વડોદરા : 60 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ખંડણીખોર અસલમ બોડીયાને પોલીસે 100 કિ.મી. સુધી પીછો કરીને ફિલ્મી ઢબે દબોચ્યો

0
0

ખંડણી, છેતરપિંડી જેવા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ અને 60 જેટલા ગુનામાં સંડોવાયેલા કુખ્યાત અસલમ બોડીયાને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. આજે પણ પોલીસની ધરપકડથી બચવા માટે અસલમ બોડીયાએ 100 કિ.મી. સુધી કાર ચલાવીને પોલીસને દોડાવી હતી, પરંતુ, પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દબોચી લીધો હતો.

ક્રાઇમ બ્રાંચની ટીમે ગોલ્ડ ચોકડી પાસે વોચ ગોઠવી

વડોદરા ક્રાઇમ બ્રાંચના PI જે.જે. પટેલે જણાવ્યું હતું કે, વિવિધ ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટે સૂચના આપી હતી. આ સૂચના દરમિયાન ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે, ખંડણી, છેતરપિંડી સહિત 3 જેટલા ગંભીર ગુનામાં વોન્ટેડ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતો અસલમ ઉર્ફ બોડીયો હૈદરમીયાં શેખ (રહે. નવાપુરા મહેબુબ પુરા, વડોદરા) ગોલ્ડન ચોકડી તરફ આવવાનો છે. જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમના લક્ષ્મીકાંત, હર્ષદકુમાર, જૈનુલઆબેદીન, હરદિપસિંહ, નિતીન, હર્ષપાલસિંહ, હિતેન્દ્રસિંહ, જયેન્દ્રસિંહ અને પ્રતિપાલસિંહે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી હતી.

પોલીસને જોતા જ અસલમ બોડીયો ભાગી છૂટ્યો

તેમણે જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાંચની ટીમ ગોલ્ડન ચોકડી પાસે વોચમાં હતી. તે દરમિયાન કારમાં આવી પહોંચેલો અસલમ બોડીયો પોલીસને જોતા હાલોલ તરફ કાર લઇને ભાગી છૂટ્યો હતો. પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. અસલમ બોડીયો જરોદ પાસેથી જરોદ-સાવલી રોડ તરફ નાસી છૂટ્યો હતો. પરંતુ, સમલાયા પાસે રેલવે ફાટક બંધ હોવાથી તે ફસાઇ ગયો હતો. અને પરત જરોદ તરફ આવી ગયો હતો. અને ત્યાંથી ઉમેટા તરફ ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, જરોદ પોલીસની નાકાબંધી હોવાથી ડિવાઇડર ઉપરથી પોતાની કાર કૂદાવી પરત વડોદરા તરફ ભાગી છૂટ્યો હતો. અને ગોલ્ડન ચોકડી તરફ આવી રહ્યો હતો. અસલમે ગોલ્ડન ચોકડી પાસે વોચમાં ઉભેલી પોલીસને જોતા તે કારમાંથી ઉતરી ભાગી છૂટવાનો પ્રયાસ કરતા ક્રાઇમ બ્રાંચની ટીમે દબોચી લીધો હતો.

બોડીયો જુનાગઢ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, ભુજ જેલમાં 9 વખત પાસા હેઠળ જઇ આવ્યો છે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અસલમ બોડીયા સામે શહેરના વિવિધ પોલીસ મથકોમાં હત્યા, હત્યાનો પ્રયાસ, મારામારી, ખંડણી, છેતરપિંડી, ધાકધમકી સહિતના 60 જેટલા ગુનાઓ નોંધાયા છે. છેલ્લા 3 ગુનામાં તે વોન્ટેડ હતો. અને પોલીસની ધરપકડથી બચવા માટે ભાગી રહ્યો હતો. પરંતુ, પોલીસને આજે પાકી બાતમી મળતા તેણે ગોલ્ડન ચોકડી પાસેથી દબોચી લેવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં તે જુનાગઢ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, ભુજ જેલમાં 9 વખત પાસા હેઠળ જઇ આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here