વિવાદીત નિવેદન બાદ કૃષ્ણને શિશ ઝૂકાવવા મોરારિબાપુ દ્વારકામાં, BJPના પૂર્વ MLA પબૂભાનો હુમલાનો પ્રયાસ,

0
6
  • દ્વારકાધીશ મંદિર પરિસરમાં મોરારિબાપુ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યાં હતા ત્યારે પબૂભાનો હુમલાનો પ્રયાસ
  • પબૂભા અને મોરારિબાપુ વચ્ચે ઉગ્ર બોલાચાલી, સાંસદ પૂનમ માડમે મોરારિબાપુને બચાવ્યા
  • પૂનમ માડમે પબૂભાને કહ્યું મારા સમ છે બાપુ રહેવા દો, પબૂભાએ તુકારે બાપુને કહ્યું કે, મોરારિ બહાર નીકળ
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોરારિબાપુ પર હુમલાના પ્રયાસની ઘટના વખોડી

દ્વારકા. કથાકાર મોરારિ બાપુએ ભગવાન કૃષ્ણ અંગે વિવાદસ્પદ નિવેદન કર્યું હતું. આથી આહીર સમાજ સહિત લોકો મોરારિબાપુ સામે રોષે ભરાયા છે. આહીર સમાજની માંગ હતી કે મોરારિબાપુ દ્વારકામાં આવીને ભગવાન કૃષ્ણની માફી માંગે. આથી મોરારિબાપુ આજે દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝુકાવવા પહોંચ્યા હતા. પરંતુ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા તેમના પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જો કે, મોરારિબાપુ પર હુમલો થાય તે પૂર્વે જામનગરના સાંસદ પૂનમ માડમ દ્વારા મોરારિબાપુને બચાવી લેવાયા હતા.

પૂનમ માડમે પબૂભાને કહ્યું મારા સમ છે બાપુ રહેવા દો

વીડિયોમાં પુનમબેને પબૂભાને કહ્યું બાપુ મારા સમ છે રેવા દો. ત્યારે પબુભા તુકારે બાપુને કહે છે કે, મોરારિ બહાર નીકળ.અન્ય લોકો પબૂભાને રહેવા દો બાપુ કહીને બહાર લઇ જાય છે.

મોરારિબાપુ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા હતા ત્યારે હુમલાનો પ્રયાસ

મોરારિબાપુ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા. આ સમયે પબૂભા અચાનક આવ્યા અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પૂનમ માડમે વચ્ચે પડીને મોરારિબાપુને બચાવી લીધા હતા.પૂનમ માડમ મોરારિબાપુની બાજુમાં જ બેઠા હતા. એટલે જેવા પબૂભા હુમલો કરવા દોડ્યા કે પૂનમ માડમે તેમને રોકી રાખ્યા અને બાદમાં એક યુવાને પબૂભાને બહાર લઇ ગયા હતા. તેમ છતાં પણ પબૂભાનો આક્રોશ શાંત ન પડ્યો અને ફરી હુમલો કરવા દોડ્યા. આ સમયે પણ પૂનમ માડમે તેમને રોકી લીધા હતા.

મારે કારણે સમાજ ક્યાંય વિભક્ત ન થાય તે માટે ઠાકોરજીના દર્શને આવ્યો : મોરારિબાપુ

મોરારિબાપુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું જે કંઇ બોલ્યો છું તેની મેં જાહેરમાં અને વ્યાસપીઠ ઉપરથી પણ માફી માગી લીધી છે. હું દ્વારકા તો અવારનવાર આવતો જ હોવ છું અને મારે આવવું પણ હતું. આપણા સમાજની એકતા ન તૂટે અને સંવાદ સચવાય રહે. મારે કારણે સમાજ ક્યાંય વિભક્ત ન થાય. તેમજ આપણા સનાતન ધર્મને આંચ ન આવે એટલા માટે ઠાકોરજીના દર્શને આવ્યો છું. મને દર્શનનો લાભ મળ્યો આશીર્વાદ મળ્યા. આપ સૌના સદભાવ માટે ખૂબ ખૂબ મારી શુભકામના ધન્યવાદ..જય સિયારામ

