વડોદરા જિલ્લાના ખેડૂત લાભાર્થીઓને સાત પગલાં કિસાન કલ્યાણ યોજના હેઠળ સહાય ચૂકવાઈ

0
15

મુખ્યમંત્રી પ્રેરિત સાત પગલાં કિસાન કલ્યાણના હેઠળની આ યોજના પૈકી છત્રીની યોજનાનો લાભ આપવામાં માટે 700 જેટલા ખેડૂતોની અને સ્માર્ટ ટૂલ્સ યોજના હેઠળ 622 અરજદાર ખેડૂતોની અરજીઓ માન્ય રાખવામાં આવી છે. મંત્રી યોગેશભાઈ પટેલે આ પ્રસંગે પસંદગીના લાભાર્થીઓને યોજનાના લાભોનું વિતરણ કર્યું હતું. તેમણે કિસાન કલ્યાણ માટે સંકલ્પબદ્ધ સરકારની આ યોજનાઓનો લાભ લઈ ખેતી સુધારવા અને વળતર યુક્ત બનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

બાગાયત ખાતાની યોજનાઓ શરૂ કરાવી

નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલે વરણામાના ત્રિમંદિર ખાતેના કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના ખેડૂતો માટે શાકભાજી પકવનારા ખેડૂતોને વેચાણમાં અને પાક સાચવવામાં મદદરૂપ છત્રીઓ વિનામૂલ્યે આપવાની અને ખેડૂતો તેમજ ખેત કામદારોની મહેનત બચાવતા અદ્યતન ખેત સાધનો અને ખેતરમાં ઉભેલા પાકની સુરક્ષા માટે તારની કાંટાળી વાડ બનાવવા માટે સહાય આપવાની ખેતીવાડી અને બાગાયત ખાતાની યોજનાઓ શરૂ કરાવી હતી.

વીમાનો લાભ આપવા 3700 કરોડનું પેકેજ

કૃષિ વિભાગના અધિકારીએ જાણકારી આપતાં જણાવ્યું હતું કે શાકભાજી અને પપૈયાના પાકોમાં ખેડૂતોએ વિવિધ રીતે 40 ટકા જેટલો બગાડ સહન કરવો પડે છે ત્યારે આ યોજનાઓ પાકની સુરક્ષા અને બગાડ અટકાવવામાં ઉપયોગી બનશે.રાજ્યમાં 56 લાખ ખેડૂતો ખેતી કરે છે તેવી માહિતી આપતાં મંત્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે અનાવૃષ્ટિ,અતિવૃષ્ટિ અને માવઠાથી ખેતીમાં નુકશાન વેઠવાનો વારો ખેડૂતોને ન આવે તે માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બનાવી છે અને વીમા કંપનીઓના ઓશિયાળા પણામાંથી ખેડૂતોને મુક્ત રાખી વિનામૂલ્યે વીમા સુરક્ષાનો લાભ આપવા રૂ.3700 કરોડનું પેકેજ અમલમાં મૂક્યું છે.

સરકાર કિસાનોના હિતમાં કામ કરે છે

દેશમાં ગુજરાત સરકારે ખેડૂત ઊંચો આવે,પાક સુરક્ષિત રાખી શકે,યોગ્ય ભાવે વેચી શકે,બજારમાં પાક પોતાના વાહનમાં લઈ જઈ શકે, એ પ્રકારની તમામ યોજનાઓ અમલમાં મૂકી છે જે અન્ય રાજ્યો માટે માર્ગદર્શક બનશે એવી લાગણી તેમણે વ્યક્ત કરવાની સાથે મહિલા આત્મનિર્ભરતા સહિતની યોજનાઓની વિગતવાર જાણકારી આપી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકાર કિસાન વિરોધી નહિ પણ કિસાન મિત્ર છે એટલે ખેડૂતો કોઈ ભ્રામક પ્રચારથી ભોળવાય નહિ એવો તેમણે અનુરોધ કર્યો હતો. ગાંધીનગરમાં મુખ્યમંત્રી દ્વારા આ યોજનાઓના ઓનલાઇન વિમોચનનું જીવંત પ્રસારણ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here