વડોદરા : મુથુટ ફાઇનાન્સમાં ચોરીનો પ્રયાસ : દિલ્હીમાં એલાર્મ વાગતા રૂ. 20 કરોડનું સોનું બચી ગયું.

0
5

માણેજા ક્રોસિંગ પાસે મુથુટ ફાઈનાન્સની બ્રાંચમાં તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બારીમાં લાગેલા સેન્સર એક્ટિવ થઈ જતાં એલાર્મ વાગ્યું હતું, જેની જાણ બ્રાંચના મેનેજરને થતાં તેમણે બ્રાંચ નજીક રહેતાં મહિલાકર્મીને તપાસ કરવા મોકલતાં તસ્કરો ભાગી છૂટ્યા હતા, જેને પગલે બ્રાંચમાં રહેલું 2 હજાર લોકોનું રૂ.20 કરોડનું સોનું બચી ગયું હતું. ઉલ્લેખનીય છે કે આજવા રોડ મુથુટ ફાઇનાન્સ બ્રાંચમાં ઓક્ટોબર-2018માં લૂંટનો પ્રયાસ થયો હતો. લૂંટારાઓએ તમંચો લઈ ઘૂસી જઈ ગ્રાહકોના મોબાઈલ લૂંટી લીધા હતા. જોકે સાઇરન વાગતાં 4 લૂંટારા ભાગી ગયા હતા

મુથુટ ફાઈનાન્સના બ્રાંચ હેડ સુકેતુ જોશીએ જણાવ્યું હતું કે માણેજા ક્રોસિંગ પાસે સાંઈ સમર્થ કોમ્પ્લેક્સમાં 2010 થી મુથુટ ફાઈનાન્સની બ્રાંચ કાર્યરત છે. બ્રાંચમાં ઈન્ટર્નરી ડિજિટલ સિક્યોરિટી સિસ્ટમ લાગેલી છે. બ્રાંચ બંધ થયા પછી સેન્સર પાસે મૂવમેન્ટ થાય તો એલાર્મ વાગે અને દિલ્હી સ્થિત હેડ ઓફિસમાં લાઈટ થાય છે. 19 ડિસેમ્બરે રાતે 2:15 વાગે મને વિજિલન્સ ડેસ્ક પરથી ફોન આવ્યો હતો કે માણેજા ક્રોસિંગ પાસેની બ્રાંચમાં સેન્સર પાસે મૂવમેન્ટ થવાથી એલાર્મ વાગ્યું છે.

જેથી મેં બ્રાંચની નજીકમાં રહેતાં મહિલાકર્મીને તપાસ કરવા જણાવ્યું હતું. મહિલા કર્મી પતિ સાથે રાતના પોણાત્રણ વાગે પહોંચતાં ત્યાં અવાજ આવતો હતો. જેથી તેમણે ફોન કરતાં પોલીસ પહોંચી હતી. રાત્રે 3 વાગે બ્રાંચ હેડ પણ ત્યાં પહોંચતાં સીસીટીવી તપાસતાં જણાયું હતું કે તસ્કરોએ બારી પાસેની ગ્રિલ તોડી એટલે સેન્સરનું એલાર્મ વાગ્યું હતું. બાદમાં મુખ્ય ગેટ પરનું શટર તોડવા લાગ્યા હતા. દરમિયાન કર્મચારીઓ આવી જતાં તસ્કરો ભાગી ગયા હતા.

મકરપુરા પોલીસે પગલાં ન લીધાં

મુથુટ ફાઈનાન્સની દિલ્હી સ્થિત કોર્પોરેટ ઓફિસથી રાતે 2:16 વાગ્યે મકરપુરા પોલીસને ફોન કરીને જાણ કરાઈ હતી. જોકે મકરપુરા પોલીસની એકપણ પીસીઆર વાન બ્રાંચ ખાતે પહોંચી ન હતી. જો પીસીઆર વાન પહોંચી ગઈ હોત તો આ ટોળકી પકડાઈ ગઈ હોત.

ફ્લેશ લાઈટમાં ચોરને જોયો

મુથુટ ફાઇનાન્સના કર્મચારી મર્સી બીનુએ જણાવ્યુ હતું કે મોબાઈલની ફ્લેશ લાઈટથી ઓફિસની બારીવાળા વિસ્તારમાં જોતાં એક વ્યક્તિ ચાલતી ગઈ હોય એવું દેખાયું, ત્યાંથી અવાજ પણ આવતો હતો, જેથી અમે પોલીસને ફોન કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here