અમદાવાદ : રેલવે સ્ટેશન પર આકરા તાપમાં રોજા રાખી સાદ્દીકભાઈ શ્રમિકોની તરસ છીપાવે છે

0
6

અમદાવાદ. કોરોનાના મહામારીને પગલે હાલ રાજ્યમાં લોકડાઉન 4.0 ચાલી રહ્યું છે. જો કે હવે ગુજરાત સરકાર દ્વારા પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન રાજ્યમાં મોકલવામાં આવી રહ્યાં છે. જેના માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. અમદાવાદ રેલવે સ્ટેશન પરથી રોજની સરેરાશ 10 જેટલી ટ્રેન શ્રમિકોને લઈને વતન રાજ્ય પહોંચાડવા માટે નીકળે છે. જે રીતે ડોક્ટર, મહેસૂલી કર્મચારી, શિક્ષકો, પોલીસ અને પત્રકારો કોરોના વોરિયર બનીને કામ કરી રહ્યાં છે. આ રીતે જ શ્રમિકોને લઈ જતી ટ્રેનમાં પાણીની બોટલ પહોંચાડતી એજન્સીમાં કામ કરી રહેલા સાદ્દીકભાઈ પણ કોરોના વોરિયર બનીને કામ કરી રહ્યાં છે. તેઓ રોજા રાખીને આકરા તાપમાં પણ શ્રમિકોની પાણી પીવડાવવાનું કામ કરી રહ્યાં છે. દરિયાપુરમાં રહેતા સાદીકભાઈ કહે છે ‘હું રોજા તો વર્ષોથી રાખું છું પણ આ વર્ષે આ થાકેલા શ્રમિકોને ટ્રેનમાં બેસતા પહેલા પાણી પહોંચાડવાની કામગીરી કરું છું એટલે ખુદા-પાક વધારે પુણ્ય આપશે.’

નોકરીની સાથે શ્રમિકોની સેવાનું કામ છે એટલે દોડીને ઉત્સાહથી કામ કરીએ છીએ : સાદીકભાઈ

સાદ્દીકભાઈ અને તેમના 3 સાથી અંદાજે 15 હજાર જેટલી બોટલનું લોડિંગ-અનલોડિંગનું કામ પણ કરે છે.
સામાન્ય પગારની નોકરી કરતા સાદીકભાઈ કહે છે કે, સામાન્ય દિવસો કરતા હાલ પાણીની બોટલ પહોંચાડવાની કામગીરી વધુ રહે છે. પરંતુ આ નોકરીની સાથે શ્રમિકોની સેવાનું કામ છે એટલે દોડીને ઉત્સાહથી કામ કરીએ છીએ. તેઓ કહે છે કે, બીજાની જેમ અમે પણ મહામારી વચ્ચે સતત કાર્યરત રહ્યા છીએ માટે અમે પણ કોરોના વોરિયર્સ છીએ.

20 મેના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘હું પણ કોરોના વોરિયર્સ’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે ત્યારે સાદ્દીકભાઈ જેવા અનેક લોકોએ કર્તવ્ય પરાયણતાની મશાલ કાયમ રાખી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here