મુંબઇ પોલીસને મંગળવારે મોટી સફળતા સાંપડી છે. પોલીસે વર્લી હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી મિહિર શાહની ધરપકડ કરી છે. અકસ્માત બાદથી મિહિર ફરાર હતો અને પોલીસે મિહિરને પકડવા માટે 14 ટીમો બનાવી હતી.
પોલીસના અનુસાર વર્લી કોલીવાડા નવિસારી કાવેરી નખવા (45) રવિવારે સવારે લગભગ સાડા પાંચ વાગ્યાના સુમારે પોતાન પતિ પ્રદીપ સાથે જઈ રહ્યા હતા ત્યારે બીએમડબ્લ્યૂમાં સવાર મિહિર શાહે દંપતીના ટુ વ્હીલરને કથિત રીતે ટક્કર મારી હતી.પોલીસના અનુસાર ટક્કર બાદ કાર મહિલાને લગભગ બે કિલોમીટર સુધી ઢસડતી આગળ વધી હતી. મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. અકસ્માત બાદ આરોપી ભાગી ગયો હતો. આરોપી પોતાની કાર અને બાજુની સીટ પર બેસેલા ડ્રાઇવર રાજઋષિ બિદાવતને બાંદ્રાના કલાનગર પાસે છોડીને ભાગી ગયો હતો. પોલીસે તેના સાથી સહિત એક ડઝનથી વધારે લોકોની પૂછપરછ કરી તેને પકડવા માટે ઘણી ટાસ્ક ફોર્સ બનાવી હતી. પોલીસના અનુસાર આરોપી મિહિર શાહ સીએમ એકનાથ શિંદેની શિવસેનાના સભ્ય અને નેતા રાજ શાહનો પુત્ર છે.
મિહિર સાથે રહેલો અન્ય આરોપી રાજઋષિ બિદાવત જેલમાં છે. અહેવાલો અનુસાર મિહિરે એક બારમાં 20 હજાર ખર્ચ્યાના થોડા કલાકો બાદ જ તેનો આ અકસ્માત થયો હતો. એવો દાવો પણ કરાઇ રહ્યો છે કે રાજ શાહે ડ્રાઇવર બિદાવતને કહ્યું છે કે તે આરોપ પોતાના માથે લઈ લે અને પોલીસ સામે કબૂલાત કરે કે અકસ્માત સમયે તે (ડ્રાઇવર) કાર ચલાવી રહ્યો હતો.