કોરોના વાયરસની સારવારમાં અસરકારક છે આયુર્વેદિક ઔષધિ ‘મુલેઠી’

0
8

કોવિડ-19 સામેની લડાઈમાં હવે મોટા પાયે આયુર્વેદિક ઔષધિઓને ઉપયોગમાં લેવાની તૈયારીઓ થઈ રહી છે. આ સંદર્ભે થોડા દિવસ પહેલા ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયાએ અશ્વગંધા સહિત ચાર આયુર્વેદિક ઔષધિઓ અને આયુષ-64 નામની આયુર્વેદિક દવાઓના ઉપયોગને મંજૂરી આપી હતી.

વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષધ (સીએસઆઈઆર) તથા આયુષ મંત્રાલયની પહેલ પર આ પગલું લેવામાં આવ્યું છે. હાલ અશ્વગંધા સહિતની જે આયુર્વેદિક ઔષધિઓને ક્લીનિકલ ટ્રાયલ માટેની મંજૂરી આપવામાં આવી છે તેમાં યષ્ટિમધુ (મુલેઠી), પીપલી અને ગળો (ગિલોય)નો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ દિલ્હીના આયુર્વેદિક ડોક્ટર રાજીવ પુંડિરના મંતવ્યો.

જે સ્વસ્થ છે તેને સ્વસ્થ કેમ રાખવા

કોરોનાએ વાયરસથી થતો રોગ છે જે વ્યક્તિના શ્વસન તંત્ર પર આક્રમણ કરે છે અને ગણતરીના દિવસોમાં જ દર્દીને ગંભીર સ્થિતિમાં પહોંચાડી દે છે. આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે સૌથી પહેલા આપણે ‘સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણણ’ એટલે કે જે સ્વસ્થ છે તેની સ્વસ્થતા કેવી રીતે જાળવી રાખવી તે વિચારવું જોઈએ.

આ કારણે આયુષ મંત્રાલય અને સીએસઆઈઆરએ આ રોગ સામે લડવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા ચાર ઔષધિઓનું મિશ્રણ તૈયાર કર્યું છે જેથી લોકોમાં આ રોગ સામે લડવાની ક્ષમતા વિકસિત થાય.

તેમાં અશ્વગંધા નર્વ્સ સિસ્ટમને તંદુરસ્ત રાખે છે, મુલેઠી કે જેઠીમધ અને પીપલી એટલે કે નાની પીપર વ્યક્તિના શ્વસનતંત્ર પર સકારાત્મક પ્રભાવ પાડે છે અને ગળો પ્રસિદ્ધ જ્વરનાશક ઔષધિ છે. આ તમામ ઔષધિઓનું સંમિશ્રણ દર્દીની રોગપ્રતિકારક શક્તિ વધારશે જે માત્ર કોરોના જ નહીં અન્ય રોગોથી બચવામાં પણ ઉપયોગી સાબિત થશે.

આ મિશ્રણને આયુર્વેદમાં વર્ણવેલી ક્વાથ વિધિ એટલે કે કાઢો બનાવીને પ્રયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. કાઢો બનાવવા માટે ચારેય ઔષધિને સમાન માત્રામાં લઈને (દરેક ઔષધિ અઢી ગ્રામ, કુલ 10 ગ્રામ) થોડી ખાંડીને ચાર ગણા પાણીમાં ઉકાળી લો.

ત્યાર બાદ એક ચતુર્થાંશ જેટલું પાણી બચે એટલે ગાળીને હુંફાળું હોય ત્યારે સેવન કરવું. સતત 15 દિવસ સુધી તેનું સવાર-સાંજ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે અને કોવિડ-19ના પ્રભાવથી પણ બચી શકાય છે.

રોગ થઈ ગયા બાદ દર્દીની સારવાર

આયુર્વેદનો આગળનો સિદ્ધાંત છે ‘આતુરસ્ય વિકાર પ્રશમનં’ એટલે કે રોગ થઈ ગયા બાદ દર્દીની સારવાર. કોરોના સંક્રમણ દર્દીના શ્વસન તંત્ર પર આક્રમણ કરે છે અને તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રોગને ત્રિદોષજ પ્રતિશ્યાય, ત્રિદોષજ કાસ અને ત્રિદોષજ શ્વાસમાં રાખી શકાય છે.

આ રોગોમાં વપરાતી વિશેષ ઔષધિઓ જેમ કે સિતોપલાદી ચૂર્ણ, તાલિસાદિ ચૂર્ણ, ચંદ્રામૃત રસ, કડકેતુ રસ, શ્વાસંકુઠાર રસ, વાસાઅવલેહ, કનકાસવ વગેરે પણ પ્રભાવશાળી સાબિત થઈ શકે છે પરંતુ તેનો ઉપયોગ ફક્ત નિષ્ણાંતોની દેખરેખમાં કરવો જ હિતાવહ છે.

આ નિયમોનું પાલન કરો

વર્તમાન સમયમાં પ્રત્યેક વ્યક્તિ આહાર-વિહારનું વિશેષ ધ્યાન રાખે તે જરૂરી છે. સાધારણ શાક, રોટલી, દાળ, ભાત સહિતનો તાજો ખોરાક લેવો જોઈએ તથા દૂધ, ઘી અને તાજા દહીંનું યથાશક્તિ સેવન કરવું જોઈએ. વાસી ભોજન, ખાટા પદાર્થો, ખાટું દહીં, બહારથી મંગાવેલા ખાદ્ય પદાર્થો, ખાટા ફળોનો રસ, માંસ, મદિરા અને ધુમ્રપાન વગેરેનું ભૂલથી પણ સેવન ન કરવું જોઈએ.

ફ્રીજમાં રહેલું ઠંડુ પાણી પીવાથી બચવું જોઈએ અને નવશેકું પાણી પીવું જોઈએ જેથી શ્વસન તંત્રને વિશેષ લાભ મળે. તે સિવાય ભીડવાળી જગ્યાઓએ જવાનું ટાળવું જોઈએ.