અમદાવાદ : વસ્ત્રાપુર કન્સ્ટ્રકશન સાઈટ પર ત્રણ મજૂરો કોરોના પોઝિટિવ આવતા ફરાર થયા, ત્રણ દિવસ બાદ કોર્પોરેશને ફરિયાદ નોંધાવી

0
2

કોરોનાના કેસોને કાબુમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યાએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કોર્પોરેશનની મેડિકલ ટીમે વસ્ત્રાપુરમાં કેશવબાગની પાછળ આવેલી કન્સ્ટ્રકશન સાઈટ પર મજૂરોના કોરોના ટેસ્ટ કરતા મહિલા સહિત ત્રણ મજૂર પોઝિટિવ આવ્યા હતા. જેમને કોવિડ કેસ સેન્ટરમાં મોકલવામાં આવે તે પહેલાં જ ફરાર થઈ ગયા હતા. વસ્ત્રાપુર પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે કોર્પોરેશનના મેડિકલ ઓફિસરે ફરાર થઈ ગયાના ત્રણ દિવસ બાદ ફરિયાદ કરતા સવાલ ઉભા થઇ રહ્યા છે.

ત્રણ દિવસ આ મજૂરો ક્યાં હતા અને કોને કોને મળ્યા તેની તપાસ શરૂ
કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ડો. ફાલ્ગુનભાઈ વૈદ્ય અને તેમની ટીમ કોરોના વાયરસને લઇ ઉત્તર પશ્ચિમ ઝોનમાં ટેસ્ટ અને ગાઈડલાઈનનું પાલન કરાવે છે. 15 ઓગસ્ટના રોજ તેમની ટીમ સાથે સવારે તેઓ વસ્ત્રાપુર કેશવબાગ પાછળ આવેલી શાપુરજી પાલનજી કન્સ્ટ્રકશન સાઈટ પર કોરોનાના ટેસ્ટ કરવા ગયા હતા. મધ્યપ્રદેશના ધારબાગના રહેવાસી રેવસિંગ, હત્રી અને પ્રકાશ નામના ત્રણ મજૂરના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જેથી તેઓને સાઈડમાં બેસાડી સમરસ હોસ્ટેલમાં કોવિડ સેન્ટરમાં મોકલવા 108 બોલાવી હતી. દરમ્યાનમાં ત્રણેય નજર ચૂકવી સાઈટ પરથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાના ત્રણ દિવસ બાદ મેડિકલ ઓફિસરે વસ્ત્રાપુર પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. ત્રણ દિવસ આ મજૂરો ક્યાં હતા અને કોને કોને મળ્યા જેનાથી સંક્રમણ વધી શકે છે.

શહેરમાં અત્યારસુધીમાં કુલ 28,509 કેસ નોંધાયા, 23,553 ડિસ્ચાર્જ અને 1656ના મોત
અમદાવાદમાં ધીરે-ધીરે કોરોનાની સ્થિતી કાબુમાં આવી રહી છે. છેલ્લા 20 દિવસથી દરરોજ 150થી ઓછા કેસ નોંધાયા છે. શહેરમાં અત્યારસુધીમાં કોરોનાના કુલ 28,509 કેસ નોંધાયા છે. જેમાથી 23,553 દર્દી સાજા થઈ જતા તેઓને રજા આપી દેવાઈ છે. અત્યારસુધીમાં વાઈરસના કારણે 1656 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. શહેરમાં છેલ્લા 78 દિવસમાં નવા 16,369 કેસ અને 814 લોકોના મોત નિપજ્યા છે. લોકલ સંક્રમણના કારણે કોરોના વાઈરસ ઝડપથી ફેલાય છે. ત્યારે કેટલાક વિસ્તારમાં આજે પણ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરતા તેમજ જાહેરમાં માસ્ક પહેર્યા વગર ફરતા જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here