રાજકોટ : ભગવતીપરામાં 16 કરોડના ખર્ચે હાઇસ્કૂલ સાથે બેડમિન્ટન, વોલીબોલ કોર્ટ બનશે

0
16

રાજકોટઃ વોર્ડ નં.4માં ભગવતીપરા વિસ્તારમાં 26201 ચોરસ મીટર જગ્યામાં નવી હાઇસ્કૂલ બનાવવાનું પ્લાનિંગ મહાનગરપાલિકાએ શરૂ કર્યું છે. જેમાં બે તબક્કામાં કામગીરી કરવામાં આવશે. મનપાના સિટી એન્જિનિયર અલ્પના મિત્રા, કમિશનર ઉદિત અગ્રવાલ ભગવતીપરા ખાતે જે સ્થળે સ્કૂલ બનાવવાનું આયોજન છે ત્યાં સ્થળ મુલાકાત માટે ગયા હતા.

અગ્રવાલે જણાવ્યું હતું કે, ભગવતીપરામાંની હાઇસ્કૂલ ફેઝ-1માં 16 કરોડ રૂપિયાના ખર્ચે ગ્રાઉન્ડ ફ્લોરમાં 14 ક્લાસ રૂમ સાથે પ્રિન્સિપાલ ઓફિસ, સ્ટાફ રૂમ, એડમિન ઓફિસ, રેકર્ડ રૂમ, કમ્પ્યૂટર રૂમ, ચિલ્ડ્રન ટોય રૂમ, ડિસ્પેન્સરી, એક્ટિવિટી રૂમ, લેડીઝ તથા જેન્ટસ ટોઇલેટ, વોટરરૂમ, ઓપન એર થિયેટર સહિતની સુવિધા ઊભી કરાશે તેમજ ફેઝ-2માં 4.77 કરોડ રૂપિયાના ખર્ચે 11 ક્લાસ રૂમ, લાઇબ્રેરી, ઇ–લાઇબ્રેરી, મિટિંગ હોલ, ફિઝિકલ લેબ, બાયોલોજી લેબ, કેમિસ્ટ્રી લેબ ટોઇલેટ, વોટરરૂમ તેમજ બેડમિન્ટન, ટેબલ–ટેનિસ બિલ્ડિંગ, વોલીબોલ કોર્ટ, ફૂટબોલ કોર્ટ, કબડ્ડી ગ્રાઉન્ડ તેમજ એથ્લેટિક ટ્રેક ગ્રાઉન્ડનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ શાળા બિલ્ડિંગનો ઉપયોગ પ્રાથમિક અને માધ્યમિક બન્ને પ્રકારે થશે.

નગર પ્રા. શિક્ષણ સમિતિની કચેરીનું રિનોવેશન
કરણપરા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી તેમજ આ પરિસરમાં આવેલી અન્ય બિલ્ડિંગ જર્જરિત હોવાથી તેને રિપેરિંગ, લેન્ડ સ્કેપિંગ, ગાર્ડન, મ્યુનિસિપલ શાળાઓ માટે ઓડિટોરિયમ, તેમજ હયાત લાઇબ્રેરીના બિલ્ડિંગને રિનોવેશન સહિતની કામગીરી કરાશે.