અમદાવાદ : ગુજરાતી ફિલ્મના એસો. ડાયરેક્ટર અને તેના પિતરાઈ પર યુવતીનો દુષ્કર્મનો આરોપ,

0
6
  • યુવતી ત્રણ વાર ગર્ભવતી થઈ પણ કોઈ દવા આપી ગર્ભ પડાવી નાખવામાં આવ્યો
  • આરોપી હાર્દિકે યુવતી પાસેથી 9.60 લાખની રકમ લીધી તે પણ પરત કરી નહોતી

અમદાવાદ. ગુજરાતી ફિલ્મના એસોસિએટ ડાયરેકટર અને તેના પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચર્યાના આરોપ સાથેની ફરિયાદ આર્ટિસ્ટ યુવતીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. એસોસિએટ ડાયરેક્ટરે લગ્નની લાલચ આપી ફિલ્મ શૂટિંગના બહાને દ્વારકા, રાજકોટ, દિવ, ધારી વગેરે સ્થળોએ હોટલમાં તેમજ અમરેલીના ભાડેલ ગામે લઇ જઇ બંને ભાઈઓએ 6 માસ પહેલા દુષ્કર્મ કર્યાનું જણાવ્યું છે. આ દરમિયાન યુવતી ત્રણ વાર ગર્ભવતી થઈ પણ કોઈ દવા આપી ગર્ભ પડાવી નાખવામાં આવ્યો હતો. યુવતીના પિતાના નિવૃત્તિના કુલ 9.60 લાખ રૂપિયા પણ યુવતી પાસે ટુકડે ટુકડે લઈ આરોપીએ પરત કર્યા નહતા.

દ્વારકા, રાજકોટ અને દિવની હોટલના રૂમમાં રાખી અનેકવાર રેપ કર્યો

ચાંદખેડા વિસ્તારમાં રહેતી ગુજરાતી ફિલ્મના શૂટિંગમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરતી 18 વર્ષીય યુવતી ગુજરાતી ફિલ્મના એસોસિએટ ડાયરેકટર હાર્દિક સતાસીયા અને તેના પિતરાઈ ભાઈ વિમલ સતાસીયા જોડે યુવતી જ્યારે 17 વર્ષની હતી ત્યારે ફિલ્મના શૂટિંગમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે જતી હોવાથી સંપર્કમાં આવી હતી. યુવતીને ફિલ્મ શૂટિંગના બહાને આરોપીએ દ્વારકા, રાજકોટ અને દિવની હોટલના રૂમમાં રાખી અનેકવાર રેપ કર્યો હતો.

યુવતીને આરોપી હાર્દિક પોતાના કાકાના ઘરે રોકાવા લઈ ગયો હતો

ગત વર્ષે ડિસેમ્બરમાં અમરેલી જિલ્લાના ભાડેલ ગામે ફિલ્મ શૂટિંગ માટે ગયેલી યુવતીને આરોપી હાર્દિક પોતાના કાકાના ઘરે રોકાવા લઈ ગયો હતો. ત્યાં રાત્રીના સમયે યુવતીનું મોં દબાવી, હાથ પગ પકડી હાર્દિક અને તેના પિતરાઈ ભાઈ વિમલ સતાસીયાએ દુષ્કર્મ કર્યું હતું. આ ઘટના અંગે કોઈને ન કહેવા નહી તો જાનથી મારવાની આરોપીએ ધમકી આપી હતી. યુવતીના નિવૃત પિતાની ગ્રેજ્યુઈટીના પૈસામાંથી હાર્દિકે યુવતી પાસેથી 9.60 લાખની રકમ લીધી તે પણ પરત કરી નહોતી. આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.