હત્યાનો પ્રયાસ : રોડ પર બાંધકામને લઇને ઝઘડો થતાં મકાન માલિકના ગળા પર પાડોશીએ ચપ્પુ માર્યુ

0
1

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર મકાનના બાંધકામને લઇને બાખડેલા પાડોશીએ કમરના ભાગેથી ચપ્પુ કાઢી મકાન માલિકના ગળે ફેરવી દેતા ઇજાગ્રસ્ત મકાનમાલિકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પાણીગેટ પોલીસે હત્યાનો પ્રયાસ અને મારામારી સહિતની કલમો સામસામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ભાગ્યોદય ટેનામેન્ટમાં રહેતા ગોપાલભાઇ ચુનારાએ ફરિયાદ નોંધાવી હતી કે, પડોશી સમીરભાઇ પટેલ તેમના મકાનને જમીનદોસ્ત કરીને નવું બાંધકામ કરતા હોવાથી મકાનનો સ્લેબ વધારે બહાર કાઢ્યો હતો. જે અંગે ટોકતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને અપશબ્દો બોલીને ઝાડી ઝાંખરા સાફ કરવા માટે મારી પાસે રાખેલું ચપ્પુ સમીરભાઇએ ઝૂંટવીને મારા હાથ ઉપર ઘા કર્યો હતો. આ ઝપાઝપી દરમિયાન ચપ્પુ સમીરભાઈ પટેલના ગળાના ભાગે વાગી જતા તેમને પણ ઇજા પહોંચી હતી. મે ઇરાદાપૂર્વક ચપ્પુ માર્યું નથી. આ ફરિયાદના આધારે પોલીસે સમીરભાઇ પટેલ વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસે ગોપાલ ચુનારા વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો
તો સામા પક્ષે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાડોશી ગોપાલ ચુનારા મકાનનું બાંધકામ થોડું અંદરથી રાખી કરજો તેમ જણાવી જતો રહ્યો હતો. ત્યાર બાદ ફરી આવી સમીર પટેલને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી કમરના ભાગે સંતાડેલું ચપ્પુ કાઢીને સમીર પટેલને ગળાના ભાગે ઘા મારી ઇજા પહોંચાડી હતી. બીજો ઘા કરતા સમીરભાઇ બચાવ કરતા ચપ્પુ હથેળી ઉપર વાગ્યું હતું. આ ફરિયાદના આધારે પોલીસે ગોપાલ ચુનારા વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here