ટેસ્ટ : પ્રથમ દિવસના અંતે ભારતે 6 વિકેટ ગુમાવીને 203 રન કર્યા, રહાણેએ 81 રનની ઇનિંગ્સ રમી, રોચે 3 વિકેટ લીધી

0
0

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ એન્ટીગુઆ ખાતે વિન્ડીઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે 6 વિકેટ ગુમાવીને 203 રન કર્યા હતા. ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરનાર જેસન હોલ્ડરનો નિર્ણય સાચો સાબિત થયો હતો. વિરાટ કોહલી, મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પુજારા સિંગલ ડીજીટમાં આઉટ થતા ટીમે 25 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી અજિંક્ય રહાણે, લોકેશ રાહુલ અને હનુમા વિહારીએ બાજી સંભાળી હતી. દિવસના અંતે રવિન્દ્ર જાડેજા 3 રને અને ઋષભ પંત 20 રને રમી રહ્યા હતા.

રહાણે કરિયરની 18મી ફિફટી ફટકારી ફોર્મમાં પરત ફર્યો

  • સતત ટીકાનો સામનો કરી રહેલા ભારતીય ટીમનો ઉપક્પ્તાન રહાણે સમયસર ફોર્મમાં પરત ફર્યો હતો. 25 રનમાં 3 વિકેટ ગુમાવ્યા પછી તેણે રાહુલ સાથે ચોથી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી.
  • આઉટ ઓફ ફોર્મ રહાણે ઇનિંગ્સની શરૂઆતમાં ટાઈમિંગ માટે ઝઝૂમી રહ્યો હતો પરંતુ ક્રિઝ પર થોડો સમય વિતાવ્યા પછી તેણે રાહુલ સાથે ટીમને સારી સ્થિતિમાં લાવી હતી. બીજી તરફ રાહુલ ઇનિંગ્સની શરૂઆતથી સારી રીતે બેટિંગ કરી રહ્યો હતો અને તેણે કેટલાક આકર્ષક શોટ્સ પણ માર્યા હતા. જોકે તે કમનસીબ રીતે રોસ્ટન ચેઝની બોલિંગમાં ડાઉન ધ લેગ કીપર હોપના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 97 બોલમાં 5 ચોક્કાની મદદથી 44 રન કર્યા હતા.
  • રાહુલના આઉટ થયા પછી રહાણેએ વિહારી સાથે 82 રનની ભાગીદારી કરી હતી. પ્રેક્ટિસ મેચમાં સાથે બેટિંગ કરી હોવાથી બંને વચ્ચે સારો તાલમેલ જોવા મળી રહ્યો હતો. વિહારીને ફાસ્ટ બોલર્સ સામે તકલીફ પડી રહી હતી, જોકે તેણે તેમ છતાં ડિફેન્સના વડે ક્રિસ પર સારો સમય પસાર કર્યો હતો. વિહારી 32 રને રોચની બોલિંગમાં હોપના હાથે કેચ આઉટ થયો હતો. રોચે ક્રિઝનો ઉપયોગ કરતા બોલને દૂરથી નાખ્યો હતો અને બોલ વિહારીની એજ લેવા પૂરતો જ સિમ થયો હતો.
  • રહાણે 81 રને શેનોન ગેબ્રિયલની બોલિંગમાં બેકફૂટ પંચ મારવા જતા કટ એન્ડ બોલ્ડ થયો હતો. તેણે 163 બોલમાં 10 ચોક્કાની મદદથી કરિયરની 18મી ફિફટી મારી હતી. વિન્ડીઝ માટે કેમર રોચે ત્રણ વિકેટ, શેનોન ગેબ્રિયલે 2 વિકેટ અને રોસ્ટન ચેઝે 1 વિકેટ લીધી હતી.

અગ્રવાલ, પુજારા અને કોહલી સિંગલ ડિજિટમાં આઉટ

  • મયંક અગ્રવાલ 5 રને આઉટ થયો હતો. તે કેમર રોચની બોલિંગમાં કીપર શાઈ હોપ દ્વારા કેચ આઉટ થયો હતો. અમ્પાયરે નોટઆઉટ આપતા વિન્ડીઝે રિવ્યુ લઈને મયંકને પેવેલિયન ભેગો કર્યો હતો.
  • ચેતેશ્વર પુજારા પણ અગ્રવાલની જેમ જ રોચની બોલિંગમાં કીપર હોપના હાથે કેચ આઉટ થયો હતો. પુજારાએ 4 બોલમાં 2 રન કર્યા હતા.
  • ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની શેનોન ગેબ્રિયલે બહુ સારી રીતે સેટ કર્યો હતો. સતત બે બાઉન્સર નાખ્યા પછી એક શોર્ટ એન્ડ વાઈડ બોલમાં કોહલી ગલી પર બ્રુક્સના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 12 બોલમાં 9 રન કર્યા હતા.

વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બોલિંગ લીધી

વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ભારત સામે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ભારતે પોતાની પ્લેઈંગ 11માં ત્રણ ફાસ્ટ બોલર્સ અને એક સ્પિનરને રમાડ્યો છે. ટીમમાં રવિન્દ્ર જાડેજાને રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવની જગ્યાએ સ્પિનર તરીકે સ્થાન મળ્યું છે. જયારે રોહિત શર્માની જગ્યાએ હનુમા વિહારીને રમાડવામાં આવ્યો છે. બીજી તરફ વિન્ડીઝની ટીમમાં શમરહ બ્રુક્સ ડેબ્યુ કરી રહ્યો છે.

ભારતની પ્લેઈંગ 11: લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ

વેસ્ટ ઇન્ડિઝની પ્લેઈંગ 11: ક્રેગ બ્રેથવેટ, જોન કેમ્પબેલ, શાઈ હોપ, ડેરેન બ્રાવો, શિમરોન હેટમાંયર, રોસ્ટન ચેઝ, શમરહ બ્રુક્સ, જેસન હોલ્ડર, મિગેલ કમિન્સ, કેમર રોચ અને શેનોન ગેબ્રિયલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here