Monday, September 26, 2022
Homeપ્રથમ ટેસ્ટ LIVE : બીજા દિવસના અંતે દ. આફ્રિકાએ 3 વિકેટે 39...
Array

પ્રથમ ટેસ્ટ LIVE : બીજા દિવસના અંતે દ. આફ્રિકાએ 3 વિકેટે 39 રન કર્યા, ભારત 463 રન આગળ, મયંક અગ્રવાલે પ્રથમ બેવડી સદી મારી

- Advertisement -

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત દક્ષિણ આફ્રિકા સામે વિશખાપટ્ટનમ ખાતેની પ્રથમ ટેસ્ટમાં બીજા દિવસના અંતે મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 502 રને ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. ઓપનર મયંક અગ્રવાલે મેડન સદીને ડબલમાં કન્વર્ટ કરતાં 215 રનની મેરેથોન ઇનિંગ્સ રમી હતી. તેનો સાથ આપતા પ્રથમ વખત ઓપનિંગ કરી રહેલા રોહિત શર્માએ 176 રન કર્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 39 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી છે. ભારત માટે રવિચંદ્રન અશ્વિને 2 અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી હતી.

ભારતીય ઓપનર્સે પ્રથમ વિકેટ માટે 317 રનની પાર્ટનરશીપ કરી હતી. તેઓ આમ કરનાર ત્રીજી જોડી બની હતી. તે સિવાય રવિન્દ્ર જાડેજાએ નીચલા ક્રમે 30* રનનું યોગદાન આપ્યું હતું. મહેમાન ટીમ માટે કેશવ મહારાજે સર્વાધિક 3 વિકેટ લીધી હતી. જ્યારે ફિલેન્ડર, મુથુસામી, પિડ્ટ અને એલ્ગરે 1-1 વિકેટ લીધી હતી.

ભારત માટે ચોથી વાર બંને ઓપનર્સે એક ઇનિંગ્સમાં 150થી વધુ રન કર્યા:

 • વિનુ માંકડ (231)- પંકજ રોય (173) vs ન્યૂઝીલેન્ડ, 1955
 • મુરલી વિજય (153)- શિખર ધવન (187) vs ઓસ્ટ્રેલિયા, 2012
 • મુરલી વિજય (150)- શિખર ધવન (173) vs બાંગ્લાદેશ, 2015
 • મયંક અગ્રવાલ (150*)- રોહિત શર્મા ( 176) vs દક્ષિણ આફ્રિકા, 2019

રોહિત શર્મા કેશવ મહારાજની બોલિંગમાં કવિન્ટન ડી કોક દ્વારા સ્ટમ્પ થયો હતો. રોહિતે 244 બોલમાં 23 ચોક્કા અને 6 છગ્ગાની મદદથી 176 રન કર્યા હતા. આ તેના ટેસ્ટ કરિયરની ચોથી સદી હતી. દસમી વખત ભારતના બંને ઓપનર્સે એક જ ઇનિંગ્સમાં સદી ફટકારી હોય તેવી ઘટના બની હતી. છેલ્લે મુરલી વિજય અને શિખર ધવને 2018માં અફઘાનિસ્તાન વિરુદ્ધ સદી ફટકારી હતી. તેમજ પહેલી વખત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સિવાય અન્ય કોઈ ટીમના બંને ઓપનર્સે દ. આફ્રિકા વિરુદ્ધ એક ઇનિંગ્સમાં સદી ફટકારી છે.

ભારત માટે 300થી વધુની ઓપનિંગ પાર્ટનરશીપ:

 • 413: પંકજ રોય- વિનુ માંકડ vs ન્યૂઝીલેન્ડ, ચેન્નાઇ, 1956
 • 410: વિરેન્દ્ર સહેવાગ- રાહુલ દ્રવિડ vs પાકિસ્તાન, લાહોર, 2006
 • 317: રોહિત શર્મા, મયંક અગ્રવાલ vs દક્ષિણ આફ્રિકા, વિશાખાપટ્ટનમ, 2019

ભારતની કોઈ પણ વિકેટ માટે દ.આફ્રિકા સામે હાઈએસ્ટ પાર્ટનરશીપ:

 • 317 મયંક અગ્રવાલ – રોહિત શર્મા, વિશાખાપટ્ટનમ, 2019 ( પ્રથમ વિકેટ)
 • 268 વિરેન્દ્ર સહેવાગ – રાહુલ દ્રવિડ, ચેન્નાઇ 2007 (બીજી)
 • 259* વીવીએસ લક્ષ્મણ- એમએસ ધોની, કોલકાતા 2009 (સાતમી)

