દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસી( યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની પરીક્ષામાં વડોદરાના બે ઉમેદવારો ઝળકયા છે.વડોદરાના અતુલ ત્યાગીએ આજે જાહેર થયેલા યુપીએસસીના પરિણામમાં સમગ્ર દેશમાં ૬૨મો અને હર્ષ પટેલે સમગ્ર દેશમાં ૩૯૨મો ક્રમાંક હાંસલ કર્યો છે.
અતુલ ત્યાગી મૂળ તો દિલ્હીના છે અને પિતાની વડોદરાના હેવી વોટર પ્લાન્ટમાં ટ્રાન્સફર થયા બાદ પરિવાર સાથે વડોદરા આવી ગયા હતા.તેઓ વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી હેવી વોટર કોલોનીમાં રહે છે.તેઓ વડોદરામાં આવ્યા ત્યારે સાતમા ધોરણમાં ભણતા હતા.૨૦૧૯માં તેમણે એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાંથી અંગ્રેજી વિષય સાથે ડિગ્રી મેળવી હતી.યુપીએસસી પરીક્ષામાં અગાઉ બે વખત સફળતા મેળવ્યા બાદ તેમનો આ ત્રીજો પ્રયત્ન હતો અને તેમણે સફળતાની હેટ્રિક નોંધાવી છે.૨૦૨૦ના પહેલા પ્રયત્નમાં અતુલ ત્યાગીએ ભારતમાં ૨૯૧મો રેન્ક તથા ૨૦૨૨ના બીજા પ્રયત્નમાં ૧૪૩મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો.બીજા પ્રયત્ન બાદ તેમણે ઈન્ડિયન રેવન્યૂ સર્વિસ પર પસંદગી ઉતારી હતી.આંધ્ર પ્રદેશમાં તેમની નિયુક્તિ થઈ હતી.જોકે ત્રીજી વખત પરીક્ષા આપવા માટે તેમણે રજા લીધી હતી.જ્યારે હર્ષ પટેલ વડોદરાના સમા-ચાણક્યપુરી વિસ્તારમાં રહે છે.તેમના પિતા મલ્ટીનેશનલ કંપનીમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયર છે.તેમણે બીટસ પિલાનીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી અને બાદમાં માસ્ટર ઈન કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો હતો.હર્ષ પટેલ અત્યારે દિલ્હીની કંપનીમાં નોકરી કરી રહ્યા છે.આ પહેલા તેઓ ત્રણ વખત યુપીએસસી પરીક્ષા આપી ચુકયા છે.ત્રીજા એટેમ્પમાં તે મુખ્ય પરીક્ષા પાસ કરીને ઈન્ટરવ્યૂના સ્ટેજ સુધી પણ પહોંચ્યા હતા.૨૪ વર્ષીય અતુલ ત્યાગીએ કહ્યુ હતુ કે, મારે કોઈ પણ સંજોગોમાં ઈન્ડિયન ફોરેન સર્વિસમાં જવુ હોવાથી ત્રીજી વખત પરીક્ષા આપી હતી.યુપીએસસી પરીક્ષામાં તૈયારી માટે સિલેબસ, અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો, મુદ્દાસર નોટસ અને પ્રેક્ટિસ એટલે કે મોક ટેસ્ટ અને ઈન્ટરવ્યૂ મહત્વના છે.સાથે સાથે સોશિયલ મીડિયાથી દૂર રહેવુ પણ જરુરી છે.વડોદરામાં મેં મોટાભાગે સેલ્ફ સ્ટડી પર જ આધાર રાખ્યો હતો.હું દિલ્હીમાં કોચિંગ સેન્ટરોના વિકલ્પ વધારે હોવાથી ત્યાં ગયો હતો પણ ચાર મહિનામાં પાછો આવી ગયો હતો.ત્યાંનો માહોલ મને માફક આવ્યો નહોતો.