ગણદેવી : એટલાન્ટાની મોટેલમાં ગુજરાતી જનરલ મેનેજરની અશ્વેતે ગળું દબાવી હત્યા કરી.

0
14

મૂળ ગણદેવીના રહીશ અને બીલીમોરા હાઇસ્કૂલના નિવૃત્ત શિક્ષક રવીન્દ્રભાઈ મગનભાઇ વશી (ઉં.વ. 86)ના દીકરા મેહુલભાઈ વશી (ઉં.વ.52)ની અમેરિકામાં હત્યા થઈ છે. તેમની પત્ની બે દીકરી સાથે અમેરિકાના જ્યોર્જિયાના ઓગસ્ટા ઇવાન્સમાં રહે છે. જ્યારે મેહુલભાઇ વશી એટલાન્ટામાં રેડ મોટેલમાં જનરલ મેનેજર તરીકે કાર્ય કરતા અને ત્યાં જ રહેતા હતા. આજકાલ અમેરિકામાં અશ્વેતોના હાથે ભારતીયોની હત્યા થવાના ગુનામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે વધુ એક ગુજરાતી યુવાન મેહુલ વશીની અમેરિકામાં અશ્વેતોએ હત્યા કરતાં ગણદેવી અને બીલીમોરામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

મૃતક મેહુલભાઇ વશીની પત્ની અને બે પુત્રી સાથેની ફાઇલ તસવીર.

મૃતક મેહુલભાઇના સસરા ગણદેવી સિનિયર સિટિઝન ગ્રુપના ઉપપ્રમુખ ઠાકોરભાઈ દેસાઈએ અને તેમનાં અત્રે રહેતાં અન્ય પરિવારજનોએ પણ શોકની લાગણી વ્યક્ત કરી છે. હત્યા કરનારા સામે તાકિદે પગલાં ભરવા માગ કરી છે. મોટેલમાં નશામાં ચૂર એક અશ્વેતે મેહુલ વશી પર હુમલો કરી હત્યા કરી દીધી હોવાનું જણાવ્યું હતું. જોકે એ પહેલાં મેહુલ વશીની જગ્યાએ રાત્રિની ફરજ પર આવેલા કર્મીએ મેહુલને ફોન કરીને એ ક્યાં છે એવું પૂછ્યું ત્યારે વળતા મેસેજમાં મેં તેને મારી નાખ્યો એવો જવાબ આપ્યો હતો. તેને પગલે શોધખોળ થઈ અને તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે. ગણદેવી નગરના સિનિયર સિટિઝનના હોદ્દેદારો પણ આ બાબતે ખૂબ જ ચિંતિત હોવાનું અત્રે જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મેહુલભાઈ વશી ગણદેવીના મહેતા અને સિનિયર સિટિઝન ગ્રુપના ઉપપ્રમુખ ઠાકોરભાઈ દેસાઈ ના જમાઈ થાય છે. મેહુલભાઈની પત્ની હેતલ એટલાન્ટાની એક ફેક્ટરીમાં જોબ કરે છે અને પોતાનું બ્યૂટીપાર્લર ચલાવે છે. મોટી દીકરી આરોહી અને નાની દીકરી બીર્વા અભ્યાસ કરે છે.

મોટેલના રિનોવેશન બાબતે બોલાચાલી થતાં અશ્વેત યુવાને જમાઇની હત્યા કરી

ગણદેવી સિનિયર સિટિઝન ગ્રુપના ઉપપ્રમુખ અને મૃતકના સસરા ઠાકોરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મારા જમાઇ મૃતક મેહુલભાઇ વશી એટલાન્ટામાં રેડ મોટેલમાં જનરલ મેનેજર હતા. આ મોટેલ એરપોર્ટની પાસે આવેલી છે. એનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. તેથી માત્ર પાંચ જ રૂમ મોટેલમાં કાર્યરત હતા. બાકીની 100 જેટલી રૂમ રિપેરિંગમાં હોય મારા જમાઈ સાથે આ બાબતે કોઈક બોલાચાલી થતાં અશ્વેત યુવાને એમનું ગળુ દાબી હત્યા કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસે પીએમની કાર્યવાહી હાથ ધરી છે અને શનિવારે બપોરે મૃતદેહને અગ્નિદાહ દેવાના હોવાનું જાણવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here