ઇન્ડેક્સ ઓલટાઈમ હાઈ પર,ડિલિવરી વોલ્યુમ 10 વર્ષનાં તળિયે

0
7

અમદાવાદ : સપ્ટેમ્બર મહિનામાં દેશના ઈક્વિટી અને ડેટ માર્કેટમાંથી ઝડપી ગતિએ પરત ખેંચાઈ રહેલાં વિદેશી રોકાણને અટકાવવા અને ભારતીય કંપનીઓને પણ આર્થિક સહાય આપવાના હેતુસર નાણામંત્રી નિર્મલા સીતરામને જુલાઈના મોદી 2.0ના પ્રથમ બજેટ બાદ પણ એક મીની બજેટ જાહેર કરીને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ સાથે FPI પર લાગેલ સુપરરિચ ટેક્સ પરત ખેંચતા બજારમાં દિવાળી અગાઉ જ દિવાળીનો માહોલ સર્જાયો હતો.

સપ્ટેમ્બરથી એકતરફી વિદેશી રોકાણકારોની લેવાલીને પગલે બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં રોજબરોજ નવા આયામ સર થઇ રહ્યા છે જોકે બજારની આ એકતરફી તેજીથી સામાન્ય રોકાણકાર(રિટેલ) ખુશ નથી, કારણ કે ઇન્ડેક્સના હેવીવેઇટ શેરોમાં થઇ રહેલ તેજીને કારણે સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ વટાવી રહ્યા છે. આજે આવેલા વધુ એક રિપોર્ટે સૂચવ્યું કે બજારની તેજી મક્કમ અને ટકાઉ નથી.

ઇટીના અહેવાલ અનુસાર ઈન્ડાઈસિસ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં નવા ઓલટાઈમ હાઈ પર પહોંચ્યા છે પરંતુ સ્મોલકેપ અને મિડકેપ હજી પણ રોકાણકારોને રડાવી રહ્યા છે. બજાર સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર હોવા છતાં રોકાણકારોમાં અવિશ્વાસ વધ્યો છે. બજારમાં ડિલિવરી વોલ્યુમ દસ વર્ષના તળિયે છે. રસપ્રદ વાત એ પણ છે કે દસ વર્ષ પૂર્વે ભાર આ સમયે આર્થિક મંદીની ભીંસમાં અટવાયેલું હતું અને ઇન્ડેક્સ પણ રેકોર્ડ તળિયે હતા. જેની સામે હાલ ઇન્ડેક્સ ઓલટાઈમ હાઈ પર છે પરંતુ બજારની તેજી પ્રત્યેનો વિશ્વાસ તત્કાલીન સમયના તળિયે ફરી પહોંચ્યો છે.

આ કારણે હવે શેરબજારના ખેલાડીઓ ડિલિવરી લેતા અચકાઈ રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર એપ્રિલ 2019થી શેર્સની ડિલિવરીમાં ઘટાડો નોંધાયો છે. નવેમ્બરમાં માર્કેટનું સરેરાશ દૈનિક કેશ ટર્નઓવર રૂ.44,000 કરોડ કરતા વધી ગયુ હતું પરંતુ ડિલિવરી વોલ્યુમ 33.2 ટકા જ જોવા મળ્યો હતો. ડિસેમ્બરના પ્રથમ બે અઠવાડિયા દરમિયાન ડિલિવરીની ટકાવારી 30.6 ટકા હતી જ્યારે આ સમયગાળા દરમિયાન દૈનિક કેશ ટર્નઓવર રૂ.35,913 કરોડ નોંધાયો છે. જે છેલ્લાં 10 વર્ષના તળિયે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here