ધ કપિલ શર્મા શો : આશુતોષ રાણાએ શો દરમ્યાન જણાવ્યું કઈ રીતે તેમની અને રેણુકા શહાણેની પહેલી મુલાકાત થઇ, એક્ટ્રેસને પ્રપોઝ કરવા માટે જાતે કવિતા લખી હતી

0
9

‘ધ કપિલ શર્મા શો’માં આ રવિવારે ઇન્ડસ્ટ્રીની ટેલેન્ટેડ જોડી આશુતોષ રાણા અને રેણુકા શહાણે સેટ પર આવશે. શોમાં કપલ તેમની એક્ટિંગથી લઈને લાઈફ વિશેની ઘણી વાતો કરતા દેખાશે. શોમાં કલાકારોના જોક્સ પર પણ ખૂબ હસતા જોવા મળશે. આવામાં દર્શકો માટે પણ આ આનંદથી ભરપૂર વીકેન્ડ સાબિત થશે.

એક રસપ્રદ ચર્ચા દરમ્યાન આશુતોષ રાણાએ તેની અને રેણુકાની પહેલી મુલાકાત વિશે ઘણી વાતો શેર કરી. તેમણે કહ્યું, ‘હંસલ મહેતાની ફિલ્મ ‘જયતે’નો પ્રિવ્યૂ હતો સુમિત થિયેટરમાં તો હું રાજેશ્વરી સચદેવ અને તેજસ્વિની કોલ્હાપુરેને સાથે લઈને ગયો હતો. ત્યાં ગયો તો ખબર પડી કે રાજેશ્વરી અને રેણુકા ઘણા સારા મિત્રો હતા અને હું રેણુકાજીનો ફેન પણ હતો. સૈલાબ (સિરિયલ) તે સમયે આવતી હતી અને તેમની ફિલ્મ હમ આપકે હૈ કૌન પણ આવી ગઈ હતી તો હું તેમના કામથી પ્રભાવિત હતો. જ્યારે તેમને મળ્યો ત્યારે અમે અંદાજે અડધી કલાક વાત કરી અને મારા વિચાર ઘણા મળતા હતા.’

પહેલી જ વખત આશુતોષે લિફ્ટ ઓફર કરી હતી

જયારે અમે બહાર નીકળ્યા તો રાત થઇ ગઈ હતી અને તે દિવસે રવિવાર હતો. મેં પૂછ્યું તમે ક્યા રહો છો? તો તેમણે કહ્યું હું દાદરમાં રહું છું. તો મેં પૂછ્યું તમે કઈ રીતે જશો? તમારી પાસે કાર નથી? તો તેઓ બોલ્યા કે આજ રવિવાર છે અને રવિવારે અમે અમારા સ્ટાફને રજા આપીએ છીએ અને મને ગાડી ચલાવતા નથી આવડતી. મેં તેમને પૂછ્યું કે શું હું તેમને ડ્રોપ કરી દઉં? તેમણે મને પૂછ્યું હું ક્યા રહું છું? મેં કહ્યું, હું ચેમ્બુરમાં રહું છું. તો મને કહ્યું કે હું મુંબઈમાં મોટી થઇ છું, જન્મ પણ અહીં જ છે, મેં આજ સુધી એવો કોઈ રસ્તો નથી જોયો જે જુહુથી દાદર થતા ચેમ્બુર જતો હોય. પછી તેમણે મને કહ્યું, તમે ચિંતા ન કરો મને ટેવ છે હું જતી રહીશ. આ સાંભળીને બધા ખિલખિલાટ હસવા લાગ્યા.

દશેરાની શુભકામના આપવાના બહાને કોલ કર્યો હતો

ડિરેક્ટર રવિ રાય તે બંને સાથે એક શો કરવા ઇચ્છતા હતા પરંતુ આશુતોષે તે ઘટનાનો ફાયદો લઈને રવિ પાસેથી રેણુકાનો નંબર માગી લીધો. ત્યારે ખબર પડી કે રેણુકા રાત્રે 10 વાગ્યા પછી કોઈના ફોનના જવાબ નથી આપતા અને કોઈ અજાણ્યા નંબરના ફોન પણ નથી લેતા. તમારે આન્સરિંગ મશીન પર મેસેજ અને બાકીની ડિટેલ્સ છોડવી પડતી હતી. આ વાતોને ધ્યાનમાં રાખીને આશુતોષે રેણુકાના આન્સરિંગ મશીન પર એક મેસેજ છોડ્યો જેમાં તેમણે રેણુકાને દશેરાની વધામણી આપી. જોકે તેમણે જાણીજોઈને તેમનો નંબર ન આપ્યો કારણકે તે વિચારી રહ્યા હતા કે જો રેણુકાને તેની સાથે વાત કરવી હશે તો તે ખુદ પ્રયત્ન કરશે અને તેનો નંબર શોધી લેશે.

લકીલી આશુતોષને તેની બહેન તરફથી મેસેજ મળ્યો કે રેણુકાનો ફોન આવ્યો હતો અને તેમણે દશેરાની શુભકામના માટે ધન્યવાદ કહ્યું છે. ત્યારબાદ અમુક સમય સુધી મેસેજની આપલે થતી રહી અને પછી રેણુકાએ આશુતોષને તેમનો પર્સનલ નંબર આપી દીધો.

આશુતોષે કહ્યું, ‘મેં તે જ રાત્રે 10:30 વાગ્યે તેમને ફોન કરીને કહ્યું કે થેંક્યુ રેણુકા જી તમે તમારો નંબર આપ્યો અને ત્રણ મહિના અમે ફોન અ ફ્રેન્ડ રમતા રહ્યા.’

રેણુકા માટે જાતે કવિતા લખી હતી

આશુતોષને કવિતાઓ ગમતી અને રેણુકાને ગદ્ય. આશુતોષે એવું વિચારીને એક કવિતા લખી કે જો રેણુકાને રસ હશે તો તે જવાબ જરૂર આપશે અને જો નથી તો તેમાં રિજેક્શનનો સવાલ જ નથી આવતો. તે સમયે આશુતોષ હૈદરાબાદમાં શૂટિંગ કરી રહ્યા હતા અને રેણુકા ગોવામાં હતા. જ્યારે તેમણે રેણુકાને કવિતા વાંચીને સંભળાવી તો રેણુકાએ એવું કહીને જવાબ આપ્યો હતો કે તે તેમને પ્રેમ કરે છે. તેના પર આશુતોષે કહ્યું, તમે પરત આવો પછી આપણે આ વિષય પર વધુ વાત કરીએ છીએ. બસ પછી તો સૌ જાણે જ છે કે આગળ શું થયું. તે છેલ્લા ઘણા વર્ષોથી હેપ્પી મેરિડ લાઈફ એન્જોય કરી રહ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here