વડોદરા : MS યુનિવર્સિટીના એક્ઝામ પોર્ટલ પર સાઇબર એટેકનો પ્રયાસ, પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત

0
6

વડોદરા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા MSU એક્ઝામ પોર્ટલ થકી ઓનલાઇન પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઇકાલ રાત્રે અજાણ્યા સોર્સ દ્વારા એક્ઝામ પોર્ટલ હેક કરીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ડેટા ચોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે હેકર્સને સફળતા ન મળતા યુનિવર્સિટીનો તમામ ડેટા સુરક્ષિત છે. સાઇબર એટેકના પગલે પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે.

હેકર દ્વારા સર્વર હેક કરવાનો, ક્રેશ કરવાનો પ્રયાસ એકથી વધુ વાર કરાયો હતો. જેને કારણે આશરે 3 હજાર વિદ્યાર્થીઓને મોક ટેસ્ટ દરમિયાન લોગ ઈન થવા માટે મુશ્કેલી પડી હતી. જ્યારે આશરે એક હજાર વિદ્યાર્થીઓ લોગિન કરી શક્યા તેમને પણ ધીમા સર્વરનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને યુનિવર્સિટી રજિસ્ટ્રારે આજથી શરૂ થતી મોક ટેસ્ટ તેમજ પાંચમી તારીખથી શરૂ થતી સેમેસ્ટર એન્ડ પરીક્ષાઓ સ્થગિત કરવાની જાહેરાત કરી છે. ટૂંક સમયમાં પરીક્ષાના નવા સમયપત્રકની જાહેરાત કરવામાં આવશે.