ક્રિકેટમાં બદલાવ – બોલ ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ, બે વખત વોર્નિંગ બાદ પેનલ્ટી લાગશે; ટેસ્ટ મેચમાં ખેલાડી સંક્રમિત હશે તો રિપ્લેસ થશે

0
0
  • ICCએ જે નિયમોમાં બદલાવ કર્યો છે તે ઇંગ્લેન્ડ-વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ સીરીઝમાં લાગૂ થઇ શકે છે
  • કોરોના કન્કશનનો નિયમ માત્ર ટેસ્ટ મેચમાં લાગૂ થશે, અત્યારે વનડે અને ટી20માં તે લાગૂ નહીં થાય
  • અનિલ કુંબલેની આગેવાની હસ્તકની ક્રિકેટ કમિટીએ નિયમોમાં બદલાવ માટે સૂચનો આપ્યા હતા
ઓસ્ટ્રેલિયાનો માર્નસ લબુશાને પહેલો કન્કશન સબ્સ્ટીટ્યૂટ હતો. ગત વર્ષે એશેઝની બીજી ટેસ્ટમાં સ્ટીવ સ્મિથને માથા પર બોલ વાગ્યા બાદ લબુશાને મેદાનમાં ઉતર્યો હતો, ફાઇલ ફોટો

સીએન 24,ગુજરાત

ICCએ બોલ ચમકાવવા માટે લાળના ઉપયોગ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. અનિલ કુંબલેની અધ્યક્ષતાવાળી ક્રિકેટ કમિટીએ લાળ પ્રતિબંધિત કરવાની ભલામણ કરી હતી. તે સિવાય ICCએ બે દેશ વચ્ચે થનારી ડોમેસ્ટિક સીરીઝમાં ડોમેસ્ટિક અમ્પાયરની નિયુક્તિ કરવા માટે પણ મંજૂરી આપી દીધી છે.

અત્યારસુધી ICCના નિયમો પ્રમાણે ડોમેસ્ટિક સીરીઝમાં ન્યૂટ્રલ અમ્પાયરની જ નિયુક્તિ કરવામા આવતી હતી. પરંતુ કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને આ નિયમને અત્યારે હટાવી લેવાયો છે. હવે બે દેશો વચ્ચો થનારી સીરીઝમાં ફીલ્ડ અમ્પાયર ડોમેસ્ટિક જ હશે. તે સિવાય મેચ રેફરી પણ ડોમેસ્ટિક હશે. ટેસ્ટ મેચમાં કોરોના કન્કશનનો નિયમ લાગૂ થશે. તેનો અર્થ એ કે કોઇ ખેલાડી જો કોરોના સંક્રમિત હશે તો તેને રિપ્લેસ કરી શકાશે. જોકે આ નિયમ માત્ર ટેસ્ટ મેચમાં લાગૂ થશે, વનડે અને ટી20માં હજુ લાગૂ કરવામા આવ્યો નથી.

ટેસ્ટમાં જ કોરોના સબ્સ્ટીટ્યૂટનો નિયમ લાગૂ થશે
કોરોના કન્કશન અંગે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ ICCને એક પ્રસ્તાવ મોકલ્યો હતો. આ પ્રસ્તાવમાં ટેસ્ટ મેચ દરમિયાન કોઇ ખેલાડી કોરોના પોઝિટિવ માલૂમ પડે તો તેની જગ્યાએ સબ્સ્ટીટ્યૂટને મેદાન પર ઉતારવાની વાત કરવામા આવી હતી. ખેલાડીને રિપ્લેસ કરવાનો માત્ર એક જ આધાર હશે. જો કોઇ બેટ્સમેન સંક્રમિત હશે તો તેની જગ્યાએ બેટ્સમેન જ ટીમમાં આવશે. બોલરના મામલે પણ આ રીતે જ બદલાવ થશે. સંક્રમિત ખેલાડીની જગ્યાએ કયો ખેલાડી આવશે તેનો નિર્ણય મેચ રેફરી કરશે.

બોલ પર લાળ લગાવી તો પેનલ્ટી
ICCએ બોલ પર લાળ લગાવવા પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે. જો કોઇ ખેલાડી આવું કરશે તો અમ્પાયર ટીમને બે વખત ચેતવણી આપશે. ત્યારબાદ પણ જો ખેલાડી આવું કરશે તો પેનલ્ટી તરીકે બેટિંગ કરતી ટીમના સ્કોરબોર્ડમાં 5 રન ઉમેરવામા આવશે. જ્યારે પણ લાળનો ઉપયોગ થાય તો અમ્પાયરે બોલને સાફ કરવો પડશે. ત્યારબાદ જ રમત ફરી શરૂ થઇ શકશે.

જુલાઇમાં ઇંગ્લેન્ડ-વેસ્ટઇન્ડિઝ વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરીઝ
આ ટેસ્ટ સીરીઝમાં કોરોના સબ્સ્ટીટ્યૂટનો નિયમ લાગૂ થઇ શકે છે. બન્ને દેશ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચ રમાશે. સીરીઝ માટે વિન્ડિઝ ટીમ ઇંગ્લેન્ડ પહોંચી ગઇ છે. 14 ખેલાડીની ટીમ સાથે 11 રિઝર્વ ખેલાડી પણ આ પ્રવાસે પહોંચ્યા છે. તેમને ત્રણ અઠવાડિયા માટે ઓલ્ડ ટ્રેફર્ડમાં રાખવામા આવશે. અહીં ટ્રેનિગ સાથે જ ખેલાડીઓને સેલ્ફ ક્વોરેન્ટીન થવુ પડશે.

કન્કશન સબ્સ્ટીટ્યૂટ અંગેનો નિયમ ક્યારે લાગૂ થયો હતો ?
આ નિયમ ગત વર્ષે ઓગસ્ટમાં ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી એશેઝ સીરીઝ વખતે લાગૂ થયો હતો. તે પ્રમાણે મેચ દરમિયાન જો કોઇ ખેલાડી ઇજાગ્રસ્ત થાય તો તેની જગ્યાએ બીજો ખેલાડી રમી શકે છે. તેમાં પણ બેટ્સમેનનું રિપ્લેસમેન્ટ બેટ્સમેન અને બોલરના સ્થાને બોલર જ આવી શકે છે. તેનો નિર્ણય મેચ રેફરી કરશે. આ પહેલા સબ્સ્ટીટ્યૂટ ખેલાડીને માત્ર મેદાન પર ફીલ્ડીંગની જ મંજૂરી મળતી હતી.

ફિલિપ હ્યૂઝના મોત બાદ આ નિયમ અંગે ચર્ચા થઇ
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર ફિલિપ હ્યૂઝના નિધન પછી આ નિયમ અંગે ચર્ચા શરૂ થઇ હતી. 2014માં શેફીલ્ડ શીલ્ડ ટુર્નામેન્ટ સમયે હ્યૂઝને માથામાં બાઉન્સર વાગ્યો હતો. ત્યારબાદ હ્યૂઝને હોસ્પિટલ લઇ જવામા આવ્યો હતો પણ તેનું મોત થયું હતું. અત્યારે આ નિયમને 2 વર્ષ માટે લાગૂ કરવામા આવ્યો છે. તેની સમીક્ષા કર્યા બાદ આગળ વધારવામા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here