લોકોને હવે આઈએએસ અને આઈપીએસની સાથે સાથે ઈન્ડિયન ફોરન સર્વિસનુ મહત્વ ખબર પડી રહી છે.આ જાગૃતિ લાવવામાં વિદેશ મંત્રી ડો.જયશંકરનો પણ મોટો ફાળો છે.ગ્લોબલાઈઝેશનના કારણે વિદેશી નીતિની પણ લોકોની રોજ બરોજની જિંદગી પર મોટી અસર જોવા મળી રહી છે અને લોકોને પણ તેનો અહેસાસ થઈ રહ્યો છે.મારુ માનવુ છે કે, યુપીએસસી પાસ કરનારા ઉમેદવારોએ સર્વિસ જોઈન કર્યા બાદ સોશિયલ મીડિયા પર પોતાનો પ્રચાર કરતી પોસ્ટ કરવી જોઈએ નહીં.કારણકે અમારે પડદા પાછળ રહીને કામ કરવાનુ હોય છે.૬ વર્ષીય હર્ષ પટેલ અત્યારે દિલ્હીની કંપનીમાં નોકરી કરે છે.હર્ષે જણાવ્યુ હતુ કે, યુપીએસસીમાં ગુજરાતીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી છે અને એ જ બાબતે મને પ્રેરણા આપી હતી.મારે સાબિત કરવુ હતુ કે, ગુજરાતીઓ પણ યુપીએસસીમાં સફળતા મેળવી શકે છે.એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન મેં ઘણા પૂર્વ વિદ્યાર્થીઓને યુપીએસસી પાસ કરતા જોયા હતા અને તેના કારણે પણ હું યુપીએસસીનો અભ્યાસ કરવા માટે પ્રેરાયો હતો.સ્પીપામાં (સરદાર પટેલ ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન)મેં તાલીમ લીધી હતી.૨૦૨૨ સુધી હું વડોદરામાં જ રહીને પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.મારુ માનવુ છે કે, પોતાની મહેનત પર વિશ્વાસ રાખવો જોઈએ.નિષ્ફળતા મળે તો પણ પ્રયત્ન ચાલુ રાખીને એક વખત તો સફળતા મળશે જ તેવી આશા રાખવી જોઈએ.મેં સોશિયોલોજીને મુખ્ય વિષય રાખ્યો હતો. સોશિયલ મીડિયાની નકારાત્મક અસરો હોય છે એટલે હું સોશિયલ મીડિયા પર સ્હેજ પણ સક્રિય નહોતો.મારી ઈચ્છા તો આઈએએસ બનવાની છે એટલે ફરી વખત પણ યુપીએસસીની પરીક્ષા આપીશ.અતુલ ત્યાગી અને હર્ષ પટેલ એમ બંને ઉમેદવારોએ કહ્યુ હતુ કે, અમને ઈન્ટરવ્યૂમાં અપેક્ષા જ ના હોય તેવા અણધાર્યા કે ચોંકાવનારા સવાલો પૂછવામાં નહોતા આવ્યા.ઈન્ટરવ્યૂ લેનારી પેનલના સભ્યોએ અતુલ ત્યાગીને પૂછ્યુ હતુ કે, અસ્થિર પાકિસ્તાન ભારતના હિતમાં છે કે પછી ભારતે પાકિસ્તાનને મદદ કરવી જોઈએ ? અતુલ ત્યાગી ટેબલ ટેનિસમાં રાષ્ટ્રીય સ્તરે રમી ચુકયો હોઈ પેનલે ટેબલ ટેનિસ પરના તથા અંગ્રેજીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હોવાથી અંગ્રેજી સાહિત્ય પરના અને વડોદરા અંગેના સવાલો પણ પૂછ્યા હતા. હર્ષ પટેલનુ વતન ઉંઝા છે.ઉંઝામાં થતી જીરુની ખેતી અંગે, ઈલેકટોરલ બોન્ડ અંગે તથા ગિફટ સિટી અંગે અને વાંચનનો મને શોખ હોવાથી તેના વિશે તેમને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.