હત્યાનો પ્રયાસ : તું મારી પ્રેમિકા જેવી જ દેખાય છે કહીને પાદરાની કંપનીમાં યુવકે યુવતી પર હુમલો કર્યો

0
0

વડોદરા જિલ્લાના પાદરાના લુણા ગામ પાસે બીડીઆર લાઇફ સાયન્સીસ કંપનીના ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટમાં 14 જૂનના રોજ ખેલાયેલા ખૂની ખેલમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ બનાવમાં પરિણીત યુવતી લગ્ન માટે તૈયાર થતી ન હોવાથી યુવાને કટરથી હુમલો કર્યો હતો. તે બાદ યુવાને પોતાના ગળામાં કટર મારી જીવાદોરી ટુંકાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. મોતના મુખમાંથી બહાર આવેલી યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, હેલ્પર તરીકે નોકરી કરતો યુવાન કહેતો હતો કે, મને તું બહુ ગમે છે, તું મારી પ્રેમિકા શકીના જેવી જ દેખાય છે. મારે તારી સાથે લગ્ન કરવા છે. તેમ જણાવી અઢી માસથી હેરાન કરતો હતો. પોલીસે ફરિયાદના આધારે યુવાન સામે યુવતીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

યુવાને ડિપાર્ટમેન્ટનો દરવાજો બંધ કરી દીધો
પાદરા પીઆઇ. એસ.એ. કરમુરે જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામે આવેલી બીડીઆર લાઇફ સાયન્સીસ પ્રા.લી કંપનીના ક્વોલિટી કન્ટ્રોલના માઇક્રો ડિપાર્ટમેન્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી સિનિયર ઓફિસર તરીકે નોકરી કરતી એમ.એસ.સી. માઇક્રો બાયોલોજીસ્ટ થયેલી સુવર્ણા પ્રસાદ માધવ પાટીલ(ઉં..29), (રહે, એ-105, પ્રમુખ હ્રદય કોમ્પ્લેક્ષ, અટલાદરા) 14 જૂનના રોજ સાંજના નોકરી પૂરી થયા બાદ ઘરે આવવાની તૈયારી કરી રહી હતી. તે સમયે તેનાજ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટમાં હેલ્પર તરીકે નોકરી કરતો અશ્વિન રાજેશભાઇ પરમારે(રહે, દાજીપુરા (જાસપુર) પાદરા) ડિપાર્ટમેન્ટના અન્ય બે કર્મચારી ચાલ્યા ગયા બાદ દરવાજો બંધ કરી દીધો હતો.

પાદરાના લુણા ગામ પાસે આવેલી બીડીઆર લાઇફ સાયન્સીસ કંપની
પાદરાના લુણા ગામ પાસે આવેલી બીડીઆર લાઇફ સાયન્સીસ કંપની

તું મને તુ બહુ ગમે છે, તું મારી પ્રેમિકા શકીના જેવી જ દેખાય છે
દરવાજો બંધ કર્યાં બાદ અશ્વિને સુવર્ણાને જણાવ્યું કે, મને તુ બહુ ગમે છે, તું મારી પ્રેમિકા શકીના જેવી જ દેખાય છે. મારે તારી સાથે લગ્ન કરવા છે. તેમ જણાવી તેની પાસેની કટરથી હુમલો કર્યો હતો અને તે બાદ તેણે તેજ કટરથી પોતાનું ગળું કાપી જીવાદોરી ટુંકાવી લેવાનો પ્રયાસ કર્યો હતો.

યુવાને છેલ્લા અઢી માસથી યુવતીને હેરાન કરતો હતો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અશ્વિન પરમાર છેલ્લા અઢી માસથી સુવર્ણાને હેરાન કરતો હતો અને ફોન કરીને પણ હેરાન કરતો હતો. પરંતુ, સુવર્ણાએ અશ્વિનની હેરાનગતિને ગંભીરતાથી લીધી ન હતી. દરમિયાન 14 જૂનના રોજ સાંજના સમયે અશ્વિન પરમારે આવેશમાં આવીને સુવર્ણાને મોતને ઘાટ ઉતારી દેવાનો પ્રયાસ કર્યો હતો અને તેને પણ પોતાની જીવાદોરી ટુંકાવી લેવાનો પ્રયાસ કર્યો હતો.

પાદરા પોલીસ સ્ટેશન
પાદરા પોલીસ સ્ટેશન

યુવાને સામે હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ
દરમિયાન બંને ઇજાગ્રસ્તોને ડભાસા ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. તે બાદ તેઓ ભાનમાં આવતા નિવેદનો લેવામાં આવ્યા હતા. જેમાં સુવર્ણા પાટીલે અશ્વિન પરમાર સામે લગ્ન કરવા માટે હેરાનગતિની અને હેરાનગતિ ન કરવા માટે જણાવતા તેણે હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ પાદરા પોલીસ મથકમાં નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે અશ્વિન પરમાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પાદરા પંથકમાં પણ ચર્ચાનો વિષય બન્યો
અશ્વિન પરમાર સામે પરિણીતા સુવર્ણા પાટીલની હત્યાના પ્રયાસનો ગુનો નોંધાતા બી.ડી.આર. લાઇફ સાયન્સીસ કંપનીમાં ચકચાર જગાવી મુકી હતી. આ સાથે બનાવમાં અશ્વિન પરમાર સામે પરિણીતાની હત્યાના પ્રયાસનો ગુનો નોંધાતા પાદરા પંથકમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here