Saturday, September 25, 2021
Home'બાલિકાવધૂ' ફૅમ પ્રત્યુષા બેનર્જીના પેરેન્ટ્સની આર્થિક સ્થિતિ ખરાબ
Array

‘બાલિકાવધૂ’ ફૅમ પ્રત્યુષા બેનર્જીના પેરેન્ટ્સની આર્થિક સ્થિતિ ખરાબ

લોકપ્રિય ટીવી શો ‘બાલિકાવધૂ’ની બીજી સિઝન ટૂંક સમયમાં ટીવી પર શરૂ થશે. બાળવિવાહ પર આધારિત આ શોની પહેલી સિઝન દર્શકોને ઘણી જ પસંદ આવી હતી. આ સિરિયલના આનંદીથી લઈ જગિયા, દાદીસા સહિતના પાત્રો ચાહકોને યાદ છે. વાત જ્યારે આનંદીની આવે તો નજર સામે અવિકા ગોર તથા પ્રત્યુષા બેનર્જીનો ચહેરો છવાઈ જાય છે. આ સિરિયલમાં અવિકા ગોરે નાની આનંદી તથા પ્રત્યુષાએ મોટી આનંદીનો રોલ પ્લે કર્યો હતો. હાલમાં પ્રત્યુષાના પેરેન્ટ્સ શંકર બેનર્જી તથા સોમા બેનર્જી મુંબઈમાં ઘણી જ ખરાબ સ્થિતિમાં રહી રહ્યાં છે. તેમની આર્થિક હાલત પણ સારી નથી.

પ્રત્યુષાનું પાંચ વર્ષ પહેલાં મોત થયું

પહેલી એપ્રિલ, 2016ના રોજ પ્રત્યુષાના મોતના સમાચાર આવ્યા હતા. પ્રત્યુષાએ સુસાઇડ કર્યું હોવાનું કહેવામાં આવે છે. જોકે, તેના પેરેન્ટ્સ માની રહ્યાં છે કે તેમની દીકરીની હત્યા થઈ છે. પ્રત્યુષાના મોતના પાંચ વર્ષ બાદ હજી સુધી આ રહસ્ય ઉકેલાયું નથી.

પ્રત્યુષાના પિતાએ કહ્યું, બધું જ જતું રહ્યું, એક રૂપિયો નથી

પ્રત્યુષા પરિવારની એક માત્ર દીકરી હતી. તેના મોતથી પરિવાર આખો વિખરાઈ ગયો છે અને તેમની પાસે હવે એક રૂપિયો નથી. પ્રત્યુષાના પેરેન્ટ્સની આર્થિક સ્થિતિ ઘણી જ ખરાબ છે. આજતક સાથેની વાતચીતમાં પ્રત્યુષાના પિતા શંકર બેનર્જીએ કહ્યું હતું કે તેમને લાગે છે કે દીકરીના મોત બાદ જાણે કોઈ મોટું તોફાન આવ્યું અને બધું જ લઈને જતું રહ્યું. કેસ લડતાં લડતાં તેમણે પોતાની પાસે જ પણ પૈસા હતા તે તમામ ખર્ચી નાખ્યા છે અને હવે તેમની પાસે એક ફૂટી કોડી પણ નથી.

એક રૂમમાં રહેવા મજબૂર

વાત કરતાં સમયે શંકર બેનર્જીને ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે દીકરીને કારણે જ તેઓ ફર્શથી અર્શ સુધી પહોંચ્યા હતા. તે પરિવારનો એક માત્ર સહારો હતી. પ્રત્યુષા ગઈ પછી જીવનમાં તોફાન આવી ગયું હોય તેમ લાગે છે. હવે જીવન કેમેય કરીને જીવાતું નથી. સ્થિતિ એવી છે કે હવે તેઓ એક રૂમમાં રહેવા મજબૂર છે. અનેક લોકો પાસેથી ઉધાર લઈને ઘર ચલાવે છે.

આ રીતે ચાલે છે જીવનની ગાડી

શંકર બેનર્જીએ આગળ કહ્યું હતું કે જીવન તો જેમ તેમ ચાલી રહ્યું છે. પ્રત્યુષાની માતા એક ચાઇલ્ડ કેર સેન્ટરમાં કામ કરે છે. આ જ જગ્યાએ તે કંઈક આશા સાથે વાર્તાઓ લખે છે. તેમને એવું છે કે ક્યાંક કોઈ વાત બની જાય અને જીવન ફરીથી ટ્રેક પર આવી જાય.

પ્રત્યુષા માટે જીવનની અંતિમ ક્ષણ સુધી લડીશ

પ્રત્યુષાના પિતાએ એમ કહ્યું હતું કે ભલે આજે તેમની પાસે પૈસા નથી, પરંતુ તે હિંમત હાર્યા નથી. તે દીકરીના હક માટે જીવનની અંતિમ ક્ષણ સુધી લડશે. પ્રત્યુષાની જીત જ તેમના જીવનની અંતિમ આશા છે. તેમને વિશ્વાસ છે કે તેઓ એક દિવસ જરૂરથી જ જીતશે.

પ્રત્યુષા 1 એપ્રિલ, 2016ના રોજ ઘરમાં મૃત મળી આવી હતી

1 એપ્રિલ, 2016ના રોજ પ્રત્યુષા પોતાના મુંબઈ સ્થિત ભાડાના ઘરમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શ્વાસ રૂંધાવાને કારણે મોત થયું હોવાનું કહેવામાં આવ્યું હતું. આ કેસમાં પ્રત્યુષાના પરિવારે પ્રેમી રાહુલ રાજ સિંહ પર આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાના આરોપ લગાવ્યા હતા. રાહુલને બોમ્બે હાઇકોર્ટે જામીન આપ્યા હતા. થોડાં સમય પહેલાં જ રાહુલે એક્ટ્રેસ સલોની શર્મા સાથે લગ્ન કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments