અશોક ગેહલોતે કહ્યું – મોદી સરકારે ખેડૂતોના ધૈર્યની પરીક્ષા કર્યા વગર કૃષિ કાયદા રદ્દ કરવા જોઈએ

0
6

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 49મો દિવસ છે. સુપ્રીમ કોર્ટે ત્રણ કૃષિ કાયદાને લાગુ થવાથી અટકાવી દીધા છે. કોર્ટે સરકાર-ખેડૂત સંગઠનો વચ્ચે વિવાદનો ઉકેલ લાવવા માટે જે કમિટીની રચના કરી છે એની પર વાંધો ઉઠાવ્યો છે. ખેડૂત સંગઠનોનો આરોપ છે કે કમિટીમાં સામેલ ચાર લોકો પહેલાં જ કાયદાનું સમર્થન કરી ચૂક્યા છે. તો આ તરફ ખેડૂતો પણ આંદોલનને ચાલુ રાખવા માટે મક્કમ છે. આજે તેઓ કૃષિ કાયદાની નકલની હોળી કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે ભાજપ સાંસદ હેમા માલિનીએ કહ્યું હતું કે જે પ્રદર્શન કરી રહ્યા છે તેમને તો પોતાને જ ખબર નથી કે તે શું ઈચ્છે છે અને કૃષિ કાયદામાં શું વાંધો છે? આનાથી ખબર પડે છે કે તે કોના કહેવાથી દેખાવો કરી રહ્યા છે.

તો આ તરફ રાજસ્થાનના CM અશોક ગેહલોતે કહ્યું- મોદી સરકારે ખેડૂતોના ધૈર્યની પરીક્ષા કર્યા વગર ત્રણ કાયદા પાછા લેવા જોઈએ

હેમા માલિનીએ એવું પણ કહ્યું કે, કૃષિ કાયદાના અમલને અટકાવવો સારી વાત છે, આનાથી મામલો શાંત થવાની આશા છે. ખેડૂત ઘણા વખતની ચર્ચા પછી પણ માનવા માટે તૈયાર નથી.

ખેડૂતોને મૂળ મુદ્દો જ ખબર નથી - હેમા માલિની(ફાઈલ તસવીર).

ખેડૂતોને મૂળ મુદ્દો જ ખબર નથી – હેમા માલિની

કોંગ્રેસે કહ્યું- કોણ ન્યાય કરશે?

કોંગ્રેસે પણ કમિટીના સભ્યો અંગે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ-પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જે ચિંતા વ્યક્ત કરી છે એને અમે વધાવીએ છીએ, પણ જે ચાર સભ્યની કમિટી બનાવી છે એ ચોંકાવનારી છે. આ ચાર સભ્ય પહેલાંથી જ કાળા કાયદાના પક્ષમાં પોતાનો મત આપી ચૂક્યા છે. આ લોકો ખેડૂતો સાથે શું ન્યાય કરશે એ સવાલ છે? તેમણે વધુમાં કહ્યું હતું કે આ ચારેય તો મોદીજી સાથે ઊભા છે, આ લોકો શું ન્યાય કરશે.

કમિટીના ચારેય સભ્ય મોદીજી સાથે ઊભા છે, આ લોકો શું ન્યાય કરશેઃ સૂરજેવાલા(ફાઈલ તસવીર).

કમિટીના ચારેય સભ્ય મોદીજી સાથે ઊભા છે, આ લોકો શું ન્યાય કરશેઃ સૂરજેવાલા

કમિટીના સભ્ય અનિલ ઘનવટે કહ્યું- કોર્ટના આદેશ પર કામ કરીશું, અંગત મતને દૂર રાખીશું કમિટી પર ઊઠી રહેલા સવાલો વચ્ચે કમિટીના સભ્ય અનિલ ઘનવટે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે, ખેડૂતોનું આદોલન છેલ્લા 50 દિવસથી ચાલી રહ્યું છે અને આ દરમિયાન ઘણા ખેડૂતો શહીદ થયા છે, પરંતુ આ આંદોલને ક્યાંક તો અટકવું જોઈએ અને ખેડૂતોનાં હિતમાં કાયદો બનવો જોઈએ.

 

અનિલ ઘનવટ પહેલાં જ કાયદાને સમર્થન આપી ચૂક્યા છે.

અનિલ ઘનવટ પહેલાં જ કાયદાને સમર્થન આપી ચૂક્યા છે.

ખેડૂતો માટે બનાવવામાં આવેલી કમિટી 10 દિવસમાં કામ શરૂ કરશે

કમિટીમાં ભારતીય ખેડૂત સંઘના અધ્યક્ષ ભૂપિંદર સિંહ માન, આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ અનુસંધાન સંસ્થાનના ડાયરેક્ટર ડો. પ્રમોદ કુમાર જોશી, કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી અને મહારાષ્ટ્રના શેતારી સંગઠનના અધ્યક્ષ અનિલ ઘનવટ છે. ચીફ જસ્ટિસ બોબડેની અધ્યક્ષતા બેંચે કમિટીને 10 દિવસમાં કામ શરૂ કરવાના આદેશ આપ્યા છે.

ખેડૂતો પોતાની લડાઈ ચાલુ રાખશે

ખેડૂતો હજી પણ પોતાની લડાઈ ચાલુ રાખવા માટે મક્કમ છે. સાથે જ 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના દિવસે શાંતિથી ટ્રેક્ટર રેલી કાઢવાની પણ વાત કહી છે, જોકે આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટે પણ ખેડૂતોને નોટિસ પકડાવી છે.

સરકારે કહ્યું-કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વિશે અફવા ફેલાવાઈ રહી છે

આ પહેલા સુનાવણી દરમિયાન સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે, અમુક લોકો અફવા ફેલાવી રહ્યાં છે કે નવા ખેડૂત કાયદાથી જમીન છીનવી લેવાશે. પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કોન્ટ્રાક્ટ માત્ર પાકનો હશે, જમીનનો નહીં, આ અંગે કોર્ટે કહ્યું કે, સરકાર અને ખેડૂત, બન્ને પોતાનો પક્ષ કમિટિ સમક્ષ રજુ કરે.