ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી દ્વારા મેડિકલના અભ્યાસમાં ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારો મધ્યમ વર્ગીય પરિવારને પોષાય તેમ નથી. જેથી NSUI દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને GMERSની ફી ઘટાડવા માગ કરી છે. ફી ઘટાડો ન કરવામાં આવે તો આગામી દિવસમાં સમગ્ર રાજ્યમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
આ મામલે NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં GMERSની રચના 13 વર્ષ અગાઉ કરવામાં આવી હતી. તે સમયે રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે, ઓછી ફીમાં ડોકટર તૈયાર કરવામાં આવશે. જે ગુજરાતના આરોગ્ય સેવાને મદદરૂપ થશે, પરંતુ ગુજરાત સરકારે રાતોરાત GMERSની મેડિકલ કોલેજોમાં ફી વધારો કર્યો તે રાજ્ય સરકારની જાહેરાતથી તદ્દન વિપરીત છે. હાલ રાજ્યમાં 13 GMERS મેડિકલ કોલેજ છે. ગુજરાત અત્યારે મોટા પાયે ડોકટર, પેરા મેડિકલ સ્ટાફ સહિતના ક્ષેત્રોમાં માનવ બળની ઘટ છે.
ગુજરાતના મેડિકલમાં અભ્યાસ કરી ડોકટર બનવાનું સ્વપ્ન જોતા વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને વર્ષ 2023-24 માટે સરકારી કોટામાં 67 ટકા અને મેનેજમેન્ટ કોટામાં 28 ટકા અને NRI કોટામાં 3000 ડોલરનો અસહાય વધારાને કારણે ડોકટર બનવું મુશ્કેલ બન્યું છે. મેડિકલમાં 88 ટકા સુધીના ફી વધારાના કારણે વાલી અને વિદ્યાર્થીઓની આર્થિક ચિંતામાં વધારો થયો છે. રાજ્યની GMERS કોલેજમાં કરેલ ફી વધારો પરત ખેંચવામાં આવે તો વિદ્યાર્થીઓ ભણી શકે. વધુમાં જણાવ્યું હતું કે, સરકારે શરૂઆત કરી ત્યારે ઓછી ફીની જાહેરાત કરવામાં આવી હતી. હવે અચાનક જ ધરખમ ફી વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ લોન લઈને વિદેશ અભ્યાસ જવું પડે તેવી સ્થિતિ ઊભી થશે. જેથી સરકાર ફી ઘટાડો કરે નહિ તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ફી વધારાના વિરોધમાં આંદોલન કરવામાં આવશે.