આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર-કુમકુમ -મણિનગર દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના મુક્તજીવન સ્વામીબાપાની 115મી પ્રાગટ્ય જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, કુમકુમ મણિનગર મંદિર ખાતે સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ કરવામાં આવી હતી અને ત્યારબાદ કીર્તનભક્તિ અને સત્સંગ સભા યોજવામાં આવી હતી. મુક્તજીવન સ્વામીબાપાની પ્રાગટ્ય ભૂમિ ખેડા ખાતે સ્વામિનારાયણ ભગવાનની ભવ્ય પાલખી યાત્રા યોજાઈ હતી. વાત્રક નદીના કિનારે સ્વામિનારાયણ ભગવાન ઉપર પંચામૃતથી અભિષેક કરીને મહાઆરતી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ખેડાની નદીમાં કુમકુમ મંદિરના સંસ્થાપક આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિ વિસર્જનનો વિધિ કરવામાં આવ્યો હતો. 25મીએ હીરાપુર ચોકડીથી સ્વામિનારાયણ કુમકુમ સેવા કેન્દ્ર – હીરાપુર સુધી સ્વામિનારાયણ ભગવાનની અને મુક્તજીવન સ્વામીબાપાની વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી,અને વિવિધ ઉપચાર દ્વારા તેમની તુલાવિધિ અને અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમૂહરાસ,બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, સમૂહ આરતી,સંતવાણી આદિક અનેક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સવિશેષ કુમકુમ મંદિરના સંસ્થાપક આનંદપ્રિયદાસજી સ્વામીને સ્વામિનારાયણ ભગવાન સાથે બિરાજમાન કરીને આબેહુબ ભવ્ય વિવિધ ફૂલોમાંથી રંગોળી પૂરવામાં આવી હતી.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ આ મહોત્સવ દરમ્યાન સત્સંગસભામાં જણાવ્યું હતું કે, જીવનપ્રાણ સ્વામીબાપાએ ગુજરાત ભારત સાધુ સમાજના અધ્યક્ષ અને અખિલ ભારત સાધુ સમાજના ઉપાધ્યક્ષ પદે રહીને જનસમાજની સેવા કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી વિદેશની ભૂમિ ઉપર તેઓ સૌ પ્રથમ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીને લઈને આફ્રીકા પધાર્યા હતા. યુરોપના લંડનમાં પણ તેઓ અનેક વખત પધાર્યા છે અને મંદિરો સ્થાપ્યા છે. લંડનના ટ્રફાલ્ગર સ્કેવર ખાતે પણ તેમણે જાહેર સભા યોજીને ભારતીય સંસ્કારોનું પ્રવર્તન કરેલ છે. તેના કારણે લંડનમાં પણ સત્સંગનો પ્રચાર ને પ્રસાર વધુ થયો છે.જેને લઈને આજે અનેક મંદિરો સ્થપાયા છે. આ પ્રસંગે હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ પ્રાસંગિક આશીર્વચન પાઠવ્યા હતા.આ ત્રિદિવસીય મહોત્સવ દરમ્યાન ગુજરાત તેમજ લંડનથી મોટી સંખ્યામાં હરિભકતો પધાર્યા હતા અને સત્સંગનો લાભ લીધો હતો.