલ લોક વિનાની કારમાંથી વેપારી કેમ બહાર ન નીકળી શક્યા તેને લઈ અનેક રહસ્યો ઊભા થયા છે.બીજી તરફ વેપારીએ આત્મહત્યા કરી કે કોઈએ હત્યા કર્યા બાદ કાર સળગાવી દીધી સહિત પ્રશ્નો ઊભા થયા છે.

ચિત્રાસણી ગામ નજીક સઘનક્ષેત્ર થઈ માલપુરીયા ગામ જવાના રસ્તે શનિવારે સવારે સફેદ રંગની કારમાં કોઈક કારણસર આગ લાગી ગઈ હતી.કારમાં પાલનપુર તાલુકાના અલીગઢ અને નળાસર ગામ વચ્ચે મનુ ફાર્મ ખાતે રહેતા મનુભાઈ અમીચંદભાઈ ગામી સવાર હતા.જેઓ ઘરેથી ઇકબાલગઢ જવા નીકળ્યા હતા. જોકે તેમની કાર જંગલ વિસ્તાર નજીક સળગેલી હાલતમાં મળી આવતા તેમનો મૃતદેહ પણ કારમાં સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો.તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.બપોર બાદ પોલીસે નંબરના આધારે મૂળ માલિકની તપાસ કરાવતા કાર મનુભાઈ પાસે હોવાનું જણાવ્યું હતું.

મનુભાઈનો મોબાઈલ બંધ આવતા પરિવારના સભ્યોનો સંપર્ક કર્યો હતો.સાંજે પાલનપુર તાલુકા પોલીસે કારમાંથી મનુભાઈનો સંપૂર્ણ બળી ગયેલો મૃતદેહ બહાર કાઢી પાલનપુરની સિવિલમાં પોસ્ટમોર્ટમ અર્થે લાવ્યો હતો. જ્યાં પરિવારજનો સમગ્ર ઘટનાથી હતપ્રભ બની ગયા હતા. જોકે પ્રત્યક્ષદર્શી ન હોવાથી ઘટના અંગેની જાણકારી પોલીસને મોડે સુધી મળી શકી ન હતી. તાલુકા પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી કોઈ પુરાવા મળ્યા નથી. સળગતી કારને અવરજવર કરતાં કેટલાક લોકોએ જોઈ છે જેના પરથી મનાઈ રહ્યું છે કે સીએનજી કારમાં કોઈ ફોલ્ટ થયો હોવાથી આગ દરમિયાન તેમનું મોત નીપજ્યું હોઈ શકે.

આ સવાલોના જવાબો મળતા નથી
* કારમાં આગ કેવી રીતે લાગી તેનું ઠોસ કારણ
* કારમાંથી તેમણે બહાર નીકળવાનો પ્રયાસ કેમ ન કર્યો?
* કાર જંગલ વિસ્તાર નજીક રસ્તા પર રોડથી નીચે કેમ હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here