કૃષ્ણ ભગવાન અને મોટાભાઇ બલરામ વિશે મોરારિબાપુએ આવી ટીપ્પણી કરી હતી 

ઘણા સમય પહેલા મોરારિબાપુએ એક કથા દરમિયાન ભગવાન કૃષ્ણ વિશે અયોગ્ય ટીપ્પણી કરી હતી. જેમા ભગવાન કૃષ્ણ દ્વારકામાં ધર્મસાશન સ્થાપવામાં અસફળ રહ્યા હતા. તથા કૃષ્ણના મોટાભાઇ બલરામ ચોવીસ કલાક દારૂના નશામાં રહેતા અને કૃષ્ણના અનુયાયીઓ ચોરીઓ કરતા જેવી ટીપ્પણીઓ કરી હતી. આથી કાન્હા વિચાર મંચ તથા આહીર સમાજ દ્વારા મોરારિબાપુના કથનનો વિરોધ દર્શાવામાં આવ્યો હતો. મોરારિબાપુ દ્વારકા આવી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝુકાવી માફી માંગે તેવી માંગ કરી હતી. જે ઉપલક્ષે આજ સાંજના 5.30 વાગ્યે જગતમંદિરમાં આવી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝુકાવી માફી માંગી હતી. ત્યારબાદ મોરારિબાપુ શારદામઠમાં ગયા હતા. જ્યા પત્રકારો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે તેમના દ્વારા કરવામાં આવેલ ભગવાન કૃષ્ણ વિશે ટીપ્પણી અમુક લોકોને યોગ્ય ન લાગતા, દ્વારકા જગતમંદિરમાં આવ્યા છે. ભગવાન દ્વારકાધીશ પાસે માફી પણ માંગી છે.

મોરારિ બાપુ નિવેદનને લઇ માફી પણ માગી ચૂક્યા છે

થોડા દિવસ પહેલા તલગાજરડામાં યોજાયેલી માનસ ગરુ વંદના કથામાં બીજા દિવસની કથાના આરંભે મોરારિ બાપુએ કહ્યું હતું કે, મારાં કોઈ પૂર્વ નિવેદનથી જો કોઈને પણ, કશુંય દુઃખ પહોંચ્યું હોય તો હું ક્ષમાપ્રાર્થી છું. હું કોઇ પણ પરિસ્થિતિને પ્રભુનો કૃપા પ્રસાદ જ સમજુ છું. હું સંવેદનાનો આદમી છું. સમગ્ર વિશ્વ મારો પરિવાર છે. આપ સહુ મારા પોતાના છો. એમના કોઇને પણ મારી કોઈ વાત ગમી ન હોય તો આપ સહુની સમક્ષ હું નિર્મળ સાધુભાાવથી કહું છું કે આપ ભલે મને પોતાનો ન સમજો તો પણ હું આપ સહુને મારા પોતાના જ સમજુ છું. મારા માટે તો “વસુધૈવ કુટુમ્બકમ છે. હું માત્ર મારા ભજનમાં મગ્ન રહું છું. કેટલાક સમયથી મારા અગાઉના ભગવાન કૃષ્ણ અંગેનાં નિવેદનને લઈને કેટલાક વિવાદો ઉભા થઈ રહ્યા છે. પરંતુ ભગવાન કૃષ્ણ મારા ઇષ્ટદેવ છે. મારી પરંપરા નિંબાર્કી છે. મારા કુળદેવી રૂક્ષ્મણીજી છે. અમારું ધામ મથુરા-દ્વારકા છે. અમારો ઘાટ વિશ્વાસ છે. અમારી પરિક્રમા ગિરિરાજની છે. અમારી ગાયત્રી ગોપાલ ગાયત્રી છે. અમારો વેદ સામવેદ છે. અમારું ગોત્ર અચ્યૂત છે અને હરિનામ મારો આહાર છે. સાધુના અંતરના ભાવથીમારા કોઈ નિવેદનથી દુનિયાના કોઇ પણ માણસનું દિલ દુખાય એ પહલા તો હું સમાધિ લેવાનું પસંદ કરીશ.

