ઓસ્ટ્રેલિયા બીજી વનડે 51 રને જીત્યું : કાંગારુંએ સીરિઝમાં 2-0ની અજેય લીડ મેળવી; વિદેશમાં ભારત સતત બીજી વનડે સીરિઝ હાર્યું.

0
8

ઓસ્ટ્રેલિયાએ ત્રણ વનડે સીરિઝની બીજી મેચમાં સિડની ખાતે ભારતને 51 રને હરાવી શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. 390 રનનો પીછો કરતા ટીમ ઇન્ડિયા 50 ઓવરમાં 9 વિકેટે 338 રન જ કરી શકી હતી. ભારતની આ વનડેમાં સતત પાંચમી હાર છે. સીરિઝની પહેલી મેચમાં કાંગારુંએ ભારતને 66 રને હરાવ્યું હતું. તે પહેલાં ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડે ભારતનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો.

રનચેઝમાં ભારત માટે કેપ્ટન વિરાટ કોહલી અને લોકેશ રાહુલે અનુક્રમે 89 અને 76 રન કર્યા હતા. તે સિવાય શ્રેયસ ઐયરે 38 અને શિખર ધવને 30 રન કર્યા. ઓસ્ટ્રેલિયા માટે પેટ કમિન્સે 3, જોશ હેઝલવુડ અને એડમ ઝામ્પાએ 2-2, જ્યારે ગ્લેન મેક્સવેલ અને મોઝેઝ હેનરિક્સે 1-1 વિકેટ લીધી.

કોહલી 11 રન માટે સદી ચુક્યો

વિરાટ કોહલીએ પોતાના વનડે કરિયરની 59મી ફિફટી ફટકારતા 87 બોલમાં 7 ફોર અને 2 સિક્સની મદદથી 89 રન કર્યા હતા. તે હેઝલવુડની બોલિંગમાં શોર્ટ મીડવિકેટ પર હેનરિક્સ દ્વારા કેચ આઉટ થયો હતો. હેનરિક્સે ડાઇવ લગાવીને શાનદાર કેચ ઝડપ્યો.

વનડેમાં હેઝલવુડ સામે કોહલીનો દેખાવ:

 • ઇનિંગ્સ: 5
 • 63.04ની સ્ટ્રાઇક રેટથી 29 રન કર્યા
 • 3 વાર આઉટ થયો

ઐયર અને કોહલીની 93 રનની ભાગીદારી

શ્રેયસ ઐયર મોઝેઝ હેનરિક્સની બોલિંગમાં સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. ઐયરે 36 બોલમાં 5 ફોરની મદદથી 38 રન કર્યા હતા. તેમજ કોહલી સાથે ત્રીજી વિકેટ માટે 93 રનની ભાગીદારી કરી હતી.

વિરાટ રિવ્યૂ લઈને બચ્યો

વિરાટ કોહલી 11 રને રમી રહ્યો હતો ત્યારે કમિન્સને બોલિંગમાં તેને LBW આઉટ આપવામાં આવ્યો હતો. જોકે, તેણે રિવ્યૂ લઈને અમ્પાયરના નિર્ણયને ફેરવ્યો હતો. રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ તેના બેટને અડીને પેડને અડ્યો હતો.

શિખર અને મયંકની 58 રનની ભાગીદારી

શિખર ધવન 30 રને જોશ હેઝલવુડની બોલિંગમાં મીડ-ઓન પર સ્ટાર્કના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી મયંક અગ્રવાલ કમિન્સની બોલિંગમાં કીપર કેરીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 26 બોલમાં 4 ફોરની મદદથી 28 રન કર્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી, પરંતુ સારી શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યા નહોતા.

ઈજાગ્રસ્ત વોર્નર મેદાનની બહાર

ભારતીય ઇનિંગ્સની ચોથી ઓવરમાં ધવને મારેલા શોટને મીડ-ઓફ પર રોકવા જતા ડેવિડ વોર્નર ઈજાગ્રસ્ત થયો. તેને ઉભા થવામાં તકલીફ થઇ અને મેદાનની બહાર જતો રહ્યો છે. તેની ઇજા અંગે હજી સત્તાવાર જાહેરાત થઇ નથી.

