આજે સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. મળતી જાણકારી અનુસાર, સુરતના લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. આ અંગેનું તમામ આયોજન કરવામા આવી રહ્યું છે. લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં યોજાનારા બે દિવસીય દરબારમાં ત્રણ લાખથી વધુ લોકો ઉમટશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આજે વહેલી સવારથી જ લોકો દરબારમાં હાજર રહેવા પહોંચી રહ્યા છે. ગુજરાતના જ લોકો નહી પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ,જમ્મુ કશ્મીર, ઉત્તર પ્રદેશ, બિહારથી પણ લોકો દિવ્ય દરબારમાં હાજરી આવવા આવી રહ્યા છે.
દિવ્ય દરબાર સાંજે 5થી 10 વાગ્યા સુધી યોજાશે. જો કે દિવ્ય દરબારના પ્રારંભ પહેલા વિશાળ રોડ- શો યોજાશે. બાબાને ગુજરાત પ્રવાસ માટે Y કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. ત્યારે બાબા જ્યાં દરબાર ભરવાના છે તે સ્થળ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા સુરત પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે. બાબાના દરબારની સુરક્ષા માટે એક JCP, બે DCP, ચાર ACP કક્ષાના અધિકારી તૈનાત રહેશે. તો 400થી વધુ પોલીસ કર્મચારી, 700 હોમગાર્ડના જવાન પણ ખડેપગે રહેશે.