કૃષ્ણ મારા ઇષ્ટદેવ છે, મારા પ્રભુ છે

બાપુની  જે વાત દ્વારા ગેરસમજ ઊભી કરવામાં આવી હતી, એ વખતે બાપએુ કૃષ્ણના આખરી વર્ષોમાં એમણે જે દર્દ ભોગવ્યું હતું તેની પ્રસ્તુતિ- અભિવ્યક્તિ તેમણે પોતાની રીતે, લોક ભાષામાં કરી હતી. એના શાસ્ત્ર પ્રમાણ પણ છે જ. પરંતુ બાપુ કોઈ શાસ્ત્રાર્થમાં માનતા નથી. બાપુ શાસ્ત્રક્રમને બદલે સાધુક્રમને પ્રાધાન્ય આપે છે. એટલે જ સાધનું અંતઃકરણની પ્રવૃતિ પ્રમાણે એમણે કૃષ્ણના જીવનની વેદના, રડતાં હૃદયે અને અશ્રુ ભીની આંખોએ ‘માનસ શ્રીદેવી’ કથાગાન સમયે વ્યક્ત કરી હતી. બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, કૃષ્ણ મારા ઇષ્ટદેવ છે,  મારા પ્રભુ છે. મારા બધા જ શ્રોતાઓ જાણે છે કે જ્યારે કૃષ્ણ સ્મરણમાં હું જ્યારે કૃષ્ણકથા કહેતો હોઉં છું ત્યારે મારી આંખોમાં જેટલા આંસુઓ વહે છે એટલા બીજા કોઈ પ્રસંગે ઉમટતા નથી. તેમ છતાયં મારાં કોઈ પણ નિવેદનથી આપને કોઈને પણ જરા પણ ઠેંસ પહોંચી હોય તો હું ફરી એકવાર સામાન્યમાં સામાન્ય વ્યક્તિથી માંડી અને તમામ પૂજ્ય ચરણો સુધીના સૌની માફી માગુ છું.

હુમલો નથી થયો, પબુભાની લાગણી દુભાઈ છે : પૂનમ માડમ

મોરારિ બાપુ પર હુમલાનો પ્રયાસ થયો ત્યારે તેમની પડખે બેઠેલા જામનગરનાં સાંસદ પૂનમબેન માડમે બાદમાં પ્રતિભાવ આપતા કહ્યું હતું કે, ‘એવું કાંઈ વધારે નથી બન્યું. પબુભા દ્વારકાના વતની છે એટલે એમની પણ લાગણી હોય. એમની લાગણી દુભાઈ હોય, ભાવનાને ઠેસ પહોંચી હોય એટલે એમણે આવીને ખાલી એમ પૂછયું હતું કે, આવું ક્યાં લખ્યું છે? બાકી, હુમલો થયો નથી.’

સમાજની માગ પ્રમાણે મોરારિબાપુએ દ્રારકાધિશની માફી માગી : પુનમબેન

પુનમબેન માડમે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, કૃષ્ણ વિશે કરેલી ટીકા મુદ્દે સમાજની માંગણી પ્રમાણે મોરારિબાપુએ દ્વારકા આવીને જગતમંદિરમાં ભગવાન સમક્ષ માફી માંગી છે. સમાજની માંગણી હતી કે મોરારિબાપુ સમાજની નહીં પણ દ્રારકાધિશની માફી માંગે.

CM રૂપાણીએ મોરારિબાપુ પર હુમલાના પ્રયાસની ઘટના વખોડી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કહ્યું કે, ભારતના પ્રખર અને ગણમાન્ય સંત પૂજ્ય મોરારીબાપુ સાથે દ્વારકામાં થયેલી ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડું છું. આજે પૂજ્ય મોરારીબાપુએ ભગવાન દ્વારકાધીશના દર્શને આવીને દ્વારકાધીશ અને સમગ્ર આહીર સમાજની માફી માંગી લીધી છે ત્યારે તેમના ઉપર એ જ વાતને લઈને કરાયેલો હુમલાનો પ્રયાસ નિંદનીય અને અશોભનીય છે.

આવતીકાલે રાજ્યસભા ચૂંટણીનું મતદાન, પબૂભા વોટિંગ નહીં કરી શકે

સુપ્રીમ કોર્ટે મંગળવારે દ્વારકાના ભાજપના નેતા પબૂભા માણેકને ઝટકો આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના તેમને ગેરલાયક ઠરવવાના આદેશ સામે સ્ટે આપવાની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર બાદ પબૂભા માણેક સુપ્રીમ કોર્ટમાં ગયા હતા જેથી તેઓ રાજ્યસભાની ચૂંટણીમાં ઝંપલાવી શકે. જો કે સુપ્રીમ કોર્ટે કોઈ રાહત નહીં આપતા હવે પબૂભા માણેક આગામી રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન પણ નહીં કરી શકે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે એટલે કે 19 જૂને ગુજરાતમાં રાજ્યસભા 4 બેઠક માટે મતદાન યોજાવાનું છે.

કોણ છે પબૂભા

પબુભા માણેક દેવભૂમિ દ્વારકા(અગાઉ જામનગર) જિલ્લાની દ્વારકા બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય હતા. ભાજપમાં જોડાયા પહેલાં અપક્ષ અને કૉંગ્રેસમાંથી ચૂંટાઈ આવતા હતા. તેઓ વાઘેર સમુદાય ઉપર ખૂબ પ્રભુત્વ ધરાવે છે. તેઓ 1990થી અત્યાર સુધીમાં 7વાર ધારાસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here