હોળી-ધૂળેટીના દિવસે વડોદરા પાસેથી પસાર થતી નર્મદા અને મહીસાગર નદીમાં ન્હાવા પર પ્રતિબંધ

0
6

વડોદરા શહેરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના દિવસે દિવસે વધી રહેલા કેસોને ધ્યાનમાં લઇને આગામી હોળી ધૂળેટીના બે દિવસ વડોદરા નજીકથી પસાર થતી મહીસાગર નદી અને નર્મદા નદીના ન્હાવા લાયક સ્થળો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જે અંગે આજે વડોદરા જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું.

કોરોના સંક્રમણને લઇને કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યું

ઉલ્લેખનીય છે કે ધૂળેટીના દિવસે વડોદરા નજીક આવેલા સિંધરોટ ફાજલપુર તેમજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાછનપુર, અને શિનોર તાલુકાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદી, કરજણ તાલુકાના નારેશ્વરમાં ન્હાવા માટે વડોદરા શહેર સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. હાલમાં કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટર દ્વારા હોળી અને ધૂળેટીના બે દિવસ માટે મહીસાગર અને નર્મદા નદી કિનારાના ન્હાવા માટેના સ્થળો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

નારેશ્વર પાસેથી પસાર થતી નર્મદા નદી(ફાઇલ તસવીર)

નારેશ્વર પાસેથી પસાર થતી નર્મદા નદી(ફાઇલ તસવીર)

શહેરમાં રોજ 150થી વધુ કેસો સામે આવી રહ્યા છે

વડોદરા શહેરમાં કોરોનાના રોજના કેસો 150ને પાર કરી ચુક્યા છે અને તેમાં પણ દિવસે દિવસ સતત વધારો થઈ રહ્યો છે. તે સાથે સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા હોળી અને ધૂળેટી સાર્વજનિક રીતે ન મનાવવા માટે એસ.ઓ.પી જાહેર કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડ લાઇનને પગલે સ્થાનિક પ્રશાસન દ્વારા પણ કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈને નદી કિનારાના ન્હાવા લાયક સ્થળો ઉપર બે દિવસ માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યુ છે.

નર્મદા અને મહીસાગર નદીના કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

વડોદરા જિલ્લા કલેકટર દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્ધ કરાયા બાદ શહેર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા હોળીના દિવસની સવારથી ધૂળેટીના તહેવારની મોડી રાત સુધી મહીસાગર અને નર્મદા કિનારાના ન્હાવા લાયક આવેલા સ્થળો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. જે લોકો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તેઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

લાંછનપુર પાસેથી પસાર થતી મહીસાગર નદી(ફાઈલ તસવીર)

લાંછનપુર પાસેથી પસાર થતી મહીસાગર નદી(ફાઈલ તસવીર)

સિંધરોટ, લાંછનપુર, દીવેર અને નારેશ્વર ખાતે લોકો ન્હાવા માટે ઉમટે છે

વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા હોળી અને ધૂળેટીના તહેવારને ધ્યાનમાં લઈ વડોદરા નજીક આવેલ સિંધરોટ ચેકડેમ, વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલાં લાછનપુરા, શિનોર તાલુકાના દીવેર મઢી નર્મદા નદીનો પટ અને કરજણ તાલુકાના નારેશ્વર નર્મદા નદીના ઘાટ પર હોળી અને ધૂળેટીના બે દિવસ ન્હાવા જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here