ભારત વતી દ.આફ્રિકા વિરુદ્ધ હાઈએસ્ટ ઓપનિંગ પાર્ટનરશીપ

 • 317 મયંક અગ્રવાલ- રોહિત શર્મા, 2019/20
 • 218 વિરેન્દ્ર સહેવાગ- ગૌતમ ગંભીર, 2004/05
 • 213 વિરેન્દ્ર સહેવાગ- વસીમ જાફર, 2007/08

પ્રથમ દિવસના અંતે ભારતે વિના વિકેટે 202 રન કર્યા

ભારતે પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે વિશખાપટ્ટનમ ખાતે 59.1 ઓવરમાં વિના વિકેટ ગુમાવીને 202 રન કર્યા હતા. રોહિત શર્મા 115 રને અને મયંક અગ્રવાલ 84 રને અણનમ હતા. વરસાદના લીધે 30.5 ઓવર ઓછી રમાઈ હતી. રોહિતે પોતાના ટેસ્ટ કરિયરની ચોથી સદી ફટકારી હતી. તે ઉપરાંત રોહિત; શિખર ધવન, લોકેશ રાહુલ અને પૃથ્વી શો પછી ઓપનિંગ કરતાં પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારનાર ચોથો ઓપનર બન્યો છે. ભારતીય ઓપનર્સે 24 ઇનિંગ્સ પછી ટેસ્ટમાં સદીની ભાગીદારી કરી છે. છેલ્લે મુરલી વિજય અને શિખર ધવને 2018માં અફઘાનિસ્તાન વિરુદ્ધ બેંગ્લુરુ ખાતે સદીની ભાગીદારી નોંધાવી હતી. મયંક અગ્રવાલે પણ ચોથી ફિફટી મારીને રોહિતનો સારો સાથ આપ્યો હતો.

ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ઓપનર્સ:

 • ક્રિસ ગેલ
 • બ્રેન્ડન મેક્કુલમ
 • માર્ટિન ગુપ્ટિલ
 • તિલકરત્ને દિલશાન
 • અહેમદ શહેઝાદ
 • શેન વોટ્સન
 • તમીમ ઇકબાલ
 • રોહિત શર્મા

ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી

ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં વિશખાપટ્ટનમ ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. બંને ટીમ વાઇએસઆર એસએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પહેલી વાર એકબીજા સામે રમી રહી છે. 2016માં ભારતે આ ગ્રાઉન્ડ ઉપર ઇંગ્લેન્ડને 246 રને હરાવ્યું હતું. બંને ટીમ ભારતમાં 2015 પછી એકબીજા સામે રમી રહી છે, છેલ્લી ટેસ્ટમાં દિલ્હી ખાતે ભારતે 337 રને મેચ જીતી હતી.

ભારતની પ્લેઈંગ 11: વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે (ઉપક્પ્તાન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, રિદ્ધીમાન સાહા (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમી

દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ 11: એડન માર્કરામ, ડીન એલ્ગર, થ્યુનિસ દ બ્રુયિન, ટેમ્બા બાવુમા, ફાફ ડુ પ્લેસિસ (કપ્તાન), ક્વિન્ટન દ કોક (વિકેટકીપર), વર્નોન ફિલેન્ડર, સેનુરન મુથુસામી, કેશવ મહારાજ, ડેન પિડ્ટ અને કગીસો રબાડા

દક્ષિણ આફ્રિકા એશિયામાં સતત આઠમી ટેસ્ટમાં ટોસ હાર્યું છે.

વિરાટ કોહલીનો ટોસ જીતીને રેકોર્ડ:
ટેસ્ટ 22*
જીત 18
હાર 0
ડ્રો 3

47 વર્ષ પછી ભારત માટે ઘરઆંગણે નવી ઓપનિંગ જોડી
રોહિત શર્મા અને મયંક અગ્રવાલ પ્રથમ વાર ઘરઆંગણે ઓપનિંગ કરી રહ્યા છે. ઘરઆંગણે એક જ ટેસ્ટમાં ભારતના બંને ઓપનર્સ પ્રથમ વાર એક સાથે ઓપનિંગ કરી રહ્યા હોય તેવું 47 વર્ષ પછી બન્યું છે. અગાઉ 1972/73માં સુનિલ ગાવસ્કર (પ્રથમ હોમ ટેસ્ટ) અને રામનાથ પાર્કર (ડેબ્યુ) પ્રથમ વાર સાથે ઘરઆંગણે ઓપનિંગ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular