ઇન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ : ભાવ વધતા ડિજીટલ સોના તરફ લોકોનું આકર્ષણ વધ્યું, છેલ્લા ચાર કવાર્ટરમાં ગોલ્ડ ETFમાં રોકાણ 1088% વધ્યું

0
0

સોનામાં છેલ્લા એક વર્ષથી અવિરત તેજી ચાલુ છે અને સારું વળતર પણ મળી રહ્યું છે. આ બધાના કારણે હવે રોકાણકારોને ફિઝીકલ ગોલ્ડ કરતાં ડિજીટલ ગોલ્ડમાં રસ વધ્યો છે. HDFC સિક્યોરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ તપન પટેલે જણાવ્યું કે, ગ્લોબલી US-ચાઈના ટેન્શન અને ત્યારબાદ કોરોના આવવાથી સોનામાં ફિઝીકલ ડિમાંડ કરતાં ઇન્વેસ્ટમેન્ટ ડિમાંડ વધી છે. ભારતમાં ખાસ કરીને લોકડાઉન લાગ્યા બાદથી ગોલ્ડ ETF, ગોલ્ડ બોન્ડ કે ડિજીટલ ગોલ્ડમાં રોકાણ પ્રવાહ ઘણો જ વધ્યો છે.

તપન પટેલે કહ્યું કે, લિક્વિડીટી ડાઉન છે ત્યારે ગોલ્ડમાં હેજ કરીને નીકળી શકાય તે માનસિકતા સાથે સોનામાં ETF તરફ રોકાણ પ્રવાહ ઘણો વધ્યો છે. ચાલુ વર્ષમાં જ સોનામાં 25% જેટલું રિટર્ન મળ્યું છે. અત્યારે રોકાણ માટે સારું મુમેન્ટમ છે અને ચાઈના ટેંશન તેમજ કોવિડ-19ની વર્તમાન સ્થિતિ જોતા 1થી 3 વર્ષ માટે હોલ્ડ કરવામાં આવે તો રોકાણકારોને ઘણું જ સારું વળતર મળી શકે છે.

લોકડાઉન દરમિયાન ETF ઇનફ્લો 37% વધ્યો

HDFC સિક્યોરિટીઝના આંકડા મુજબ, ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ભારતમાં એસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM) ઇનફ્લો રૂ. 1490.51 કરોડ હતો. તેની સામે એપ્રિલથી જૂન દરમિયાન AUM ઇનફ્લો રૂ. 2040 કરોડ પર પહોચ્યો હતો. આ રીતે પહેલા ક્વાર્ટરની તુલનાએ બીજા ક્વાર્ટરમાં AUM ઇનફ્લોમાં 37%નો વધારો થયો છે. પટેલે જણાવ્યું કે, લોકડાઉનમાં એપ્રિલ અને મે મહિનામાં જવેલરીની દુકાનો બંધ હતી એટલે ફિઝીકલ ગોલ્ડની માગ ડિજીટલ સોના તરફ વળી હતી.

અર્બનમાં ડિજીટલ ગોલ્ડમાં રસ વધ્યો છે

કેડિયા કોમોડિટીઝના અજય કેડિયાએ જણાવ્યું કે, પહેલા એવું હતું કે, રોકાણ માટે લોકો ઘરેણા અથવા તો બિસ્કીટના સ્વરૂપમાં સોનું લેતા હતા. પરંતુ હવે શહેરી વિસ્તારોમાં આ ટ્રેન્ડ બદલાયો છે. ડિજીટલ ગોલ્ડમાં એન્ટ્રી અને એક્ઝિટ કરાવી હવે ઘણી સહેલી છે. જયારે ફિઝીકલમાં લે-વેચ બંને સમયે ઘડામણ અને ટેક્સ સહિતની બાબતો ઘસારો વધારે છે. આ ઉપરાંત ફિઝીકલ સોનાને રાખવાની પણ મુશ્કેલી હોવાથી હવે મોટા શહેરોમાં લોકો ગોલ્ડ બોન્ડ, ETF તરફ વળ્યા છે. જોકે, ગામડાઓમાં અને નાના શહેરોમાં આજે પણ ફિઝીકલ સોનું વધુ ખરીદ કરવામાં આવે છે.

પાંચ વર્ષના પ્રમાણમાં આ વર્ષે બમણાથી વધુ રિટર્ન

મોનાર્ક નેટવર્થ કેપિટલના મેનેજીંગ ડિરેક્ટર વૈભવ શાહે જણાવ્યું કે, સોનાએ છેલ્લા 10 વર્ષમાં સમયગાળામાં 11.5% અને પાછલા પાંચ વર્ષમાં 16.3% વળતર આપ્યું છે. તેની સામે 2020માં જુલાઈ સુધીમાં સોનામાં રોકાણકારોને 34.6% જેટલું રિટર્ન આપ્યું છે. ચાલુ વર્ષે પહેલા છ મહિનામાં ગ્લોબલી ગોલ્ડ ETFમાં 40 અબજ ડોલર અથવા 734 ટનનો નેટ ઇનફ્લો જોવા મળ્યો છે જે 2009 અને 2016માં જોવા મળેલા ઇનફ્લો કરતા ઘણો જ વધારે છે.

આવતા દિવસોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે

અજય કેડિયા અને વૈભવ શાહ માને છે કે, સોનામાં જે રીતે તેજી આવી છે તેને જોતા આવતા અમુક સમય માટે પ્રોફિટ બુકિંગ એટલે કે નફારૂપી વેચવાલી આવી શકે છે. ઘણા એવા રોકાણકારો છે જેમની પાસે રૂ. 25,000 કે તેનાથી નીચેના ભાવનું સોનું પણ છે. આવા રોકાણકારો કોઈપણ ફોર્મમાં રહેલું સોનું વેચશે તો અમુક સમય માટે ભાવમાં ઘટાડો થશે. અત્યારના તબક્કે જે લોકો રોકાણ કરવા ઈચ્છે છે તેમણે ધીમે ધીમે ETF, બોન્ડ કે ગોલ્ડ SIP મારફત રોકાણ કરવું જોઈએ. તેમજ ઓછામાં ઓછુ ત્રણ વર્ષ માટે હોલ્ડ કરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here