આસામ : કદાવર નેતા હેમંત સરમાના પ્રચાર પર ચૂંટણી પંચે 48 કલાક રોક લગાવી

0
1

આસામમાં 40 બેઠકો માટે ત્રીજા તબક્કાનુ મતદાન 6 એપ્રિલે થવાનુ છે. આ પહેલા ચૂંટણી પંચે શુક્રવારે ભાજપના શક્તિશાળી નેતા હેમંત બિસ્વ સરમાના પ્રચાર પર 48 કલાકની રોક લગાવી દીધી છે. જેની સામે ભાજપ હવે કોર્ટમાં જશે.

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ હતુ કે, અમે કોર્ટના દરવાજા ખખડાવીશું. બીજી તરફ સરમાએ પોતે પણ ચૂંટણી પંચના આદેશ સામે હાઈકોર્ટમાં અપીલ કરેલી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ હતુ કે, ભાજપ અદાલતમાં કાયદાકીય અને હકીકતના આધારે લડાઈ લડશે.

હેમંત સરમા ભાજપના સૌથી શક્તિશાળી નેતા પૈકીના એક ગણાય છે અને તેમને આસામના ચાણક્ય તરીકે પણ બોલાવવામાં આવે છે. ચૂંટણી પંચે વિરોધી પાર્ટીના નેતા પર હેમંત સરમાએ આપેલા નિવેદન બાદ કાર્યવાહી કરી છે. સરમાએ કહ્યુ હતુ કે, બીપીએફ પાર્ટીના નેતા હાગ્રામા મોહિલરી ઉગ્રવાદને પ્રોત્સાહન આપશે તો તેમને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી થકી જેલમાં મોકલી આપીશું.

આ નિવેદન પર કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. કારણકે બીપીએફ એટલે કે બોડોલેન્ડ પીપલ્સ ફંટ હાલમાં કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહી છે.

ચૂંટણી પંચે હવે હેમંત સરમાને નોટિસ ફટકારીને આ નિવેદન બદલ સ્પષ્ટતા કરવાના કરેલા હુકમની સાથે સાથે 48 કલાક માટે તેમના પ્રચાર પર પણ પ્રતિબંધ મુકી દીધો છે. ચૂંટણી પંચની કાર્યવાહી બાદ કોંગ્રેસે કહ્યુ હતુ કે, ભાજપ ચૂંટણી હારી રહી છે અને એટલે નવા નવા દાવ પેચ રમી રહી છે. ચૂંટણી પંચે આ જ પ્રકારની રોક નરેન્દ્ર મોદી અને અમિત શાહના પ્રચાર પર પણ લગાવવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here