IND vs AUS બીજી ટેસ્ટ : ઓસ્ટ્રેલિયા ટીમ પ્રથમ ઈનિંગમાં 195 રનમાં ઓલઆઉટ : પ્રથમ દિવસે ભારતનો સ્કોર 36/1.

0
23

મેલબર્નમાં રમાઈ રહેલી બોક્સિંગ-ડે ટેસ્ટમાં પ્રથમ દિવસ પૂરો થવા સુધીમાં ભારતીય ટીમે 1 વિકેટ ગુમાવીને 36 રન બનાવી લીધા છે. સાથે ઓસ્ટ્રેલિયા ટીમ પ્રથમ ઈનિંગમાં 195 રનમાં ઓલઆઉટ થઈ. આ રીતે ટીમે 159 રનની સરસાઈ મેળવી છે. હાલ, શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારા ક્રિઝ પર છે.

આ ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમવાર છે, જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમ બોક્સિંગ-ડે ટેસ્ટના પ્રથમ દિવસે ઓલઆઉટ થઈ છે. આ અગાઉ 2011માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટના પ્રથમ દિવસે 98 રન જ બનાવી શકી હતી.

મયંક ખાતું ન ખોલાવી શક્યો

ભારતીય ઓપનર મયંક અગ્રવાલ ઈનિંગની પ્રથમ ઓવરમાં જ પેવેલિયનમાં પરત ફર્યો. તે ખાતું પણ ન ખોલાવી શક્યો. મિચેલ સ્ટાર્કે તેને LBW કર્યો.

બુમરાહે 4 અને અશ્વિને 3 વિકેટ લીધી

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં માર્નસ લાબુશેને સૌથી વધુ 48 અને ટ્રેવિસ હેડે 38 રનની ઈનિંગ રમી. ઝડપી બોલર જસપ્રીત બુમરાહે 4 અને સ્પિનર રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ લીધી. ડેબ્યુ મેચમાં મોહમ્મદ સિરાજને 2 વિકેટ મળી.

મેચમાં શરૂઆતમાં પકડ ન બનાવી શકી ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયાની શરૂઆતથી જ ખરાબ રહી હતી. ટીમે 38 રન પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન જો બર્ન્સ અને સ્ટીવ સ્મિથ ખાતું પણ ન ખોલાવી શક્યા. તેના પછી ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને ઈનિંગ સંભાળી અને ચોથી વિકેટ માટે 86 રનની પાર્ટનરશિપ કરી. તેના પછી ટીમ સંપૂર્ણપણે પડી ભાંગી અને આખરે 71 રન બનાવવામાં 7 વિકેટ ગુમાવી દીધી.

ડેબ્યુ ટેસ્ટમાં સિરાજને બે વિકેટ

ઝડપી બોલર મોહમ્મદ સિરાજે ડેબ્યુ ટેસ્ટમાં બે વિકેટ લીધી. તેમણે માર્નસ લાબુશેન (48) અને કેમરુન ગ્રીન (12)ને પેવેલિયનમાં મોકલ્યા. લાબુશેનનો કેચ શુભમન ગિલે ઝડપ્યો. સંજોગની વાત છે કે ગિલનો પણ આ ડેબ્યુ મેચમાં પ્રથમ કેચ રહ્યો હતો. ગ્રીનને સિરાજે એલબીડબ્લ્યુ કર્યો.

બુમરાહે પ્રથમ અને ચોથો આંચકો આપ્યો

ઝડપી બોલર જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયાના 2 ખેલાડીને પેવેલિયનમાં મોકલ્યા. તેણે ટીમને ચોથો આંચકો આપતાં ટ્રેવિસ હેડને 38 રન પર આઉટ કર્યો. અજિંક્ય રહાણેએ તેનો કેચ પકડ્યો. પ્રથમ વિકેટ પણ બુમરાહે જ લીધી હતી. ઓપનર જો બર્ન્સ ખાતું ખોલ્યા વિના જ વિકેટકીપર ઋષભ પંતના હાથે કેચ આઉટ થયો. હેડ અને લાબુશેન વચ્ચે ચોથી વિકેટ માટે 86 રનની પાર્ટનરશિપ થઈ.

મેચમાં ડીન જોન્સને શ્રદ્ધાંજલિ

ટી-ટાઈમ વચ્ચે પૂર્વ ઓસ્ટ્રેલિયન પ્લેયર ડીન જોન્સને શ્રદ્ધાંજલિ અપાઈ. લિજેન્ડનું બેટ, કેપ અને ચશ્માં સ્ટમ્પ્સની પાસે રખાયાં. આ સાથે જ કેટલાક પ્રશંસકો પણ ડીન જોન્સને શ્રદ્ધાંજલિ આપવા માટે બેનર લઈને પહોંચ્યા હતા.ઓસ્ટ્રેલિયન સરકારે આ મેચ માટે 30 હજાર પ્રશંસકોને સ્ટેડિયમમાં આવવાની અનુમતી આપી હતી.

આ વર્ષે સપ્ટેમ્બરમાં ડીન જોન્સનું મુંબઈની એક હોટેલમાં હાર્ટ-અટેકથી નિધન થયું હતું. 59 વર્ષના જોન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ક્રિકેટ કોમેન્ટરી પેનલમાં હતા.

