વડોદરા : સયાજી હોસ્પિટલમાં આગની ઘટનાને 50 દિવસ વિતવા છતાં રિપોર્ટ સુપરત ન કરાતા જવાબદારોને બચાવવા પ્રયાસ

0
6

શહેરની સયાજી હોસ્પિટલમાં આગની ઘટનાને 50 દિવસનો સમય વિત્યો હોવા છતાં હજુ પણ તપાસ કમિટી આગના બનાવ અંગેનો રિપોર્ટ સુપરત કરી શકી નથી. જેના કારણે તપાસ કમિટી સામે અનેક સવાલો ઉભા થયા છે. નોંધનીય છે કે, ધમણ વેન્ટિલેટરમાં આગ લાગ્યા બાદ હોસ્પિટલમાં આગ વધુ પ્રસરે હોવાનું સીસીટીવી ફુટેજમાં પણ જણાઈ આવ્યું છે. તો બીજી તરફ વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશો દ્વારા જવાબદાર વ્યક્તિનો બચાવ કરવામાં આવતો હોય તેમ હજુ સુધી રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો નથી એફ.એસ.એલનું રટણ રડી જવાબદારીથી છૂટકારો મેળવી રહ્યાં છે.

4 દિવસમાં રિપોર્ટ સુપરત કરવાનો હતો

એસએસજી હોસ્પિટલમાં આગ લાગવાના મામલે કમિટીની રચના કરવામાં આવી હતી. તપાસ કમિટીએ ઘટનાસ્થળે જઈ મુલાકાત લીધી હતી. SSGના કોવિડ આઇસીયુ વિભાગમાં જઈ ટીમે તપાસ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ તપાસ કમિટી ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં બનાવવામાં આવી છે. આગમાં બળી ગયેલા વેન્ટિલેટરની તપાસ ટીમ કરી છે. આ ઉપરાંત અન્ય સાધનો પણ કમિટીએ ચકાસ્યાં હતા. અને 4 દિવસમાં તપાસ કમિટીએ આ મામલે રિપોર્ટ રજૂ કરવાનો હતો. પરંતુ આ બનાવને 50 દિવસનો સમય વિત્યો હોવા છતાં તપાસ કમિટી રિપોર્ટ રજુ ન કરી શકતા અનેક સવાલો ઉભા થયા છે.

રિપોર્ટમા વિલંબ થતાં સવાલો ઉઠ્યા

આ તપાસ કમિટીના અધ્યક્ષ સુધીર પટેલે જણાવ્યું હતું કે, એફ.એસ.એલ.ના રિપોર્ટ ની રાહ જોવાઇ રહી છે ત્યારે અહીં સવાલ એ ઉભો થાય છે કે સયાજી હોસ્પિટલમાં આગ લાગવાના આ ગંભીર બનાવ સામે તપાસમાં વિલંબ કેમ કરવામાં આવી રહ્યો છે. શું એફ એસ એલ ને રિપોર્ટ સોંપતા 50 દિવસનો સમય લાગે . જેથી જવાબદાર વ્યક્તિને આ તપાસમાં છાવરવા મોટા માથા કામે લાગ્યા હોય તેવી શક્યતાને નકારી શકાય નહીં. કમિટી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે, બનાવના ચાર દિવસમાં કમિટી આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ સુપરત કરવાનો હતો. કમિટીએ આ મામલે હોસ્પિટલ સ્ટાફના નિવેદનો લીધા હતા. આ ઉપરાંત કમિટીએ ધમણ વેન્ટિલેટર અંગે પણ તપાસ શરૂ કરી હતી. હોસ્પિટલની ઇલેક્ટ્રિક સિસ્ટમની પણ કમિટીએ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

ધમણમાંથી આગ લાગ્યાનું પ્રાથમિક રીતે સામે આવેલું

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના કોવિડ આઇસીયું વોર્ડના પ્રથમ માળે 8 સપ્ટેમ્બરની રાત્રે આગ લાગી હતી જે અંગે તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી હતી આ તપાસ કમિટી માં નાયબ મ્યુનિસિપલ કમિશનર સુધીર પટેલ ગોત્રી જી.એમ.ઇ.આર.એસ હોસ્પિટલના ડીન વર્ષાબેન અને એસોસિયેટ પ્રોફેસર નીતા બોસ તેમજ એમ.જી.વી.સી.એલના સુપ્રિટેન્ડન્ટ ઇજનેર બી જે દેસાઈ ની નિમણૂક કરવામાં આવી છે અને બને તેટલી વહેલી તકે આગ અંગેનો રિપોર્ટ સુપરત કરવા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. સયાજી હોસ્પિટલમાં લાગેલી આગનો રિપોર્ટ આવવાનો બાકી છે પરંતુ જે દિવસે આગ લાગી તે વખતે ધમણ વેન્ટિલેટરમાંથી આગની શરૂઆત થઇ હતી તેવું પ્રાથમિક વિગતો માં બહાર આવ્યું હતું.

સ્પાર્કની શક્યતા સ્વિકારાઈ હતી

તે સમયે સયાજી હોસ્પિટલના એક અધિકારીએ તો વેન્ટિલેટર 24 કલાક સતત ચાલે તો તેમાં સ્પાર્ક થવાની શક્યતાઓ રહેલી છે તે વાતનો સ્વિકાર પણ કર્યો હતો. અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે રાજ્ય સરકાર દ્વારા ધમણ વેન્ટિલેટર ની ખરીદી થઈ હતી ત્યારે પણ વિવાદ સર્જાયો હતો હવે સયાજી હોસ્પિટલમાં લાગેલી આગ અંગે જે રિપોર્ટ રજૂ કરવાનો છે તેમાં પણ વિલંબ થઈ રહ્યો છે તેની પાછળ ધમણ વેન્ટિલેટર હોય તેવી ચર્ચા ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here