Home ભાવનગર ભાવનગર : એશિયાનું સૌથી મોટુ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ 50 દિવસ બાદ...

ભાવનગર : એશિયાનું સૌથી મોટુ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ 50 દિવસ બાદ શરૂ, કસ્ટમ એક્સાઇઝ અને GMBને 600 કરોડનું નુકસાન

0
11

ભાવનગર. એશિયામાં પ્રથમ નંબરે આવતું અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહ્યું હતું. એવા સમયે દેશ-વિદેશમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવવાનો શરૂ કર્યો અને સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થતાં શીપ ભાંગવાના કામમાં પડયા ઉપર પાટુ સમાન સ્થિતિ થઇ. અલંગ સોસીયા શીપ બ્રેકિંગ યાર્ડમાં 140 જેટલા શીપ ભાંગવાના નાના-મોટા પ્લોટ આવેલા છે. લોકડાઉન પહેલા તેમાંના મોટાભાગના પ્લોટ થોડા અને વધુ અંશે શીપ ભાંગવાનું કામ ચાલી રહ્યું હતું.હાલમાં 63 જેટલા પ્લોટ પર શીપ તોડવાની કામગીરી ચાલી રહી છે. પરંતું તોડ્યા બાદ નિકળતી લોખંડની પ્લેટો અને અન્ય સામાનનું વેચાણ કરવામાં તકલીફ પડી રહી છે. રોલિંગ મીલો બંધ જેવી હાલતમાં છે. આમ શીપ બ્રેકિંગ ઉદ્યોગો મુશ્કેલીમાં પસાર થઈ રહ્યા છે. 50 દિવસ સુધી યાર્ડ બંધ રહેતા સરકારને કસ્ટમ એક્સાઈઝ અને જી.એમ.બી.ને આવકમાં એક અંદાજ મુજબ 600 કરોડનું નુકશાન થયું છે.

અલંગ શીપ યાર્ડના 40 વર્ષમાં શીપ બ્રેકરોએ ઘણી તેજી-મંદી જોઈ

અલંગ શીપ બ્રેકિંગ યાર્ડના કારણે ભાવનગરમાં પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે એક લાખ જેટલા લોકોને રોજગારી મળે છે. તેમજ અલંગમાં ભાંગવા માટે આવતા જહાજો વિદેશી હોવાથી 22 ટકા ડ્યુટી લાગતી હોય છે જેના કારણે કસ્ટમ અને એક્સાઈઝને એક અંદાજ મુજબ દર મહિને 200 કરોડ ઉપરાંતની આવક થતી હોય છે. તેમજ જી.એમ.બી.ને 10 કરોડ જેવી આવક થતી હોય છે. 1982માં અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ ખૂબ જ ઓછા પ્લોટમાં શીપ ભાંગવાનું શરૂ થયું અને દિન પ્રતિદિન વિકાસ થયો. અલંગની એક પટ્ટી પર આવેલ સોસીયામાં પણ પ્લાટ પાડવામાં આવ્યા અને થોડા જ સમયમાં અલંગ સોસીયા એક બની ગયું.અલંગ શીપ યાર્ડના 40 વર્ષમાં શીપ બ્રેકરોએ ઘણી તેજી-મંદી જોઈ અને ઘણા શીપ બ્રેકરો આવ્યા અને ગયા પણ ખરા. તે અગાઉ દર મહિને 35 જેટલા જહાજો વિદેશથી ભાંગવા માટે અલંગ આવતાં હતા તેના બદલે માર્ચ મહિનાથી લઈને મે મહિના સુધીમાં માત્ર 12 જેટલા આવ્યા છે.

શ્રમિકો વતન જતા રહેતા યાર્ડ ફરી પૂર્ણ રીતે શરૂ કરવું મુશ્કેલ

શીપ બ્રેકરોએ અગાઉ ખરીદી કરી શીપ તોડવાની કામગીરી ચાલી રહી હતી એ દરમિયાન લોકડાઉન જાહેર થતાં કામ અટકી ગયું અને કરોડો રૂપિયાના વ્યાજના ચક્કરમાં શીપ બ્રેકરો આવી ગયા .કામ બંધ હોવા છતાં શીપ બ્રેકરોએ પરપ્રાંતીયોને કીટ સહિતનું વિતરણ કરી તેમને કોઈ તકલીફ ન પડે તેનું ઘ્યાન શીપ બ્રેકરો, એસોસિએશન અને વહીવટી તંત્ર રાખી રહ્યું હતું. પરંતું કોરોનાનો ભય કે અન્ય કોઈ કારણોસર પરપ્રાંતીયઓ વતન જતાં રહ્યા છે. 12 હજાર જેટલા શ્રમિકો તો અલંગ સોસીયામાંથી જતાં રહ્યા છે. જેથી શ્રમિકો વગર પૂર્ણ સ્વરૂપે પૂન: યાર્ડ ધમધમતું થવામાં મુશ્કેલી છે. 

Live Scores Powered by Cn24news