એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનારી સરિતા ગાયકવાડને DYSP બનાવાઈ, પોલીસના જવાનોને એથ્લિટિક્સની તાલીમ આપશે

0
4

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી એથ્લિટ સરિતા ગાયકવાડને ગુજરાત સરકારે ડીવાયએસપી તરીકે નિમણૂક આપી છે. આ અગાઉ શૂટર લજ્જા ગોસ્વામીને પણ ગુજરાત સરકારે પોલીસમાં નોકરી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાહેરાત કરી હતી. આ સાથે સરિતા રમત પર પૂરતું ધ્યાન આપી શકશે અને ગુજરાત પોલીસના જવાનોને એથ્લિટિક્સની તાલીમ આપશે. ગાયકવાડને કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે રજા પણ મળશે. તેમને દર મહિને 56,100 રૂપિયાનો પગાર મળશે.

સરિતા ગાયકવાડને રાજ્ય સરકારે Dysp બનાવી સન્માનિત કરી છે.
સરિતા ગાયકવાડને રાજ્ય સરકારે Dysp બનાવી સન્માનિત કરી છે.

 

ફોટો વાયરલ થતા સરકારે ત્વરિત નોકરી આપી

થોડા સમય પહેલા સરિતાનો એક ફોટો ખૂબ ચર્ચામાં આવ્યો હતો જેમાં તે માથે બેડું ઊંચકીને પીવાનું પાણી એક કિલોમીટર દૂર આવેલા કૂવામાંથી ચાલીને લાવતાં હતાં. ગુજરાત સરકારે આ બાબતની પણ નોંધ લઇને ત્વરિત સરિતાને આ નોકરી આપવાનો નિર્ણય લીધો હતો તેમ સરકારી સૂત્રો જણાવે છે.

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો

ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર 18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ગુજરાતની દીકરી સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક બદલ અભિનંદન પાઠવવામાં આવ્યાં છે.

DySp તરીકે નિમણૂંક

ભારતની ગોલ્ડન ગર્લ ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડ સામાન્ય પરિવારમાંથી આવે છે. ભારતને ગોલ્ડ મેડલ અપાવવાની લાંબી સફર કરી હવે ગુજરાતની કાયદો વ્યવસ્થાને મજબૂત બનાવવાના સફર ઉપર જઈ રહ્યા છે. ત્યારે સરિતા ગાયકવાડને ગુજરાત પોલીસમા DYSP તરિકે નિમણૂંક કરવામાં આવી છે. જેથી પોલીસ વિભાગે પણ તેમની નિમણૂંકને આવકારી છે.

મતદાન અગાઉ સન્માન

ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી થોડા દિવસોમાં થવાની છે. ત્યારે મતદાન અગાઉ જ રાજ્ય સરકાર દ્વારા નારી શક્તિના સન્માનની સાથે સાથે સરિતાનું સન્માન કરવામાં આવ્યું છે. મતદાન અગાઉ જ થોડા દિવસોએ સરિતાને મળેલી આ પદવીથી રાજકીય દાવ ભાજપે ખેલ્યો હોવાનું પણ સૂત્રઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.