સિરાજના બાઉન્સરથી લાબુશેનના હેલ્મેટમાં બોલ વાગ્યો

ઝડપી બોલર મોહમ્મદ સિરાજનો એક બાઉન્સર માર્નસ લાબુશેનના હેલ્મેટમાં વાગ્યો. સારી વાત એ છે કે લાબુશેનને ઈજા ન થઈ. હેલ્મેટ ડેમેજ થઈ, જેને કારણે એ બદલવી પડી. આ ઘટના પ્રથમ ઈનિંગની 36મી ઓવરમાં બની.

સ્મિથ પ્રથમવાર ભારત વિરુદ્ધ ખાતું ન ખોલાવી શક્યો

સ્ટીવ સ્મિથ પ્રથમવાર ટીમ ઈન્ડિયાની વિરુદ્ધ કોઈ ખાતું ખોલ્યા વિના આઉટ થયો. અત્યારસુધીમાં તેણે ઈન્ડિયા વિરુદ્ધ 12 ટેસ્ટમાં 1431 રન બનાવ્યા છે. તેમાં 7 સદી સામેલ છે. બે વાર એક રન પર આઉટ થયો છે. ભારત વિરુદ્ધ તેનો બેસ્ટ સ્કોર 192 રન છે, જે તેણે 2014માં મેલબર્નમાં જ બનાવ્યો હતો.

કોહલની ગેરહાજરીમાં રહાણે કેપ્ટનશિપ સંભાળી રહ્યો છે

ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન એક દિવસ અગાઉ જ જાહેર કરાઈ હતી. ટીમમાં 4 ફેરફાર કરાયા. શુભમન ગિલ અને ઝડપી બોલર મોહમ્મદ સિરાજની આ ડેબ્યુ ટેસ્ટ છે. વિકેટકીપર ઋદ્ધિમાન સાહાની જગ્યાએ ઋષભ પંતને મોકો મળ્યો. પ્રથમ ટેસ્ટમાં ફ્લોપ રહેલા ઓપનર પૃથ્વી શૉને બહાર રખાયો છે,

જ્યારે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન મળ્યું છે. કેપ્ટન વિરાટ કોહલી પેટરનિટી લીવ પર ભારત પરત આવ્યો છે. એવામાં કેપ્ટનશિપની જવાબદારી અજિંક્ય રહાણેને સોંપવામાં આવી છે. મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા ઉપકપ્તાન રહેશે. કોચ રવિ શાસ્ત્રીએ શુભમનને ડેબ્યુ કેપ નંબર 297 અને રવિચંદ્રન અશ્વિને સિરાજને ડેબ્યુ કેપ નંબર 298 સોંપી.

બંને ટીમોઃ

  • ભારતઃ અજિંક્ય રહાણે (કપ્તાન), મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
  • ઓસ્ટ્રેલિયાઃ જો બર્ન્સ, મેથ્યુ વેડ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરુન ગ્રીન, ટિમ પેન (વિકેટકીપર અને કપ્તાન), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન અને જોશ હેજલવૂડ.

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 100મી ટેસ્ટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યારસુધીમાં કુલ 99 ટેસ્ટ મેચ રમાઈ છે. તેમાં ભારતે 28 અને ઓસ્ટ્રેલિયાએ 43 મેચ જીતી છે. 27 મેચ ડ્રો અને 1 ટાઈ રહી હતી. ઓસ્ટ્રેલિયામાં બંને વચ્ચે 49 મેચ રમાઈ હતી. તેમાંથી ભારતે માત્ર 7 અને ઓસ્ટ્રેલિયાએ 30 મેચોમાં જીત હાંસલ કરી. 12 મેચ ડ્રો રહી.

સિરીઝમાં જળવાઈ રહેવા માટે ભારતે જીતવું જરૂરી

સિરીઝમાં જીતની દોડમાં યથાવત રહેવા માટે ભારતીય ટીમે આ મેચ જીતવી પણ જરૂરી છે. પહેલી મેચમાં ભારતને 8 વિકેટથી હરાવીને ઓસ્ટ્રેલિયા સિરીઝમાં 1-0માં આગળ છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી બે સિરીઝ જીતી ચૂકી છે. એવામાં તે આ સિરીઝને પણ જીતીને ઈતિહાસ રચવા માગશે. ટીમ ઈન્ડિયા અત્યારસુધી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સતત 3 સિરીઝ નથી જીતી શકી.

2018માં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું

ટીમ ઈન્ડિયાએ ગત વખતે 2018માં ઓસ્ટ્રેલિયા ટીમને તેના જ ઘરમાં ટેસ્ટ સિરીઝમાં 3-1થી હરાવ્યું હતું. ટીમની ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં આ પહેલી ટેસ્ટ સિરીઝ જીત હતી. ભારતે ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી 12માંથી 8 ટેસ્ટ સિરીઝ હારી અને 3 ડ્રો રમી છે.

મેલબર્નમાં છેલ્લી ટેસ્ટ જીતી હતી ટીમ ઈન્ડિયા

ભારતીય ટીમનો મેલબર્નમાં ટેસ્ટ રેકોર્ડ ભલે ખરાબ હોય, પણ છેલ્લી મેચ ઈન્ડિયાએ જ જીતી હતી. 2018ની ઓસ્ટ્રેલિયાની મુલાકાત પર ભારતીય ટીમે યજમાનને મેલબર્નમાં રમાયેલી બોક્સિંગ-ડે ટેસ્ટમાં 137 રનથી હાર આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here