બલોલ પાસે 1.4ની તીવ્રતાથી ધરા ધ્રૂજી, મહેસાણા તાલુકામાં પ્રથમવાર ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું

0
10

મહેસાણા. પ્રથમ વખત મંગળવારે વહેલી સવારે ભૂકંપનું એપી સેન્ટર મહેસાણા તાલુકામાં નોંધાયું હતું. મહેસાણા શહેરથી માત્ર 16 કિલોમીટર દૂર બલોલ ગામ નજીકનું ખેતર એપી સેન્ટર રહ્યું હતું. જમીન સ્તરથી 1.8 કિલોમીટર અંદર કેન્દ્ર બિંદુ ધરાવતા આ ભૂકંપ જમીનમાં રહેલા ફ્રેક્ચર ઝોનના કારણે આવ્યો હોવાનું  નિષ્ણાંતે જણાવ્યું હતું.

5 જૂને બપોરે 1 કલાકને 6 મિનિટે ધરોઇથી 14 કિલોમીટર દૂર 1.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ગાંધીનગર ખાતે આવેલા રાજ્યના સિસ્મોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના જણાવ્યા અનુસાર, મંગળવારે વહેલી સવારે 3 કલાકને 6 મિનિટે મહેસાણા શહેરથી 16 કિલોમીટર દૂર 1.4 ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો.  તાલુકાના બલોલ ગામ નજીકના ખેતરમાં જમીન સ્તરથી 1.8 કિલોમીટર અંદર ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું હતું. જો કે, મહેસાણા તાલુકામાં ભૂકંપનું એપી સેન્ટર પ્રથમ વખત નોંધાયું છે. નિષ્ણાંતના મત્તે, જમીનની અંદર આવેલા ફ્રેક્ચર ઝોનના કારણે થયેલી હીલચાલથી ભૂકંપ અનુભવાયો હતો.જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા છે. આ ત્રણેય આંચકા 1.4 ની તીવ્રતાના રહ્યા છે. જેમાં ગત તા. 5 જૂને બપોરે 1 કલાકને 6 મિનિટે ધરોઇથી 14 કિલોમીટર દૂર 1.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જમીન સ્તરથી 3 કિલોમીટર અંદર એપી સેન્ટર રહ્યું હતું. ગત તા.6 જૂને સવારે 10 કલાકને 13 મિનિટે ધરોઇથી 20 કિલોમીટર દૂર 1.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જમીન સ્તરથી 14.4 કિલોમીટર અંદર એપી સેન્ટર રહ્યું હતું.