સ્મિથની સદી થકી કાંગારુંએ 390 રનનો ટાર્ગેટ આપ્યો

ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 4 વિકેટે 389 રન કર્યા છે. આ ઓસ્ટ્રેલિયાનો વનડેમાં ભારત વિરુદ્ધ હાઈએસ્ટ ટોટલ છે. તેમના માટે ટોપ-5એ બેટ્સમેનોએ 50થી વધુનો સ્કોર કર્યો. આવું વનડેમાં ત્રીજી વાર થયું છે. સ્ટીવ સ્મિથે કરિયરની 11મી સદી ફટકારતા 104 રન કર્યા. જ્યારે ડેવિડ વોર્નરે 83, માર્નસ લબુશેને 70, ગ્લેન મેક્સવેલે 63* અને આરોન ફિન્ચે 60 રનનું યોગદાન આપ્યું.

ભારત સામે વનડેમાં હાઈએસ્ટ ટોટલ:

 • 438/4 સાઉથ આફ્રિકા, વાનખેડે 2015
 • 411/8 શ્રીલંકા, રાજકોટ 2009
 • 389/4 ઓસ્ટ્રેલિયા,સિડની 2020 (આજે)
 • 374/6 ઓસ્ટ્રેલિયા, સિડની 2020

સ્મિથે ભારત સામે સતત ત્રીજી વનડે ઇનિંગ્સમાં સદી મારી

સ્ટીવ સ્મિથે પોતાનું શાનદાર ફોર્મ જારી રાખતા સીરિઝમાં સતત બીજી, ભારત સામે સતત ત્રીજી અને વનડે કરિયરની 11મી સદી મારી છે. તેણે 64 બોલમાં 14 ફોર અને 2 સિક્સની મદદથી 104 રન કર્યા હતા. તેણે આજે 62 બોલમાં 100 રન પૂરા. ગઈ મેચમાં પણ તેણે સદી મારવા માટે 62 બોલ જ લીધા હતા. તે હાર્દિકની બોલિંગમાં શોર્ટ-થર્ડ મેન પર શમીના હાથે કેચ આઉટ થયો હતો.

છેલ્લી 5 વનડે ઇનિંગ્સમાં સ્મિથનો ભારત સામે દેખાવ:

69(70) ઓવલ , 98(102) રાજકોટ, 131(132) બેંગલુરુ, 105(66) સિડની અને આજે – 104(64)

જ્યારે વનડેમાં ટીમના ટોપ-5એ 50+ સ્કોર કર્યો:

 • પાકિસ્તાન vs ઝિમ્બાબ્વે, કરાચી 2008
 • ઓસ્ટ્રેલિયા vs ઇન્ડિયા, જયપુર 2013 *
 • ઓસ્ટ્રેલિયા vs ઇન્ડિયા, સિડની 2020 *

લબુશેનની વનડેમાં ત્રીજી ફિફટી, 70 રન કર્યા

માર્નસ લબુશેને પોતાના વનડે કરિયરની ત્રીજી ફિફટી ફટકારતા 61 બોલમાં 5 ફોરની મદદથી 70 રન કર્યા હતા. તે બુમરાહની બોલિંગમાં મીડ-ઓફ પર મયંક અગ્રવાલના હાથે કેચ આઉટ થયો હતો.

હાર્દિક પંડ્યાએ 14 મહિના પછી બોલિંગ કરી

પીઠની ઇજામાંથી સ્વસ્થ થયા પછી હાર્દિક પંડ્યાએ 14 મહિના પછી પહેલીવાર બોલિંગ કરી. ઇજા પહેલા તેણે 22 સપ્ટેમ્બર 2019ના રોજ સાઉથ આફ્રિકા સામે બેંગલુરુમાં T-20 રમી હતી. તે મેચમાં તેણે 1 વિકેટ લીધી હતી. વાપસી પછી તેણે મુંબઈ ઇન્ડિયન્સ માટે આઇપીએલમાં 14 મેચમાં 281 રન બનાવ્યા હતા. પરંતુ બોલિંગ કરી નહોતી.

ઐયરે લોન્ગ-ઓફ પરથી સીધો થ્રો મારીને વોર્નરને 83 રને રનઆઉટ કર્યો

ડેવિડ વોર્નરે સતત બીજી મેચમાં ફિફટી મારી. તેણે પોતાના વનડે કરિયરની 23મી ફિફટી ફટકારતા 77 બોલમાં 7 ફોર અને 3 સિક્સની મદદથી 83 રન કર્યા. સ્મિથે જાડેજાની બોલિંગમાં લોન્ગ-ઓફ પર શોટ માર્યો હતો. બીજો રન લેવાના પ્રયાસમાં વોર્નર નોન-સ્ટ્રાઈકર એન્ડ પર રનઆઉટ થયો. શ્રેયસ ઐયરે બાઉન્ડ્રી પરથી સીધો થ્રો મારીને ઓસ્ટ્રેલિયન ઓપનરની ઇનિંગ્સ સમાપ્ત કરી.

ફિન્ચની વનડેમાં 28મી ફિફટી, વોર્નર સાથે સતત બીજી મેચમાં 100+ રનની ભાગીદારી

ઓસ્ટ્રેલિયન કેપ્ટન આરોન ફિન્ચે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા 69 બોલમાં 6 ફોર અને 1 સિક્સની મદદથી 60 રન કર્યા હતા. આ તેની વનડે કરિયરની 28મી ફિફટી હતી. તેણે વોર્નર સાથે પ્રથમ વિકેટ માટે 142 રનની ભાગીદારી કરી. બંનેએ સતત બીજી મેચમાં 100+ રનની પાટર્નરશિપ કરી. ગઈ મેચમાં બંનેએ પહેલી વિકેટ માટે 156 રન બનાવ્યા હતા. ફિન્ચ શમીની બોલિંગમાં એક્સ્ટ્રા કવર પર કોહલીના હાથે કેચ આઉટ થયો હતો.

ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ 100+ રનીની ઓપનિંગ પાર્ટનરશિપ:

 • 16 વાર: એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યુ હેડન
 • 12 વાર: આરોન ફિન્ચ અને ડેવિડ વોર્નર
 • 11 વાર: રિકી પોન્ટિંગ અને માઈકલ ક્લાર્ક
 • 10 વાર: મેથ્યુ હેડન અને રિકી પોન્ટિંગ

વનડે ઇતિહાસમાં ભારતે પ્રથમ વાર વિરોધી ટીમને સતત 3 મેચમાં 100 રનની ઓપનિંગ ભાગીદારી કરવા દીધી:

 • 106 ગુપ્ટિલ-નિકોલસ, માઉન્ટ મોન્ગાનુઈ
 • 156 ફિન્ચ-વોર્નર, સિડની
 • 100* ફિન્ચ-વોર્નર, સિડની

ડેવિડ વોર્નર 15મી ઓવર રનઆઉટ થતા બચ્યો હતો. ભારતીય વિકેટકીપર લોકેશ રાહુલ બેલ્સ પાડે તે પહેલા વોર્નર ક્રિઝની અંદર આવી ગયો હતો.

ભારતને સતત પાંચમી વનડેમાં પાવરપ્લેમાં વિકેટ ન મળી:

 • 54/0 vs ન્યૂઝીલેન્ડ, હેમિલ્ટન
 • 52/0 vs ન્યૂઝીલેન્ડ, ઓકલેન્ડ
 • 65/0 vs ન્યૂઝીલેન્ડ, માઉન્ટ મોન્ગાનુઈ
 • 51/0 vs ઓસ્ટ્રેલિયા, સિડની
 • 59/0 vs ઓસ્ટ્રેલિયા, સિડની

ભારત માટે સૌથી વધુ વનડે

 • 463 વનડે: સચિન તેંડુલકર
 • 347 વનડે: એમએસ ધોની
 • 334 વનડે: મોહમ્મદ અઝહરુદીન
 • 308 વનડે: સૌરવ ગાંગુલી
 • 301 વનડે: યુવરાજ સિંહ
 • 269 વનડે: અનિલ કુંબલે
 • 250 વનડે: વિરાટ કોહલી (કોહલી 250 વનડે રમનાર દેશનો 9મો ખેલાડી બન્યો)

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ લીધી

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ત્રણ વનડે સીરિઝની બીજી મેચમાં ભારત સામે સિડની ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. કાંગારુંએ પોતાની પ્લેઈંગ-11માં એક ફેરફાર કર્યો છે. ઈજાગ્રસ્ત માર્કસ સ્ટોઈનિસની જગ્યાએ મોઝેઝ હેનરિક્સને ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે ભારતે પોતાની ટીમમાં કોઈ બદલાવ કર્યો નથી.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11: આરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લબુશેન, ગ્લેન મેક્સવેલ, મોઝેઝ હેનરિક્સ, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા અને જોશ હેઝલવુડ

ભારતની પ્લેઈંગ 11: શિખર ધવન, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, લોકેશ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મ્દ શમી, યુઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની અને જસપ્રીત બુમરાહ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here