રાજકોટમાં કેસ વધતા કોર્પોરેશન અને CP ઓફિસમાં બેઠકનો ધમધમાટ, શહેરમાં પણ કર્ફ્યૂ લાગી શકે છે, સાંજ સુધીમાં નિર્ણય લેવાશે

0
3

રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો થતાં આજે સવારથી જ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. સતત વધી રહેલા કેસને લઈને અમદાવાદ બાદ રાજકોટમાં પણ કર્ફ્યૂ લાગે શકે છે. જે માટે રાજકોટ જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક ચાલી રહી છે. રાજકોટ પોલીસ કમિશનરે જણાવ્યું છે કે ફોર વ્હીલમાં ડ્રાઈવર સહિત 3, ટુ વ્હીલરમાં 2 અને રિક્ષામાં ડ્રાઈવર સહિત 3 લોકો જ બેસી શકશે. સાથે જ નિયમોનો ભંગ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટમાં આજે ચા-પાનની 7 દુકાનો સીલ કરવામાં આવી છે.

રાજકોટમાં કર્ફ્યૂ અંગે વિચારણા ચાલે છે- રેમ્યા મોહન

રાજકોટ જિલ્લા કલેક્ટરે સંકેત આપ્યા છે કે રાજકોટમાં પણ કર્ફ્યૂ લાગી શકે છે. રેમ્યા મોહને જણાવ્યું હતું કે રાજકોટમાં કર્ફ્યૂ લાગશે કે કેમ તે માટે આજે સાંજ સુધીમાં નિર્ણય લેવામાં આવશે. જે માટે સ્ટેટના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ છે. રેમ્યા મોહને જણાવ્યું હતું કે રાજકોટમાં કર્ફ્યૂ અંગે વિચારણા ચાલે છે. જ્યારે નિર્ણય લેવાશે ત્યારે અમે જાણ કરીશું.

નિયમોનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે- પોલીસ કમિશનર

રાજકોટમાં કોરોનાની સ્થિતિને લઈને તંત્ર દ્વારા પોલીસ કમિશનરની ઓફિસમાં બેઠક યોજવામાં આવી છે. નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને મનપાના અધિકારીઓ સાથે બેઠક મળી છે. જેમાં કોરોનાની પરિસ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું છે કે પોઝિટિવ દર્દીના મોબાઈલ ટ્રેસ કરી છેલ્લા સપ્તાહ દરમિયાન સંપર્કમાં આવેલ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમોનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ફોર વ્હીલમાં ડ્રાઈવર સહિત 3, ટુ વ્હીલરમાં 2 અને રિક્ષામાં ડ્રાઈવર સહિત 3 લોકો જ બેસી શકશે.

લોકોને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ મળી રહેશે- મેયર

રાજકોટના મેયર બીનાબેન આચાર્યએ નિવેદન આપતા કહ્યું કે રાજકોટોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. અધિકારીઓ સાથે બેઠક કરી ચા અને પાનની દુકાનોમાં ભીડ ન જામે તે માટે પેટ્રોલિંગ વધારવા માટે આદેશ આપવામાં આવ્યો છે. હોકર્સ ઝોનમાં સામાજિક અંતર જળવાય તે માટે સૂચના આપવામાં આવી છે. રાજકોટના પ્રવેશ દ્વાર અને ટોલ બુથ પર ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે. સરકારના આદેશ બાદ રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ લગાડી શકાય છે. હાલ કોઈ કર્ફ્યૂ અંગેની વિતારણા નથી. મેયરે બજારમાં ભીડ ન કરવા લોકોને અપીલ કરી છે સાથે જ જણાવ્યું છે કે જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ લોકોને મળી રહેશે.

લોકડાઉન 1થી 5 અને અનલોક 1થી 5માં કરવામાં આવેલી કાર્યવાહી

રાજકોટ પોલીસે લોકડાઉન તથા અનલોક દરમિયાન જાહેરનામા ભંગ બદલ 4315 કેસ કરી 5273 આરોપી પકડી પાડ્યા, સોશિયલ ડિસ્ટન્સના 11,732 કેસ કરી 12910 આરોપી પકડી પાડ્યા, જાહેર સ્થળ પર માસ્ક ન પહેરનાર અને થુંકવા બદલ 1 લાખ 90 હજાર 974 કેસ કરવામાં આવ્યા, દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ 1187 કેસ કરવામાં આવ્યા, ડ્રોન કેમેરા મદદથી 1482 કેસ કરવામાં આવ્યા, હાઇરાઇઝ બિલ્ડીંગ ધાબા પોઇન્ટના આધારે 138 કેસ અને ડ્રોન કેમેરા દ્વારા કુલ 1482 કેસ કરવામાં આવ્યાં છે.

ચા-પાનની 7 દુકાનો સીલ કરાઈ

રાજકોટમાં ચા અને પાનના ગલ્લાઓ પર જ્યાં ભીડ થતી હતી તે 7 દુકાનો સીલ કરવામાં આવી છે. જેમાં રામાપીર ચોકડી પાસે આવેલી દેવજીવન ટી હોટલ અને હરસિદ્ધિ ડિલક્સ પાન, રાજનગર ચોકમાં જય સીયારામ ટી હોટલ, આનંદ બંગલા ચોક પાસે રવેચી ટી હોલટ, લીમડા ચોકમાં જય મોમાઈ પાન અને મોમાઈ ટી સ્ટોલ અને નાસ્તાની દુકાન સીલ કરવામાં આવી છે.